અંકિત પોપટ, રાજકોટ : રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં 5 દિવસ બાદ મગફળીની આવક શરૂ કરવામાં આવી છે. 5 દિવસ બાદ મગફળી ની આવક શરૂ કરવામાં આવતા રેકોર્ડ બ્રેક 15,000 મગફળીની ગુણીની આવક થવા પામી છે. યાર્ડ ખુલતાની સાથે સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાના ખેડૂતો પોતાની મગફળીના વેચાણ અર્થે રાજકોટ બેડી માર્કેટ યાર્ડ ખાતે આવી પહોંચ્યા છે. ત્યારે સવારના 8:30 કલાકે શરૂ થયેલી હરાજીમાં ખેડૂતોને 800થી લઇ 970 સુધીના ભાવ મળ્યા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ જ્યારથી યાર્ડમાં મગફળીની આવક શરૂ થઇ છે ત્યારથી ખેડૂતો મગફળીના સારા ભાવ મળે તેવી આશા રાખી રહ્યા છે. પરંતુ ક્યારેય પણ ખેડૂતો ને 1100 રૂપિયાના ભાવ ચાલુ સીઝનમાં નથી મળ્યા.
ઉલ્લેખનીય છે કે, પાંચ દિવસ પૂર્વે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડ બ્રેક આવક થવા પામી હતી. જેના કારણે યાર્ડના સતાધીશો દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી કે, જ્યાં સુધી નવી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી યાર્ડમાં મગફળીની આવક પર રોક લગાવવામાં આવે છે. ત્યારે પાંચ દિવસ પૂર્વે પણ રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં 2400 કવિન્ટલ મગફળીની આવક થવા પામી હતી. જે અંતર્ગત ઝીણી મગફળીનો ભાવ 530થી 950 સુધીનો રહ્યો હતો. જ્યારે કે, જાડી મગફળીનો ભાવ 750થી લઇ 954 સુધીનો રહ્યો હતો.
ચાલુ વર્ષે કપાસ કરતા મગફળી નું રાજકોટ સહિત સમગ્ર સૌરષ્ટ્રમાં રેકોર્ડ બ્રેક ઉત્પાદન કરવામાં આવ્યું હતું. જે બાદ ચાલુ સીઝન માં વરસાદ પણ સારો રહેત ખેડૂતો ને આ વર્ષે મબલક મગફળી નું ઉત્પાદન થશે તેવી આશા પણ છે.
આ પણ જુઓ -
ત્યારે રાજ્યસરકાર દ્વારા પણ અગાઉ જાહેરાત કરવામાં આવી છે. ચાલુ વર્ષે ટેકાના ભાવે મગફળી ની ખરીદી નો ભાવ 1055 રૂપિયા રહેશે. જે માટે 1લી ઑક્ટોબર થી ટેકાના ભાવે મગફળી ખરીદી માટે નું રજીસ્ટ્રેશન શરૂ થશે. જે રજીસ્ટ્રેશન 20 ઑક્ટોબર સુધી યથાવત રહેશે. તો 21 ઑક્ટોબર થી ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જો કે ટેકાના ભાવે મગફળી ની ખરીદી શરૂ થાય તે પહેલાં જ 15દિવસ થી ખેડૂતો માર્કેટ યાર્ડમાં પોતાની મગફળી નું વહેચાણ કરી રહ્યા છે.