Tauktae વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે. તો સાથે રાજ્યનાં દરિયા કિનારે આ અસર વધુમાં વધુ જોવા મળી રહી છે. ત્યારે વેરાવળથી સમાચાર આવી રહ્યાં છે કે, બંદર પર લાંગરેલી બોટ દરિયામાં તણાઇ રહી છે. આ બોટનાં માલિકોનાં જણાવ્યાં પ્રમાણે, આ બોટમાં આઠ જેટલા લોકો હોવાની શક્યતા છે. અહીં એનડીઆરએફની ટીમ, સ્થાનિક પોલીસ અને મામલતદાર પણ પહોંચ્યા છે.
બોટમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. આ સાથે આ લોકોને મોટી બોટ દ્વારા કે એરલિફ્ટ કરીને રેસ્ક્યૂ કરવાની પણ વાત ચાલી રહી છે.
મળતી માહિતી પ્રમાણે, તમામ બોટોને વાવાઝોડું આવતા પહેલા બંદરે લાંગરી દેવામાં આવી હતી. પરંતુ સોમવારે મોડી રાતે જે સૂસવાટાભેર પવન આવ્યો હતો તેનાં કારણે આ બોટો છૂટીને મધદરિયે પહોંચી ગઇ હતી. ચર્ચા પ્રમાણે, અહીં લાંગરેલી એક બોટ દરિયામાં ડૂબી ગઇ છે. વેરાવળનાં દરિયામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પવનની ગતિ પણ અહીં વધી રહી છે. દરિયો ગાંડોતૂર બન્યો છે. ત્યારે આ બચાવ કાર્ય કરવું ઘણું અઘરું બની રહ્યું છે. જોકે, તંત્ર આ લોકોને બચાવવા માટે શક્ય પ્રયાસ કરી રહ્યું છે.
નોંધનીય છે કે, બંદરમાં 4,800 જેટલી ફિશિંગ બોટો છે. જેની સામે 1,700 બોટો પાર્કિંગ થઇ શકે તેટલી જ ક્ષમતા છે. તંત્રની સુચનાથી તમામ બોટો છેલ્લા બે દિવસમાં પરત ફરી છે. જેના પગલે બંદરમાં 1,700 જેટલી બોટોને બંદરના કાંઠે જમીન પર સુરક્ષિત સ્થળે પાર્ક કરી દેવામાં આવી છે. જ્યારે બંદરના દરીયામાં 3,100 જેટલી ફિશિંગ બોટો પાર્કિંગની જગ્યાના અભાવે દરીયામાં જ લાંગરી દેવાની ફરજ પડી છે. ત્યારે માછીમારોની બોટો-હોડીઓ આજીવિકાનું એકમાત્ર સાધન હોય છે. જેના પર જોખમ સર્જાયું હોવાથી માછીમાર સમાજમાં ચિંતાની લાગણી પ્રસરી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર