Home /News /gujarat /લોકસભા ચૂંટણી: સૌરાષ્ટ્રની આ ત્રણ બેઠકો વ્યૂહાત્મક અને નિર્ણાયક બની રહેશે

લોકસભા ચૂંટણી: સૌરાષ્ટ્રની આ ત્રણ બેઠકો વ્યૂહાત્મક અને નિર્ણાયક બની રહેશે

પ્રતિકાત્મક તસવીર

અમેરલી, જૂનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લી વિધાનસભાની સ્થિતિ અને પરિણામોને જોતા ભાજપને ટક્કર મળી શકે તેમ છે :

  ન્યૂઝ18 ગુજરાતી : નગારે ઘાવ પડ્યા છે, ચૂંટણી હાથવેંતમાં છે. રાજકીય સોગઠીઓ મંડાઈ ગઈ છે. ક્યાંક પોબારા પડી રહ્યા છે તો ક્યાંક પ્યાદાઓ ખુદ ચાલ બદલી રહ્યા છે. જંગ મજેદાર છે અને ગુજરાત લોકસભા ચૂંટણી માટે જે રીતે ભાજપ તેની વ્યૂહરચનાઓ બનાવી રહી છે તે મુજબ અત્યારથી જ જાણે કોંગ્રેસને ચહેરો ક્યાં છુપાવવો તેની ચિંતા વધી ગઈ છે. કોંગ્રેસ પોતાનું ઘર સાચવી શકે તેવી સ્થિતિમાં પણ નથી રહ્યું ત્યારે ચૂંટણીમાં કઈ રીતે આગળ વધશે તે એક ચિંતાનો વિષય છે. આમ છતાં, અમેરલી, જૂનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લી વિધાનસભાની સ્થિતિ અને પરિણામોને જોતા ભાજપને ટક્કર મળી શકે તેમ છે :

  જૂનાગઢ: તલાલા, ઉના, માંગરોળ, જૂનાગઢ, કોડીનાર, સોમનાથ અને વિસાવદર વિધાનસભા બેઠકને આવરી લેતી આ લોકસભાની બેઠકમાં પાટીદાર, કોળી, આહીર અને કેટલાક અંશે મુસ્લિમ, દલિત મતદારો પ્રભાવી છે. ૨૦૧૪ની ચૂંટણી વખતે ભાજપ પાસે જૂનાગઢ, સોમનાથ, કોડીનાર બેઠકો હતી તેનો લાભ મળ્યો હતો. જોકે, ૨૦૧૭ની ચૂંટણીમાં સ્થાનિક નેતાગીરીની પ્રવૃત્તિઓ, સામાજિક તાણાવાણા અને ભાજપ વિરોધી જનમતથી આંચકાજનક પરિણામ આવ્યા હતા. છ છ ટર્મથી શહેરી વિસ્તારમાં જીતતા મહેન્દ્ર મશરુ જેવાને હારનો સ્વાદ જનતાએ ચખાડ્યો હતો. ભાજપના સાતેય ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, માણાવદરમાં જવાહર ચાવડાના ભાજપના જોડાવાથી હવે જૂનાગઢ અને પોરબંદર બંને લોકસભા બેઠક ઉપર ભાજપની સ્થિતિ સુધરી શકે તો નવાઈ નહિ

  અમરેલી: આ બેઠકમાં રાજુલા, ગારિયાધાર, સાવરકુંડલા, અમરેલી, મહુવા, ધારી અને લાઠી વિધાનસભા બેઠક નો સમાવેશ થાય છે. ભાજપના નેતાઓની આખલા લડાઇમાં ૨૦૧૭ના પરિણામોએ નેતૃત્વને હચમચાવી ગયા છે. ૨૦૧૪ની લોકસભામાં સાત બેઠકોમાંથી ભાજપે લાઠી,સાવરકુંડલા,રાજુલા અને ધારી બેઠક પર ભારે બહુમતી મેળવી હતી. પરંતુ ૨૦૧૭માં ભાજપના તમામ આગેવાનો હારી ગયા. બાવકુ ઉંધાડ અને દિલીપ સંઘાણી જેવાને બેઠક બદલવા છતાં ફાયદો ન મળ્યો. હજુ અહીં ખેડૂતોની નારાજગી ઘટી નથી તો પાટીદાર આંદોલન પછીની સ્થિતિમાં હવે લોકસભામાં વાતાવરણ કેવું રહેશે એ કોઇ કળી શકે એમ નથી. આથી આ બેઠક વિધાનસભાના પરિણામોની દ્રષ્ટીએ જોખમી જ ગણાય.

  આ પણ વાંચો: CM નવીન પટનાયકની જાહેરાત, લોકસભા ચૂંટણીમાં 33% ટિકિટ મહીલાને આપીશું

  સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં ધંધુકા, વિરમગામ, ધ્રાંગધ્રા, લીમડી, દસાડા, ચોટીલા અને વઢવાણ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. કોળી, પાટીદાર અને દલિત પ્રભાવી આ બેઠકમાં અગાઉ પાસે દસાડા, લીમડી, વઢવાણ, ચોટીલા અને ધ્રાંગધ્રા જેવી બેઠકો હતી. ૨૦૧૭ની ચૂંટણીમાં તો માત્ર વઢવાણ બેઠક જ ભાજપ મેળવી શક્યો છે. બાકીની બધી બેઠકો પર હાર થઇ છે.
  દસાડા બેઠક દલિત મતદારો નિર્ણાયક હોવાથી ભાજપે અહીં કદાવર નેતા તરીકે વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાને ઇડરથી ખસેડીને ઊભા રાખ્યા હતા. પરંતુ લાંબા સમયથી ભાજપ સાથે રહેલા મતદારોએ પણ સાથ ન આપ્યો. આ સંજોગોમાં ભાજપ માટે લોકસભાની બેઠક જાળવવી કઠિન બની શકે છે. આ જ રીતે કચ્છ ઉપરાંત જામનગર, રાજકોટ, પોરબંદરની બેઠકોમાં ભાજપની ૬૦થી ૭૦ ટકા જ બેઠકો છે.

  આ પણ વાંચો: 90 કરોડ મતદાતા નક્કી કરશે 17મી લોકસભાનું સ્વરૂપ, રાજકીય પાર્ટીઓ પાસે લેશે હિસાબ!

  આ બેઠકો પર ભાજપને વધારે ધ્યાન આપવુ પડે તેમ છે, પરંતુ આ ત્રણ બેઠકો સૌથી વધારે જોખમી છે. જામનગરમાં પણ શહેરી વિસ્તાર સિવાય ભાજપનો ગજ વાગ્યો નથી. ભાવનગર બેઠકમાં નવા સમીકરણો રચાયા છે એ સંજોગોમાં આ બન્ને શહેરી વિસ્તારોમાં ભાજપને નવેસરથી રણનીતિ ગોઠવવી પડે તેમ છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: 2019 Election dates, Election commission of india, General Elections, કોંગ્રેસ, ભાજપ

  विज्ञापन
  विज्ञापन