જૂનાગઢ-મેંદરડા રોડ પર તાલુકાના ઈવનગર ગામ પાસે ગત મોડી રાત્રે દુધ ભરેલા મેટાડોરના ચાલકે ડબલ સવાર બાઇકને ટક્કર મારી હતી. આ ગોઝારા અકસ્માતમાં કાકા- ભત્રીજા હવામાં ફંગોળાયા હતા. જેમા તેમને ગંભીર ઇજા પહોંચતા તેમના મોત નીપજ્યા હતા. આ અકસ્માત અંગે મૃતકના પરિવારજનએ મેટાડોરના ચાલક સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઇદ માટે જૂનાગઢ જઇ રહ્યા હતા
આ અકસ્માતમાં મળતી માહિતી પ્રમાણે, મેંદરડા તાલુકાના સીદવાણા ગીર ગામમાં રહેતા 18 વર્ષના તાલીબ નૂરમહમદ ચોટીયારા તેના 28 વર્ષના કૌટુંબિક કાકા રહીમભાઈ બિલાલભાઈ ચોટીયારા સાથે જૂનાગઢ જઇ રહ્યા હતા. ઈદનો તહેવાર માટે રાત્રીના દસેક વાગ્યે બાઈક પર જૂનાગઢ આવી રહ્યા હતા. જેમાં તાલીબ બાઈક ચલાવતો હતો અને તેના કૌટુંબિક કાકા રહીમભાઈ પાછળ બેઠા હતા.
કાકા ભત્રીજો ફંગોળાઇને તળાવમાં પડ્યા હતા
જૂનાગઢ મેંદરડા રોડ પર ઈવનગર નજીક દરગાહ પાસે રોડ પર પહોંચ્યા ત્યારે સામેથી પૂરઝડપે આવેલા (GJ-11-Y-5379)નંબરનાં દૂધ ભરેલા મેટાડોરે તેમની બાઇકને ટક્કર મારી હતી. જેમાં તાલીબ અને તેના કૌટુંબિક કાકા રહીમભાઈ ફંગોળાઈ રસ્તા પાસે આવેલા તળાવમાં પડ્યા હતા. જોકે, આ ગોઝારા અકસ્માત બાદ તે મેટાડોર ચાલક ભાગી ગયો હતો. આ અંગેની જાણ થતાં તાલુકા પોલીસ અને ફાયર બ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે જઈ તાલિબને તળાવમાંથી બહાર કાઢ્યો ત્યારે તેનું મૃત્યુ થયું હતું. જ્યારે ૨હીમભાઈની શોધખોળ કરી હતી. પરંતુ રાત્રેતે મળ્યા ન હોવાથી સવારે તેના મૃતદેહ મળતા બહાર કાઢવામાં આવ્યો હતો.
પરિવારમાં શોકનો માહોલ
આ અંગે મૃતક તાલીબના પિતા નૂરમહમદભાઈ ચાંદભાઈ ચોટીયારાએ મેટાડોરના ચાલક સામે ફરિયાદ કરી છે. જે બાદ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં એક જ પરીવારના કૌટુંબિક કાકા-ભત્રીજાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.