Home /News /gujarat /Bhuj: હમીરસર તળાવ છલકાતા વેપારીએ અનોખીરીતે ઉજવણી કરી ફ્રિમાં લોકોને વડાપાવ ખવડાવ્યા

Bhuj: હમીરસર તળાવ છલકાતા વેપારીએ અનોખીરીતે ઉજવણી કરી ફ્રિમાં લોકોને વડાપાવ ખવડાવ્યા

વડાપાવ ખાવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતા

ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ બે વર્ષ બાદ છલકાતા સમગ્ર કચ્છમાં ઉજવણી થઈ હતી ત્યારે ભુજના એક વેપારીએ પોતાની દુકાને સૌ કોઈને મફતમાં વડાપાવ ખવડાવી અનોખી ઉજવણી કરી હતી

    Dhairya Gajara, Kutch: ભુજના હમીરસર તળાવને ભુજની હૃદય કહેવા પાછળનું મુખ્ય કારણ તેનાથી લોકોની બંધાયેલી લાગણીઓ છે. ચોમાસાની શરૂઆત થાય એટલે સમગ્ર ભુજ સાથે કચ્છભરમાં લોકો હમીરસર તળાવ ઓગનવાની રાહ જોતા હોય છે. અને જ્યારે આ તળાવ છલકાયા બાદ તેના વધામણાં કરવામાં આવે ત્યારે સૌ કોઇના હૃદય એક થઈ જતા હોય તેમ લોકો તળાવના કિનારે ભેગા થઈ તેને વધાવે છે. તો આ ક્ષણના મહત્વનો અંદાજો તે પરથી લગાવી શકાય છે કે ભુજમાં એક વડાપાવના ધંધાર્થીએ લોકોને મફતમાં વડાપાવ ખવડાવ્યા હતા.

    બે વર્ષ બાદ છળકાયેલા ભુજના હૃદયની ઉજવણી સૌ કોઈ પોતાની રીતે કરી રહ્યા છે. ત્યારે ભુજના વડાપાવના વેપારી દ્વારા ભુજની જનતા માટે અનોખી ઑફર રાખવામાં આવી હતી. શહેરના સંદીપ વડાપાવ તરફથી આજે સાંજે 5 થી 8 વાગ્યા દરમિયાન દરેકને નિશુલ્ક વડાપાવ ખવડાવ્યા હતા. ભુજના હૃદય સમું આ તળાવ છલકાયાની એવી તે ખુશી આ વેપારીને ઉભરી આવી કે પોતાની દુકાને આવતા દરેકને મફત વડાપાવ આપવાની જાહેરાત ગઈકાલે જ કરી હતી.

    આજે હમીરસર તળાવના વાજતે ગાજતે વધામણાં કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો તેના વધામણાં કરવા તળાવના કાંઠે પહોંચ્યા હતા. ત્યારે સાંજે આ ઓફરનો લાભ લેવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ઐતિહાસિક તળાવ ઓવરફ્લો થયાની ખુશીમાં વેપારીએ 1200 જેટલા લોકોને પ્રેમથી વડાપાવ ખવડાવ્યા હતા અને તળાવ ઓગનવાની અનોખી ઉજવણી કરી હતી.

    હમીરસર તળાવ સાથે બંધાયેલી લોકોની લાગણીઓ સાડા ચાર સદી જુનું છે. હમીરસર તળાવ તે સમયના રાજવી રાઓ ખેંગારજીએ બંધાવ્યું હતું અને તેમના પિતા રાઓ હમીરજીના નામે તેને હમીરસર નામ આપ્યું. સદીઓથી આ તળાવે પણ કચ્છના સારા અને નર્સ સમયમાં અહીંના લોકોને પાણી પૂરું પાડ્યું છે. આ તળાવનું બાંધકામ એ રીતે કરાયું હતું કે જે વર્ષે ભુજમાં વરસાદ ઓછું પડે તો ઉપરવાસના વિસ્તારથી પાણી યોજનાબદ્ધ રીતે બનાવાયેલી આવ થકી હમીરસરમાં પહોંચે છે.

    આ ઐતિહાસિક તળાવની સાથે માત્ર ભુજ જ નહીં પરંતુ જિલ્લાભરના લોકોની લાગણીઓ બંધાયેલી છે અને માટે જ આ તળાવ છલકાય એ પળ પણ સૌ માટે ખુશીનો પલ બને છે. શ્રાવણમાં દિવાળી આવી હોય તે રીતે અહીં ઉજવણી કરવામાં આવે છે. શાસ્ત્રોક્ત વિધિથી તળાવના વધામણાં થાય છે ત્યારે આખું શહેર હમીરસરના કિનારે ભેગો થાય છે. માત્ર એટલું જ નહીં પરંતુ શહેરમાં એક દિવસની રજા જાહેર કરવામાં આવે છે, જેમાં માત્ર જ નગરપાલિકા નહીં પરંતુ જિલ્લા કલેકટર કચેરી સહિત દરેક સરકારી વિભાગોને રજા આપવામાં આવે છે.
    First published:

    Tags: Bhuj, Bhuj lake, Celebrations, Hamirsar lake

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો