Home /News /gujarat /

સાયલા દારૂકાંડમાં સંડોવાયેલા PSI સહિત 5 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, જાણો સમગ્ર ઘટના

સાયલા દારૂકાંડમાં સંડોવાયેલા PSI સહિત 5 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, જાણો સમગ્ર ઘટના

સાયલા દારૂકાંડ

Rajkot News: સાયલા દારૂ કાંડમાં વધુ 5 જેટલા પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ સસ્પેન્ડ થતાં કુલ આંકડો 8 સુધી પહોંચ્યો છે.

રાજકોટ: શહેર ક્રાઈમ બ્રાન્ચના (Rajkot Crime Branch) પી.એસ.આઇ, ત્રણ હેડ કોન્સ્ટેબલ અને એક પોલીસ કોન્સ્ટેબલને ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે સસ્પેન્સન સુધીની કાર્યવાહી કરવામાં આવતા રાજકોટ શહેર પોલીસમાં સોપો પડી ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. થોડાક મહિના અગાઉ કમિશન કાંડમાં સંડોવાયેલા તત્કાલીન ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ વિરલ ગઢવી, પીએસઆઇ સાખરા તેમજ રાઇટર યોગીભાઈ સહિતને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે વધુ 5 જેટલા પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ સસ્પેન્ડ થતાં કુલ આંકડો 8 સુધી પહોંચ્યો છે.

કમિશન કાંડમાં જે પ્રમાણે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની છબીનું ધોવાણ થયું હતું. ત્યારબાદ રાજ્ય સરકારથી લઇ રાજકોટ શહેરમાં વસતા પ્રજાજનોને પણ લાગતું હતું કે, પોલીસ પોતાની છબી સુધારવા અથાગ પ્રયત્નો કરશે. પરંતુ અહીંયા તો સુધારવાના બદલે બગડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનું વધુ એક વખત પુરવાર થયું છે.

સાયલા દારૂકાંડ


કઈ રીતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડ્રાઈવરનું અપહરણ કરી ગેરકાયદે દારૂનો જથ્થો રાજકોટ લાવ્યા હતા? 

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ ભાવના કડછાની ટીમમાં રહેલા દેવા ધરજીયાને બાતમી મળી હતી કે, દારૂ ભરેલું કન્ટેનર રાજકોટ આવી રહ્યું છે. સ્ટેટ મોનીટરીંગ સેલને આપેલા નિવેદનમાં દેવા ધરજીયાએ જણાવ્યું છે કે, બાતમી મળતાની સાથે મેં અમારી ટીમના ક્રિપાલસિંહ ઉપેન્દ્રસિંહ તેમજ સુભાષભાઈને ફોન દ્વારા જાણ કરી હતી. ત્યાર બાદ અગિયાર વાગ્યાના અરસામાં હું તેમજ મારો મિત્ર સૌરભ ચંદારાણા ( બુટ લેગર ) ઍક્સેસ વાહનમાં સાયલા પાસે આવેલા આયા ગામના પાટિયા પાસે પહોંચ્યા હતાં. જ્યાં મારો બાતમીદાર છાસીયા ગામનો ભાણો તેને ક્રેટા કારમાં બેસાડી આયા ગામ તરફ જવા રવાના થયા હતા.

તે વખતે ક્રિપાલ સિંહ, ઉપેન્દ્ર સિંહ અને સુભાષ ભાઈ તેમજ ભાણો ક્રેટા કારમાં હતા. જ્યારે કે, હું તેમજ સૌરભ ચંદારાણા ( બુટ લેગર ) ઍક્સેસ પર સવાર હતાં. ત્યાર બાદ આયા ગામની સીમમાં ખુલ્લી જમીનમાં દારૂ ભરેલ કન્ટેનર પડ્યું હતું. તેમજ ડ્રાઈવર કન્ટેનરના કેબિનમાં ભાગમાં સૂતેલો હતો. ત્યાર બાદ ડ્રાઈવરને ઉઠાડી ડ્રાઈવરને ક્રેટા કારમાં બેસાડી હું તેમજ ક્રિપાલ સિંહ અને ભાણો હાઇવે પર આવવા નીકળ્યા હતાં. હાઈવે પર આવ્યા બાદ ડ્રાઈવરને કન્ટેનરમાં બેસાડી તેની પાસે કન્ટેનર ચલાવી રાજકોટ તરફ આવવા રવાના થયા હતા. તે સમયે કન્ટેનરમાં સુભાષભાઈ તેમજ ઉપેન્દ્રસિંહ પણ બેઠેલા હતા. જ્યારે કે હું અને ક્રિપાલ સિંહ ક્રેટા કારમાં આવી રહ્યા હતા. તેમજ સૌરભ ચંદારાણા એક્સેસમાં આવી રહ્યો હતો. દરમિયાન રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલી હોટેલ જે.કેમા અડધો કલાક ચા-પાણી નાસ્તા માટે રોકાયા હતા. ત્યારબાદ કન્ટેનર એક્સેસ તેમજ ક્રેટા કાર લઇ માલયાસણથી જામનગર / મોરબી બાયપાસ રોડ પર હતા. તે દરમિયાન એક ખાનગી કાર અમારા વાહનની આગળ ઉભી રહી ગઇ હતી. જે બાબતે સૌરભ ચંદારાણાએ કારમાં નજીક જઈ મોબાઈલની ટોર્ચ કરતા તેણે જણાવ્યું હતું કે, કારમાં વિજિલન્સ વાળા રાણા ભાઈ બેઠા છે.

આ પણ વાંચો - જામનગરના SP પ્રેમસુખ ડેલુનું Instagram ID બનાવી ફ્રોડ ટોળકીએ યુવાનને છેતર્યો, જાણો આખો કિસ્સો

ત્યારબાદ સૌરભ ચંદારાણા ત્યાંથી એક્સસ લઈને નાસી ગયો હતો. બાદ માં ઘટનાસ્થળ પર અમારા પીએસઆઇ ભાવના કડછા તેમજ ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઇ જે.વી ધોળા, એસીપી ક્રાઇમ ડી.વી. બસિયા સહિતનાઓ પણ આવી પહોંચ્યા હતા. ત્યારબાદ અમને દારૂ ભરેલું કન્ટેનર ક્યાંથી લાવ્યા તે સહિતની વિગતો પણ પૂછી હતી. જે બાદ અમને સૂચના આપવામાં આવી હતી કે, સદર કન્ટેનર ને સાયલા પોલીસ સ્ટેશન ખાતે લઇ જઇ સ્થાનિક પોલીસને જાણ કરવા જણાવ્યું હતું.

આ પણ વાંચો - રાજકોટ : ક્રાઈમ બ્રાન્ચ શહેરભરમાં દારૂ વેચવાનું કરે છે કામ? જુઓ VIRAL VIDEO

બુટ લેગર સૌરભ ચંદારાણા નો નંબર કોના કોના મોબાઈલમાં ક્યાં ક્યાં નામે હતો સેવ? 

સ્ટેટ મોનિટરિંગ સેલના રાણાભાઇ હમીરભાઇ કુગશિયાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, સૌરભ ચંદારાણા નું નામ દેવા ધરજીયાના ફોનમાં ઝેડ રામનાથ તરીકે સેવ હતું. જ્યારે કે, ઉપેન્દ્રસિંહ ના મોબાઈલ માં સૌરભ ચંદારાણાનું નામ ભક્તિ લાલો ફોલ્ડર તરીકે સેવ હતું. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા તપાસ કરતા દેવા ધરજીયા ના ફોનના વોટ્સેપ ચેટમાં સૌરભ ચંદારાણા સાથે 16 જુલાઈ 2021 થી અત્યાર સુધી જુદા જુદા ફોટોગ્રાફ્સ, લોકેશન સહિતની આપ-લે કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જ્યારે કે, ઉપેન્દ્રસિંહ ના ફોન ના વોટ્સેપ ચેટમાં ચંદારાણા સાથે 16 માર્ચ 2022 સુધી  વાહન રજીસ્ટ્રેશન details, location details તેમજ એક ફોટાની આપ-લે કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આમ, બંને ક્રાઈમ બ્રાન્ચના જવાનો અને બુટલેગર વચ્ચે સારો એવો ઘરબો હોવાનું સામે આવ્યું છે.


શું સમગ્ર મામલે આગળ તટસ્થ તપાસ થશે કે કેમ? 

સમગ્ર મામલે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પોતાની ફરિયાદ સાયલા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી છે. ત્યારે આગળ ગુનાના કામે કબ્જે કરવામાં આવેલ ચારેય પોલીસ જવાનોના mobile phone FSL માં મોકલવામાં આવશે કે કેમ? તેમજ જુનો ડેટા રિકવર કરવામાં આવે તો અનેક રેડ અંગે ઘણા તથ્યો બહાર આવી શકે તેમ છે. કારણકે અગાઉ પણ દેવા ધરજીયા વિરૂદ્ધ પ્રોહી. ના ગુનામાં સંડોવાયેલા ચંદુ નામના વ્યક્તિએ દારૂ બિયર નો જથ્થો આપી જતો હોવાનું જણાવ્યું હતું. જે બાબતનો જૂનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ફરી એક વખત વાયરલ થયો છે. જો કે, હજુ સુધી તે મામલે દેવા ધરજીયા વિરૂદ્ધ કોઈ નક્કર કાર્યવાહી ન કરી હોવાનું સામે આવ્યું છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગુજરાત, ગુજરાત પોલીસ, દારૂબંધી, રાજકોટ

આગામી સમાચાર