રાજકોટ : સાવજો પહોંચ્યા શહેરના સીમાડે, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

રાજકોટ : સાવજો પહોંચ્યા શહેરના સીમાડે, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
રાજકોટ : સાવજો પહોંચ્યા શહેરના સીમાડે, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

ચાર દિવસ પૂર્વે સાવજોની ત્રિપુટી રાજકોટ અને કોટડાસાંગાણી તાલુકાના સીમાઓ વચ્ચે જોવા મળી હતી

  • Share this:
રાજકોટ : રાજકોટ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી ત્રણ જેટલા સાવજોએ ડેરો જમાવ્યો છે. ત્યારે છેલ્લા એક મહિનામાં 36થી વધુ પશુઓના મારણ સાવજો દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે ગત રાત્રીના સાવજો રાજકોટના સીમાડા સુધી પહોંચી ગયા હોવાનું સામે આવ્યું છે.

સાવજો તેમજ દીપડા છેલ્લા ઘણા સમયથી અભયારણ્ય વિસ્તાર છોડીને માનવ વસ્તી તરફ આગળ વધી રહ્યા હોવાનું સામે આવ્યું છે. છેલ્લા એક મહિનાથી રાજકોટ તાલુકો, ગોંડલ તાલુકો, જેતપુર તાલુકા સહિતના વિસ્તારોમાં ત્રણ સાવજો ફરી રહ્યા હોવાનું સામે આવ્યુ છે. થોડા દિવસો પૂર્વે રીબડા ગામ સુધી સાવજો પહોંચ્યા હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.ગત રાત્રીના સાવજો રાજકોટ શહેરની હદ સુધી પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે. સાવજો દ્વારા કાળુભાઈ બીજલભાઇ મુંધવાની ગાયનું મારણ કરીને મિજબાની માણી હતી. ત્યાર બાદ સાવજો વીડી વિસ્તાર તરફ પરત ફર્યા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા રાહદારીઓએ તેમના કેમેરામાં કેદ કરી લીધો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ પણ વાંચો - વાડજ બાદ વાસણા પોલીસને માર મારવામાં આવ્યો, યુનિફોર્મના બટન પણ તોડી નાખ્યા

છેલ્લા એક મહિનાની વાત કરવામાં આવે તો સાવજો અત્યાર સુધીમાં લોથડા, હલેન્ડા, પાડાસણ, કથરોટા, પડવાલ, રાજપરા, આરબ ટીંબડી, સુખપુર, ભાયાસર, અરડોઇ, લોધીકા, કોટડાસાંગાણી, રીબડા સહિતના ગામોમાં જોવા મળ્યા છે.ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પૂર્વે સાવજોની ત્રિપુટી રાજકોટ અને કોટડાસાંગાણી તાલુકાના સીમાઓ વચ્ચે જોવા મળી હતી. સોમવારના રોજ સાવજોની ત્રિપુટી વટેડા ગામે પહોંચી હતી જ્યાં તેમણે બે વાછરડાના મારણ કર્યા હતા. વનવિભાગના સૂત્રોએ વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાયાસરની આસપાસના ગામોને આવરી લેતી વિશાળ 500 એકર ની વીડી તેમજ કોટડાસાંગાણીમાં ઘાસના મેદાન તેમજ પૂરતું પાણી છે. જે ગીર જેવો માહોલ ઊભો કરે છે. તો સાથોસાથ ખેતરોમાં તુવેર, એરંડા જેવા પાકો દિવસે સિંહને છુપાઈ રહેવા અને આરામ કરવામાં અનુકૂળ હોવાથી હાલ તેઓ આજ વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે.
Published by:Ashish Goyal
First published:January 09, 2021, 18:25 pm

ટૉપ ન્યૂઝ