રાજકોટ : રાજકોટ જિલ્લામાં શુક્રવારના રોજ લોધીકા પંથક, પડધરી પંથક તેમજ ગોંડલ પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. પરંતુ જસદણ, વિછીયા આટકોટ, સરધારઝ, જેતપુર, વીરપુર, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા સહિતના વિસ્તારોમાં છેલ્લા પંદર દિવસથી મેઘરાજા જાણે કે રીસાયા હોય તે પ્રકારના દ્રશ્યો અને તે પ્રકારની સ્થિતિ હાલ ઉદ્ભવી રહી છે. જે પ્રકારે વરસાદ ખેંચાઈ રહ્યો છે તેના કારણે વાવેતર ઉપર તેની અસર વર્તાવાનું શરૂ થયું છે. ત્યારે આગામી એક સપ્તાહ સુધી હજુ વરસાદ ન આવે તો કપાસ તેમજ મગફળીના વાવેતરને નુકશાન પહોંચી શકે તેવી ભીતિ હાલ સેવાઈ રહી છે.
ગત મોસમમાં મગફળી અને કપાસના રેકોર્ડ બ્રેક ભાવ ખેડૂતોને મળ્યા હતા. મગફળી કરતાં પણ વ્હાઈટ ગોલ્ડ એટલે કે કપાસના ભાવ ખેડૂતોને છેલ્લા અગિયાર વર્ષની સરખામણીએ સૌથી વધુ મળ્યા હોવાનું સામે આવ્યું હતું. શંકરસિંહ વાઘેલા જ્યારે કાપડ મંત્રી હતા ત્યારે કપાસના ભાવ 1500ને પાર પહોંચ્યા હતા. ત્યારે ચાલુ વર્ષે ખેડૂતોને કપાસના 1620 રૂપિયા સુધીનો ભાવ મળ્યા હોવાનું સામે આવ્યું છે.
અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં 4,60,000 હેક્ટરમાં મગફળી, કપાસ સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. વાવણી બાદ મેઘરાજાએ જે પ્રમાણે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પરથી પોતાની જાણે કે અમી દ્રષ્ટિ છીનવી લીધી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા પંદર દિવસમાં રાજકોટ જિલ્લાના ત્રણ પંથકને બાદ કરતા એક પણ પંથકમાં વરસાદી વાતાવરણ જોવા નથી મળ્યું. વાવેલું બિયારણ તો હાલ ઊગી ગયું છે પરંતુ પાણી વિનાના છોડ હાલ મરવા વાંકે જીવી રહ્યા હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. આ તમામની વચ્ચે ખેડૂતો પર વધુ એક સંકટ મંડરાઈ રહ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. વરસાદ ખેંચાઇ જવાથી મગફળીના પાકમાં ઉગસુક નામનો રોગ થવાની શક્યતાઓ સેવાઇ રહી છે. આ પ્રકારનો રોગ એસ્પરજીલસ નામની ફૂગમાંથી થાય છે. જેના કારણે જમીનમાં રહેલા બીજ સડી જાય છે. જો જમીનમાંથી બીજને કાઢી જોવામાં આવે તો કાળી ફૂગના બીજાણુ તેના પર જોવા મળે છે. ત્યારે ફૂગના કારણે છોડના પાનમાં પીળાશ પડતી જોવા મળે છે.
સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી રમેશે જણાવ્યું હતું કે, મગફળીના પાકને ઉગસુક રોગથી બચાવવા માટે પિયતની સુવિધા હોય તો સમયસર તેને પિયત આપવું જોઈએ. જો રોગની તીવ્રતા વધુ જાણવા મળે તો આંતરખેડ મુલતવી રાખવી જોઈએ. જોકે સમયસર વરસાદ થાય તો મગફળીનો પાક આ પ્રકારના રોગથી બચી જાય તેમ છે. તેમજ જો વાવેતર બાકી હોય તો વધારે ઊંડું ન કરવું જોઈએ. પ્રી ખરીફ પાક મામલે ખેડૂતોને પાણી આપી શકાય તેમ છે કે કેમ તે અંગે સિંચાઈ વિભાગના મુખ્ય કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે, હાલ રાજકોટ શહેર તેમજ જિલ્લાના 26 જળાશયોમાં 24% પાણીનો જથ્થો પ્રાપ્ય છે. રાજકોટ શહેર તેમજ જિલ્લાના લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે ઓગસ્ટ સુધીનો જથ્થો હાલ જળાશયોમાં જોવા મળી રહ્યો છે. તો સાથે જ પ્રી ખરીફ પાક માટે સિંચાઈ લક્ષી પાણી હજુ પણ એક વખત ખેડૂતોને આપી શકાય તેમ છે. રાજકોટ સિંચાઇ વિભાગ હેઠળ આવતાં ડેમની વાત કરવામાં આવે તો આજી 2 ડેમ, આજી 3 ડેમ, ફોફળ ડેમ, ન્યારી 2 ડેમ અને ભાદર 1 સહિતના માંથી પાણી આપી શકાય તેમ છે.