રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાએ બાકી વેરાની નોટિસ માટે નવતર કીમિયો અજમાવ્યો છે. રાજકોટ મનપા અત્યાર સુધી જે લોકોનો વેરો બાકી હોય તેને પોસ્ટ મારફત નોટિસ મોકલતી હતી પણ હવેથી આ નોટિસ બાકીદારોને હાથોહાથ પહોંચાડવામાં આવશે. મનપા દ્વારા હવેથી મકાન વેરાની ઉઘરાણી ટેકસ ઇન્સ્પેકટરને બદલે ટીપરવાનનો સ્ટાફ એટલે કે ઘરે ઘરેથી કચરો એકત્રીત કરનાર કર્મચારી મારફત કરાવવા નિર્ણય લેવાયો છે.
મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું છે કે, આ વર્ષે કોરોના કાળને લીધે વેરાના બાકીદારો સામે અતિકડક પગલા જેવા કે હરાજી, નળ કનેકશન અને કપાત જેવી કાર્યવાહી કરવાના બદલે જે લોકોનો 5 હજાર રૂપિયાથી વધુનો વેરો બાકી છે તેવા લોકોને નોટિસ આપવાની કામગીરી થશે. મ્યુ. કમિશનરે જણાવેલ કે, આ નોટિસ આપવાની કામગીરી આ વખતે ટેકસ ઇન્સ્પેકટરોને બદલે ટીપરવાનના કર્મચારીઓને સોંપવામાં આવશે. પાંચ હજારથી વધુ રકમના બાકીદારોનું વોર્ડ વાઇઝ તેમજ વિસ્તાર વાઇઝ લિસ્ટ બનાવીને ટીપરવાનના સંચાલકોને સોંપી દેવાશે. આ લિસ્ટ મુજબ ટીપરવાનના સંચાલકો ઘરે ઘરે કચરો ઉઘરાવવા જાય ત્યારે જ બાકીદારને વેરાની માંગણા નોટિસ આપી દેશે. આમ હવે મકાન વેરાની ઉઘરાણી પણ ટીપરવાનના સ્ટાફને સોંપવાનો નવીનતમ પ્રયોગ આ વખતથી મ્યુ. કમિશનરે શરૂ કર્યો છે.
નોંધનીય છે કે, વર્ષોથી આ નોટિસો પોસ્ટ વિભાગ મારફત મોકલવાની પ્રથા હતી. મહત્વનું છે કે જ્યારે પણ ટીપરવાન તેના વિસ્તારમાં એટલ કે વોર્ડ મુજબ જ્યારે કચરો ઉઘરાવવા જશે ત્યારે તેમને સોંપેલાં કામ મુજબ જે તે વિસ્તારના જે બાકીદારો હશે કે જેનો પાંચ હાજરથી વધુનો વેરો બાકી હશે તેને નોટિસ આપવામાં આવશે. આ નોટિસ પહેલાથી જ ટીપરવાન ચાલકોને આપી દેવામાં આવી હશે જે દરેક બાકીદારોને ઘરે પહોંચાડવામાં આવશે.