5 ધોરણ પાસ ખેડૂતે 2 વીઘામાં જામફળ અને લીંબુની ખેતી કરી રૂ. 3 લાખનો નફો રળ્યો

News18 Gujarati
Updated: July 3, 2019, 4:19 PM IST
5 ધોરણ પાસ ખેડૂતે 2 વીઘામાં જામફળ અને લીંબુની ખેતી કરી રૂ. 3 લાખનો નફો રળ્યો
પરબત પટેલે ટપક સિંચાઈ પદ્ધતિની મદદથી 2 વીઘા જમીનમાં જામફળ અને લિંબુંનું ઉત્પાદન કરી વર્ષે રૂપિયા 3 લાખનો નફો રળ્યો છે.

ભાવનગરાના આંબલાના ખેડૂત પરબત પટેલની અનોખી સિદ્ધી. ટપક સિંચાઈ પદ્ધતિની મદદથી માત્ર ત્રણ વર્ષમાં ઉત્પાદન બમણુ અને આવક ત્રણ ગણી થઈ.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : રાજ્યના પ્રગતિશીલ ખેડૂતો આધુનિક ઢબે ખેતી કરી અને આવક તેમજ ઉત્પાદનમાં કાઠું કાઢી રહ્યાં છે. રોકડિયા પાક હોય કે પછી ફળ અને શાકભાજી ખેડૂતો વિવિધ આધુનિક અભિગમ દ્વારા ઓછી જમીનમાં પણ વધુ ઉત્પાદન મેળવી રહ્યાં છે. ભાવનગર જિલ્લાના આંબલા ગામના પરબત પટેલ આવા જ એક પ્રગતિશીલ ખેડૂત છે. 5 ધોરણ પાસ પરબત પટેલે ટપક સિંચાઈ પદ્ધતિની મદદથી 2 વીઘા જમીનમાં જામફળ અને લિંબુંનું ઉત્પાદન કરી વર્ષે રૂપિયા 3 લાખનો નફો રળ્યો છે.

પરબત પટેલ કૃષિ વિભાગની સૈદ્ધાંતિક અને આર્થિક સહાય તેમજ પોતાની કોઠાસૂઝથી માત્ર 2 વિઘા જમીનમાં 9363 કિલો જામફળનું ઉત્પાદન કરી, રૂ. 2,24,960નો ચોખ્ખો નફો મેળવવાની અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. સાથે જ લીંબુના પાકમાંથી વધારાની 80 હજારની આવક રળી રહ્યા છે.

આ પણ વાંચો :  ભાજપની જીતની ખુશીમાં સાયકલ ચલાવી દિલ્હી ગયેલા ગુજરાતીને પીએમ મોદી મળ્યા

ભાવનગરનાં જામફળ સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત છે. અને તેમાંય વળી, દેશી લાલ જામફળની તો વાત જ અનેરી છે. ભાવનગરના આંબલા ગામના ખેડૂત પરબતભાઈ પટેલ પરંપરાગત રીતે ખેતી સાથે સંકળાયેલા છે. પોતાનો અનુભવ દર્શાવતાં પરબતભાઈ જણાવે છે કે, 5-6 વર્ષ પહેલાં અમે ખેડૂત મંડળ બનાવ્યું હતું. જેમાં જિલ્લાની આત્મા ટીમ દ્વારા લીંબુ અને જામફળની ખેતી વિશે માહિતી આપવામાં આવતી. જોકે, મારા ખેતરમાં કૂવાનું પાણી ડૂકી ગયું હોઈ, સરકારી યોજનાની મદદથી અઢી વીઘા જમીનમાં સબસિડાઇઝ્ડ ડ્રિપ ઇરિગેશન માટે પાણીની લાઇન મેળવી અને જામફળની ખેતી શરૂ કરી. બીજી તરફ, તેમણે ખાતરનો ઉપયોગ જરૂરિયાત પૂરતો જ કર્યો. જેના થકી વર્ષ 2015-16માં 4282 કિલો જામફળનું ઉત્પાદન થયું, જેમાંથી રૂ. 81872/-ની ચોખ્ખી આવક થઈ. ત્યાર પછીના વર્ષે આવક દોઢ ગણી થઈ અને નફો રૂ.1,28,000/- સુધી પહોંચ્યો. જ્યારે વર્ષ 2017-18માં ઉત્પાદન 9363 કિલો સુધી પહોંચ્યું અને ચોખ્ખો નફો રૂ. 2,24,960/-ને આંબી ગયો.

આ પણ વાંચો :  અષાઢી બીજ પહેલા રાજ્યમાં 28 લાખ હેક્ટરમાં વાવેતર થઇ ગયું

માત્ર આટલેથી જ અટકવું પરબતભાઈને સ્વીકાર્ય નહોતું. જામફળની સાથોસાથ તેમણે લીંબુ પણ વાવ્યાં હતાં. એક જામફળનો છોડ અને એક લીંબુનો છોડ એમ કુલ ચાર જામફળની વચ્ચે એક લીંબુનો છોડ આવે એવી રોપણી તેમણે કરી હતી. લીંબુને ઉઝરવામાં બે વર્ષ લાગે. એટલે પ્રથમ બે વર્ષની માવજત પછી ગયા વર્ષે તેમણે લીંબુમાંથી પણ વધારાની રૂ.80,000/-ની આવક મેળવી અને આ બધું જ માત્ર અઢી વીઘા જમીનમાંથી!પરબતભાઈ જણાવે છે કે, તેમની જમીન પર પ્રખ્યાત દેશી લાલ જામફળની બે હાર છે. જેમાં 80થી 120 ગ્રામનું દરેક ફળ પાકે છે. જ્યારે આ જ જાતના મોટાં ફળવાળી હારમાં દરેક ફળ 150-200-225 ગ્રામ સુધીનું હોય છે. આ સિવાય 28 છોડ વીસનાર જાતના છે, જેમાં પ્રત્યેક ફળ મહત્તમ 700-800 ગ્રામ વજનનું હોય છે.

ગયા વર્ષે ભાવનગર જિલ્લામાં વરસાદ સરેરાશ કરતાં 74 ટકા વરસ્યો હતો. ત્યારે પરબતભાઈએ ડ્રિપ ઇરિગેશન માટે ઓછા હોર્સપાવરની મોટરનો ઉપયોગ કરી પિયત આપી. જેના કારણે વીજળી અને પાણીનો બચાવ તો થયો જ, ઉપરાંત પિયત અને ખાતરના ખર્ચમાં 80 ટકા સુધીનો ઘટાડો કરી શકાયો. આનું પરિણામ એ આવ્યું કે, સરેરાશ વર્ષ નબળું હોવા છતાં આવકમાં નોંધપાત્ર ફરક ન પડ્યો.

આ પણ વાંચો :  ગુજરાત બજેટ : ખેડૂતોને ટ્રેક્ટર, આધુનિક સાધનો આપવા માટે રૂ. 235 કરોડની જોગવાઇ

ઉલ્લેખનીય છે કે, ખેતીની પદ્ધતિમાં સુધારો આણીને રાજ્યની ખેતીને વધુ સમૃદ્ધ અને ગુણવત્તાસભર બનાવવા માટે તેમજ રાજ્યના ખેડૂતોનું જીવનધોરણ ઊંચું લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકલ્પો કાર્યરત્ કરાયા છે. આવા જ એક પ્રોજેક્ટ તરીકે વર્ષ 2007-08થી રાજ્યના તમામ જિલ્લાઓમાં આત્મા પ્રોજેક્ટ અમલી કરાયો છે. જે અંતર્ગત કૃષિ વિસ્તરણ માટેની શિક્ષણની પ્રવૃત્તિઓ તેમજ નવાં સંશોધનોની માહિતી ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે. જ્યારે ટપકસિંચાઈને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે. જેનો લાભ મેળવીને પરબતભાઈ સહિત અનેક ખેડૂતો વિકસિત ખેતીનો નવો રાહ ચીંધી રહ્યા છે.

આજે પરબતભાઈ તેમના ગામના અન્ય ખેડૂતોને પણ સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાઓની માહિતી આપી, પોતાની કોઠાસૂઝ મુજબનું માર્ગદર્શન પૂરું પાડે છે અને તેમને ટપકસિંચાઈ તેમજ પાકની નવી જાત અને ખાતરનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવા સમજાવે છે. જેથી તેમણે મેળવ્યો તેવો લાભ અન્ય ખેડૂતો પણ મેળવી શકે.

(સૌજન્ય અમિત રાડિયા , માહિતી વિભાગ)
First published: July 3, 2019, 4:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading