રાજકોટ : રાજકોટના કોઠારિયા રોડ ઉપર શ્યામ કિરણ સોસાયટીમાં રહેતી અને કોઠારિયા ગામે આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે નોકરી કરતી ઉર્મિલાબેન લલીતભાઈ વિરડીયાએ આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે પૂર્વ પતિનું નામ આપ્યું હતું. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પાંચેક વર્ષ પહેલા કોઠારિયા ગામે રહેતો અને કણકોટ પાસે કોલેજમાં સિક્યુરીટીમેન તરીકે નોકરી કરતા દીપક જગમાલભાઈ જળુ સથે પ્રેમ લગ્ન કર્યા હતા. દરમ્યાન તેમને સંતાનમાં એક ત્રણ વર્ષની પુત્રી હોવાનું જણાવ્યું હતું.
છેલ્લા કેટલાક સમયથી પતિ સાથે માથાકૂટ ચાલતી હોવાથી 4 એપ્રિલ 2021ના રોજ છૂટાછેડા થયા હતા. જેમાં પુત્રીનો કબજો માતાને સોપેલ હતો. જે દરમ્યાન મહિલાએ લલીતભાઈ સાથે બીજા લગ્ન કરી લેતા પૂર્વ પતિ દીપક અવાર નવાર ઘરે તેમજ આરોગ્ય કેન્દ્રએ આવી પુત્રીને ઉપાડી જવાની ધમકીઓ આપતો હતો. તેમજ પીછો કરતો અને મોબાઈલમાં પણ મેસેજ કરતો હતો. તે અંગે અગાઉ આજી ડેમ પોલીસમાં લેખિતમાં ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ ફેર પડતો ન હોય તેમ આજે તે ઘરે હતા ત્યારે દીપક ધસી આવ્યો હતો અને એસિડ છાંટી પતાવી દેવાની ધમકી આપી હતી.
અગાઉ પણ તેણે એસિડ છાંટી પતાવી દેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જે તે સમયે પોલીસમાં ફરિયાદ કરી ન હતી. આજે ફરિયાદ નોંધાવતા પી.એસ.આઈ. કડછાએ આરોપીની ધરપકડ કરી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.