રાજકોટ : દર્દીને પ્લાઝ્માંની જરૂર હોય તો આ સેવાભાવી ગ્રૂપ કરે છે મદદ

રાજકોટ :  દર્દીને પ્લાઝ્માંની જરૂર હોય તો આ સેવાભાવી ગ્રૂપ કરે છે મદદ
પ્રતિકાત્મક તસવીર

અત્યાર સુધીમાં 80થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓને પ્લાઝ્માંની વ્યવસ્થા કરી આપી છે

  • Share this:
રાજકોટ : હેલ્લો, અમને પ્લાઝ્માંની જરૂર છે, કોઈ મદદ કરશો? આ પ્રકારે દર્દીઓના સગા સંબંધીના ફોન કે મેસેજ મળે તો અમારા ગ્રૂપમાં અમે ડોનર્સને મેસેજ મોકલી દઈએ છીએ. અમારા ગ્રૂપમાં 300 થી વધુ મેમ્બર્સ છે. પ્લાઝ્માં ડોનેટ કરવા ઇચ્છુક સભ્ય સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી જાય છે. અત્યાર સુધીમાં અમે 80થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓને પ્લાઝ્માંની વ્યવસ્થા કરી આપી છે. આ શબ્દો રાજકોટ પ્લાઝ્માં ડોનર ગ્રૂપના મનોજભાઈ રાણપરાના છે.

મનોજભાઈએ કહ્યું હતું કે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પ્લાઝ્માં દાન કરવાનું એકદમ સલામત છે અને સ્ટાફ તરફથી 24 કલાક તમામ સહકાર મળે છે. અમારું ગ્રૂપ સ્વૈચ્છિક ધોરણે કામ કરે છે. અમારુ એક ફેસબુક પેજ અને વોટ્સએપ ગ્રૂપ કાર્યરત છે. અહીં અમે પ્લાઝ્માં આપવા ઇચ્છુક લોકોને સભ્ય બનાવીએ છીએ. જયારે પણ પ્લાઝ્માંની જરૂરિયાત અમને મળે એટલે અમે અમારા સભ્યને ફોન કે ગ્રૂપ દ્વારા જાણ કરીએ છીએ. અમે જરૂરિયાતમંદ લોકો પાસેથી એક પણ પૈસો લીધા વગર તેમને પ્લાઝ્માંની વ્યવસ્થા કરી આપીએ છીએ.



આ પણ વાંચો - રાજ્યમાં એક જ દિવસમાં સૌથી વધારે કોરોનાના નવા 1515 કેસ, 1271 દર્દીઓ સાજા થયા

આ ગ્રૂપના અન્ય સભ્ય હિરેનભાઈ પારેખે ગ્રૂપની કામગીરી વિષે જણાવ્યું હતું કે આશરે બે મહિના પહેલા અમે આ ગ્રૂપની સ્થાપના કરી હતી. આ ગ્રૂપની પ્રેરણા પુરી પાડી છે જીજ્ઞાબેન તન્નાએય જેમાં અન્ય સભ્યો વિશાલભાઈ માંડલિયા, મિલાપભાઈ શેઠ, ડોક્ટર મનીષ વિડજા તેમજ અન્ય સંસ્થાઓનો સક્રિય સહયોગ મળ્યો છે. ફેસબુક પર જાગૃતિ અર્થે પેજ બનાવ્યું છે. તેમજ અમારા હાલ ત્રણ વોટ્સએપ ગ્રૂપ છે. કોરોના સંક્રમિત દર્દીને અમે એક ડિજિટલ ફોર્મની લિંક મોકલીએ છીએ. જેમાં તેમનું બ્લડ ગ્રૂપ, કોન્ટેક્ટ ડીટેઇલ તેમજ તેઓ પ્લાઝ્માં ડોનેટ કરવા માંગે છે કે નહીં તેની વિગત મેળવીએ છીએ. ત્યાર બાદ અમે આ માહિતી અમારા ડેટાબેઝમાં રાખીએ છીએ. જયારે પણ પ્લાઝ્માંની જરૂરિયાત ઉભી થાય ત્યારે અમે તેમને રોટેશન વાઈઝ કોલ તેમજ મેસેજ કરીએ છીએ. જે સભ્ય તૈયાર હોય તેમને સિવિલ ખાતે બોલાવી પ્લાઝ્માં લેવડાવી જરૂરિયાતમંદ વ્યક્તિને અહીથી જ પ્લાઝ્માં અપાવી દઈએ છીએ.

કોરોનાના ગંભીર દર્દીઓને પ્લાઝ્માંની જરૂરિયાત હોય તો ૯૯૯૮૪૬૪૭૩૧, ૯૨૨૮૩૦૭૬૬૦ અથવા ૭૫૭૫૦૭૫૭૫૯ વોટ્સએપ ગ્રૂપમાં સંપર્ક કરવા હિરેનભાઈએ જણાવ્યું છે. આ પૂર્વે લોકડાઉન સમયે અન્નપૂર્ણા ગ્રૂપ દ્વારા વિવિધ જગ્યાએથી રોટલીઓનું કલેક્શન તેમજ શાક બનાવી જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડવામાં આવ્યાનું હિરેનભાઈ જણાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અનેક લોકોએ પ્લાઝ્માંદાન કરેલ છે. અહીંથી જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક પ્લાઝ્મા પૂરું પાડવામાં આવે છે. આજ રોજ સિવિલ ખાતે પ્લાઝ્મા ડોનેટ કરનાર કલ્પેશભાઈ કોટક જણાવે છે કે, મને કોરોનાનું સંક્રમણ થતાં મેં ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી, પરંતુ પ્લાઝ્માં આપવા હું ખાનગી લેબને નહીં પરંતુ સિવિલને પ્રાથમિકતા આપું છું, અહીંનું સેટઅપ સરસ છે અને સ્ટાફનો ખુબ સરાહનીય સહકાર મળે છે.
Published by:Ashish Goyal
First published:November 21, 2020, 21:05 pm

टॉप स्टोरीज