હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર, કેતન પટેલ, મહેસાણાઃ કોંગ્રેસના સ્ટાર પ્રચાર તરીકે કામ કરતા હાર્દિક પટેલ પણ પ્રચારના મેદાનમાં ઉતર્યો છે. આ દરમિયાન સુરેન્દ્રનગર બેઠક માટે પ્રચાર કરી રહેલા હાર્દિક પટેલને કડવો અનુભવ થયો છે. હાર્દિક પટેલ સ્ટેજ પર ભાષણ આપી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ તેને લાફો મારી દીધો હતો.
આ ઘટનાથી રાજકીય ગરમાવો શરૂ થઇ ગયો છે. અને આક્ષેપબાજી પણ શરૂ થઇ ગઇ છે. જોકે, હાર્દિક પટેલને થપ્પડ મારવાના મામલાને રાજ્ય સરકારે ગંભીરતાથી નોંધ લીધી હતી. અને ઇનપુટના આધારે હાર્દિક પટેલને સુરક્ષા આપવાનો નિર્યણ કર્યો હતો.
મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર હાર્દિક પટેલને સિક્યુરિટી ગાર્ડ પુરો પાડશે. હાર્દિક પટેલ સાથે 24 કલાક સિક્યુરિટી ગાર્ડ તૈનાત રહેશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ અગાઉ પણ હાર્દિક પટેલને સિક્યુરિટી ગાર્ડ આપવ માટે સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું જોકે, તેણે ઇન્કાર કરી દીધો હતો. હવે જોવાનું એ રહ્યું કે હાર્દિક પટેલ આ વખતે પણ સિક્યુરિટી ગાર્ડને સાથે રાખે છે કે ઇન્કાર કરે છે.
આ ઉપરાંત હાર્દિક પટેલને લાફો મારવાના મામલે નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજકારણમાં પોતાના વિચારો રજૂ કરવાનો દરેકને અધિકાર છે. કોઈપણ વ્યક્તિ કે નાનો કાર્યકર રાજકારણની સભાઓમાં પોતાનો મત રજૂ કરવા એ દરેકને અધિકાર છે. હાર્દિક પર જે હુમલો થયો તે સહેજ પણ યોગ્ય નથી. લોકશાહીમાં કોઈપણ નો વિરોધ કરવો હોય તો આ પ્રકારે વિરોધ કરવો ખોટો છે. લોકશાહીમાં વિરોધમાં ન્યાયિક કેટલીક રીતો ઉપલબ્ધ છે .
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ન્યાયિક રીતે જેનો પણ વિરોધ કરવો હોય તે કરી શકાય છે. કોઈના ઉપર વ્યક્તિગત હુમલો કરવો કે સભા વિખેરી નાખવી એ યોગ્ય નથી. કમનસીબે અગાઉ કેટલાક આંદોલનકારીઓએ આવી રીતો ઉભી કરી હતી. હવે કમનસીબે એ જ પદ્ધતિ એમની સાથે બીજા લોકો વ્યક્ત કરે છે ત્યારે હવે આવા લોકોને હવે ખ્યાલ આવ્યો હશે કે અમે પણ આવા કૃત્યો કોઈની સભા ખરાબ કર્યા હતા તે પણ ખોટું હતું. આ પ્રકારના કૃત્યો પહેલા પણ વ્યાજબી ન્હોતા અને હાલ પણ વ્યાજબી નથી તેનો ખ્યાલ આવી ગયો હશે. બીજેપીને આની સાથે કોઈ લેવા દેવા નથી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર