જામનગર: કોરોના વાયરસનો (Coronavirus in Gujarat) ઝડપથી ફેલાઈ રહેલો નવો ઓમિક્રોન વેરિઅન્ટનો (Omicron first case in Gujarat) દેશમાં પગપેસારો થઇ રહ્યો છે. કર્ણાટકમાં (Omicron in Karnataka) બે કેસ નોંધાયા પછી શનિવારે વધુ બે રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રમાં (Omicron in Maharashtra) ઓમિક્રોનના એક-એક કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કુલ ચાર કેસ સામે આવ્યા છે. ઝીમ્બાબ્વેથી (Zimbabwe to Gujarat) 28 નવેમ્બરે જામનગર આવેલા 72 વર્ષના વૃદ્ધ દર્દીનો રીપોર્ટ ઓમિક્રોન પોઝિટીવ આવતાં ગુજરાતમાં પહેલો કેસ નોંધાયો હતો.
વૃદ્ધે ચાઇનીઝ રસીના બંને ડોઝ લીધા હતા
જામનગરના વૃદ્ધ કોરોનો પોઝિટિવ થતા તેમને હોસ્પિટલમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. તેમણે ચાઇનીઝ રસી સાઇનોવેક્સના બન્ને ડોઝ લીધા હતા. તેમના સંપર્કમાં આવેલા 10 લોકોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. આ તમામ 10 લોકોએ ભારતીય વેક્સિનના બન્ને ડોઝ લીધા છે.
રાજ્યમાં ઓમિક્રોનના પહેલા દર્દીમાં કેવા લક્ષણો હતા?
ઝિમ્બાબ્વેથી 28 નવે.એ જામનગર આવેલા 72 વર્ષીય વૃદ્ધને 29 નવેમ્બર શરદી અને ખાંસીના લક્ષણો હોવાથી તેમણે ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેઓ આફ્રિકાથી આવ્યા હોવાથી સેમ્પલ્સ પુણે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી સેન્ટરમાં મોકલાયા હતાં. જેનો રિપોર્ટ શનિવારે પોઝિટિવ આવતા ગુજરાતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો હતો.
દર્દીના પરિવારને હોમ આઇશોલેશનમાં રખાયા
ગુજરાતમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક આરોગ્ય વિભાગની બેઠક બોલાવી હતી. વૃદ્ધના સંપર્કમાં આવેલા લોકોના ટ્રેસ કરવા નિર્દેશો અપાયા હતા. જામનગર મહાનગરપાલિકા દ્વારા આ દર્દીની સાથે સંપર્કમાં આવેલા દસેક જેટલા વ્યક્તિઓના કોરોનાના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. જેથી દર્દીના પરિવારને હોમ આઇશોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેમજ દર્દીના મોરકંડારોડ ઉપર આવેલા રહેણાંક વિસ્તારને કન્ટેઈન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરી તેમના મકાનને 'સિલ'મારી દેવામાં આવ્યું હતું.
રાજ્યમાં (Gujarat Coronavirus updates) રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે શનિવારે કોરોના વાયરસના (Coronavirus) નવા 44 કેસ નોંધાયા હતા. જેની સામે 36 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10086 છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.74 ટકા છે. રાજ્યમાં આજની તારીખે રસીના કુલ 8,26,94,130 ડોઝ આપવામાં આવ્યા છે.
રાજ્યના 28 જિલ્લા અને 3 મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા 44 કેસમાં અમદાવાદ શહેરમાં 12, ભાવનગરમાં 11, સુરત શહેરમાં 5, વડોદરા શહેરમાં 5, દાહોદમાં 3, નવસારીમાં 2, રાજકોટમાં 2, વલસાડમાં 2, કચ્છમાં 1, રાજકોટ શહેરમાં 1 કેસ નોંધાયો છે.