Home /News /gujarat /દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો, ભારે પવન,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો, ભારે પવન,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
પ્રતિકાત્મક તસવીર
વાતાવરણમાં પલટાની સાથે સાથે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. વરસાદના પગલે લોકોએ કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવી હતી. જ્યારે ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઇ ગઇ હતી.
ગુજરાતમાં ગરમી પોતાની ચરમસીમાએ પહોંચી છે. લોકો અસહ્ય ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. તો બીજી તરફ ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વાતાવરણમાં પલટાની સાથે સાથે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. વરસાદના પગલે લોકોએ કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવી હતી. જ્યારે ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઇ ગઇ હતી.
મળતી માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ભરૂચ સહિત અનેક વિસ્તારોમાં શનિવારે મોડી રાત્રે વાતાવરણમાં પલડો થયો હતો. જેના પગલે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. સુરતની વાત કરીએ તો સુરત સહિત બારડોલી પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થઇ હતી. તો તાપી જિલ્લામાં પણ ભારે પવન ફૂંકાયો હતો. સાથે વરસાદી ઝાંપટાં પણ પડ્યા હતા. તાપી જિલ્લાના ડોલવણ, વ્યારા, વાલોડ, સોનગઢ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડામાં ભારે પવન સાથે વરસાદ પડતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી.
ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો શનિવારે મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અંકલેશ્વરમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતો. મળતી માહિતી મુજબ, શનિવારે અમરેલીના સાવરકુંડલાના ગામામો ધોધમાર વરસાદ વરસતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. નાવલી નદીમાં પૂર આવી ગયું છે. સાવરકુંડલાના આસપાસના ગામમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે. નાવલી નદીમાં પુરાવતા રીતસર એક કાર તણાઈ છે. સૌરાષ્ટ્રના અમરેલી જીલ્લાના સાવરકુંડલા શહેરના આસપાસના ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યાના સમાચાર મળી રહ્યા છે. બીજી બાજુ ડાંગ જીલ્લામાં પણ વરસાદનું આગમન જોવા મળ્યું છે. ડાંગ જીલ્લામાં આવેલ ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હોવાની પણ સમાચાર મળી રહ્યા છે. ડાંગ જીલ્લામાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી છે. સાથે અચાનક વરસાદી ઝાપટા શરૂ થતાં સાપુતારાની સુંદરતામાં વધારો થઈ ગયો છે.
જેમાં વંડા, મેકડા, ફિફાદ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. અમરેલી શહેરમાં પણ ભારે પવન સાથે વાદળ છાયુ વાતાવરણ સર્જાયું છે. આ સાથે અમરેલી તાલુકાના કેટલાક ગામોમાં પણ વરસાદી ઝાપડા પડતા પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખેડૂતોએ વાવણી માટેની તૈયારી શરૂ કરતા જ વરસાદ આવવાથી ખેડૂતોમાં પણ આનંદ છવાઈ ગયો છે.
આ બાજુ, ભાવનગરના ગારીયાધારમાં પણ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ભાવનગર જીલ્લામાં આજે સવારથી જ વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું. અને બપોરે અચાનક વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. કાળઝાળ ગરમીમાં વરસાદ પડતા ઠંડક પ્રસરી ગઈ છે. લોકોને ગરમીથી રાહત મળતા આનંદ છવાયો છે. આ બાજુ ખેડૂતો પણ વરસાદ પડતા ખુશ થઈ ગયા છે. અચાનક વરસાદ પડતા જનજીવન પર પણ અસર પડી હતી, વાહન ચાલકોને થોડી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ પહેલા વરસાદમાં પલડવાની મજા લેતા પણ લોકો જોવા મળ્યા.
ઉલ્લેખનીય છે કે, કેરળમાં ચોમાસુ બેસી ગયા બાદ હવામાન વિભાગે આગાહી કરી હતી કે, ગુજરાતમાં પણ બે-ત્રણ દિવસ વહેલુ ચોમાસુ બેસશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 15 જૂન પહેલા ગુજરાતમાં ચોમાસુ આવી જસે. પરંતુ રાજ્યમાં સૌરાષ્ટ્ર પંથક તથા દક્ષિણ ગુજરાતમાં અત્યારથી વરસાદી માહોલ સર્જાઈ જતા. સમગ્ર રાજ્યમાં ગરમીનું પ્રમાણ આજે ઘટ્યું છે. કાળઝાળ ગરમીથી હવે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. વરસાદના આગમનની દરેક લોકો રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને ખેડૂતો કાગની ડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. હવામાન ખાતા મુજબ આ વર્ષે રાજ્યમાં સારો વરસાદ રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.