રાજકોટ : આજરોજ કાગવડ ખોડલધામ (Khodaldham) ખાતે જુદા-જુદા ત્રણ ટ્રસ્ટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજરોજ યોજાયેલ બેઠકમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ (Naresh Patel) હાજર રહ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં નરેશ પટેલે અનેક બાબતો અંગે વાતચીત કરી હતી. નરેશ પટેલે પ્રશાંત કિશોરથી (Prashant Kishor) લઇ પોતાના સક્રિય રાજકારણ અંગે ચાલી રહેલા સર્વે સહિતના તમામ મુદ્દાઓ અંગે વાતચીત કરી હતી.
મીડિયા સાથેની વાતચીતમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, આજરોજ યોજાયેલી જુદા જુદા ટ્રસ્ટની બેઠકમાં અમે એક પણ પ્રકારની રાજકીય ચર્ચાઓ નથી કરી. કન્વીનરોની જે બેઠક મળી છે તેમાં માત્ર અને માત્ર સંગઠન લક્ષી ચર્ચાઓ કરવામાં આવી છે. હું અગાઉ પણ કહી ચૂક્યો છું કે, ખોડલધામ ખાતે રાજકારણની વાત ક્યારેય પણ નહીં કરું. ત્યારે આજે પણ રાજકારણની એક પણ વાત ખોડલધામ ખાતે કરવામાં નથી આવી. હું રાજકારણમાં જોડાઈશ કે કેમ તે બાબતનો નિર્ણય હું આ મહિનાના અંત સુધીમાં કરી આપીશ.
જે સર્વે કરવામાં આવી રહ્યો છે તેમાં યુવાનો અને મહિલાઓ મોટાભાગે એવું કહી રહ્યા છે કે મારે રાજકારણમાં જોડાવું જોઈએ. પરંતુ વડીલોને મારી સતત ચિંતા થઈ રહી છે વડીલો એવું કહી રહ્યા છે કે, મારે રાજકારણમાં જોડાઈ માત્રને માત્ર સમાજલક્ષી કામ કરવું જોઈએ.
મંગળવારના રોજ કોંગ્રેસના પ્રવક્તા દ્વારા ટ્વીટ કરી આપી જાણકારી આપવામાં આવી હતી કે, પ્રશાંત કિશોરે કોંગ્રેસની ઓફર ઠુકરાવી છે. ત્યારે તે અંગે પ્રતિક્રિયા આપતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, પ્રશાંત કિશોર મારા ખૂબ જ સારા મિત્ર છે. અમે અવારનવાર એકબીજાને મળતા રહીએ છીએ. ગત અઠવાડિયે પણ હું અને પ્રશાંત કિશોર બંને એકબીજાને મળ્યા હતા. ભલે પ્રશાંત કિશોરે કોંગ્રેસ સાથે હાલમાં ન જોડાવાનો નિર્ણય કર્યો છે જે તેમનો પ્રોફેશનલ નિર્ણય છે તેમાં હું કંઈ પણ ન કહી શકુ. પરંતુ હું એટલું ચોક્કસ કહી શકું છું કે જો હું રાજકારણમાં જોડાઈશ તો પ્રશાંત કિશોર મારી સાથે રહેશે. પ્રશાંત કિશોરે હાલ પૂરતો કોંગ્રેસ સાથે ન જોડાવાનો નિર્ણય કર્યો છે. પરંતુ પ્રશાંત કિશોર આજે પણ કેટલીક પાર્ટીઓ સાથે જોડાયેલા છે.
" isDesktop="true" id="1203362" >
મહાસભાને લઈને નરેશ પટેલે મહત્ત્વની બાબત જણાવતા કહ્યુ કે, હાલ ગરમી ખૂબ પડી રહી છે, જેના કારણે ટ્રસ્ટીઓએ નક્કી કર્યું છે કે હાલ મહાસભા યોજવી યોગ્ય નથી. મહાસભા શ્રાવણ માસ ઓગસ્ટ મહિનામાં યોજાશે. ટ્રસ્ટ દ્વારા આ બાબતે તારીખ પણ જાહેર કરવામાં આવશે.