રાજકોટ: સંબંધોને લજવતો કિસ્સો સામે આવ્યો છે. કાકાએ જ પોતાની સગીર 14 વર્ષની ભત્રીજી (uncle molest niece) પર નજર બગાડીને શારિરીક અડપલાં કર્યા છે. કિશોરી ના પાડે તો તેને રૂમમાં પુરીને વીજ કરંટ પણ આપતો હતો. આ અંગેની જાણ કાકીને કરતા કાકાએ તેને લાકડી પણ ફટકારી હતી. હાલ મોરબી પોલીસે (Morbi police) આ અંગે તપાસ શરૂ કરી છે. હાલ કિશોરી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં (minor girl in Rajkot Civil Hospital) સારવાર લઇ રહી છે.
સગીરાના પિતા નથી
આ અંગે મળતી માહિતી પ્રમાણે, કિશોરી ચાર મહિનાથી તેના કાકાના ઘરે શકત સનાળા ગામમાં રહેતી હતી. સગીરાની પરિણીત બહેને પોલીસ સમક્ષ જણાવ્યુ હતુ કે, તેના પિતા નથી. તેઓ પાંચ બહેન અને એક ભાઇ છે. જેમાંથી આ કિશોરી ત્રીજા નંબરની છે.
બહેનને કાકા પર ગઇ શંકા
કિશોરીની બહેન અને બનેવી થોડા દિવસ પહેલા કાકાના ઘરે અમસ્તા જ ગયા હતા. ત્યારે કિશોરી અંગે પૂછતાં કાકાએ જણાવ્યુ હતુ કે તે, પાણી ભરવા બહાર ગઇ છે. કિશોરીની બહેનને કાકા પર શંકા જતાં મકાનમાં અંદર તપાસ કરી તો કિશોરી મળી આવી હતી.
બીભત્સ વીડિયો બતાવી કાકાએ શારીરિક અડપલાં કર્યાં
કિશોરીની હાલત જોઇને રૂમમાંથી બહાર કાઢી બહેન બનેવીએ પૂછ્યું તો તેણે પોતાની આપવીતી જણાવી હતી. કિશોરીએ જણાવ્યુ કે, શકત સનાળા આવ્યા બાદ કાકાએ તેના પર નજર બગાડી હતી. એક દિવસ બીભત્સ વીડિયો બતાવી કાકાએ શારીરિક અડપલાં કર્યાં હતા અને બળજબરી કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. કિશોરીએ આ અંગે તેની કાકીને કહ્યું હતું. જેથી કાકા ઉશ્કેરાયા હતા અને કિશોરીને લાકડીથી ફટકારી હતી. કિશોરીને રૂમમાં પૂરી વીજકરંટ પણ આપ્યો હતો.
થોડા મહિનાઓ પહેલા આવો જ એક ચકચાર મચાવતો કિસ્સો ગાંધીનગરના સેક્ટર 22માંથી સામે આવ્યો હતો. આનંદ વાટીકા સોસાયટીમાં મુંબઈથી રહેવા આવેલા નવ વર્ષના ભત્રીજા સાથે શારીરિક અડપલા કરનાર 19 વર્ષીય કાકા વિરુદ્ધ સેકટર 21 પોલીસ મથકમાં પોક્સો એકટ હેઠળ ગુનો દાખલ થતાં ચકચાર મચી જવા પામી હતી. મુંબઇ રહેતી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, હું મુંબઇ રહું છું અને મારા પતિને લિવર અને જોઇન્ટ ડિસ્કની બીમારી હોય તેઓ ડિસેમ્બર 2020માં સારવાર અર્થે ગાંધીનગર પોતાની માસીના ઘરે આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું 8 ફેબ્રુઆરી 2021ના રોજ મૃત્યુ થયું હતું. પતિના 13માની વિધિમાં હાજરી આપવા માસી સાસુ અને તેમનો 19 વર્ષનો દીકરો મુંબઇ અમારા ઘરે આવ્યા હતા. તેમના દીકરાએ મારા પુત્ર પર નજર બગાડી હતી. એ સમયે મે તેને આમ ન કરવા સમજાવ્યો હતો. ત્યારબાદ પણ તેણે મારા દીકરા સાથે આવું કર્યું હોવાનું દીકરાએ મને અને મારા ભાભીને જણાવ્યું હતું.