Home /News /gujarat /

Kutch: કોરોનામાં બંધ થયેલી પાંચ ટ્રેનો મહિનાઓ બાદ પણ શરૂ ન થતાં વેકેશનમાં પ્રવાસીઓ ભોગવે છે હાલાકી

Kutch: કોરોનામાં બંધ થયેલી પાંચ ટ્રેનો મહિનાઓ બાદ પણ શરૂ ન થતાં વેકેશનમાં પ્રવાસીઓ ભોગવે છે હાલાકી

વેકેશન

વેકેશન શરૂ થતાં પ્રવાસીઓના ધસારા વચ્ચે ટ્રેનો ફરી શરૂ કરવા માંગ ઉઠી

કોરોનાકાળ દરમિયાન ટ્રેન પરિવહન બંધ થયા બાદ ધીમે ધીમે ટ્રેનો ફરી પાટા પર ચડી હતી પણ હજુ કચ્છથી ઉપડતી પાંચ ટ્રેનો 25 મહિના સુધી શરૂ નહી થતા તેને ફરી કાર્યરત કરવા માંગ ઉઠી છે

    Kutch: ઉનાળુ વેકેશન (Summer Vacation) શરૂ થતાં જ બહારગામ વસતા કચ્છીઓનો ઘસારો વધતોહોય છે તો વેકેશનમાં બહાર ફરવા જતા લોકોની સંખ્યામાં પણ સારો એવો વધારો થાય છે. લાંબી વેઇટિંગ વચ્ચે કોરોનાકાળમાં (Corona Pandemic) બંધ થયેલી કચ્છની પાંચ ટ્રેનોને (Kutch Trains) શરૂ કરવા હવે માંગ વધી રહી છે. કોરોનામાં બંધ થયેલી ટ્રેનો આટલા મહિનાઓ બાદ પણ ચાલુ ન થતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

    જિલ્લામથક ભુજ રેલવે સ્ટેશનને ટ્રેનની સુવિધા મુદ્દે અવારનવાર નિરાશા મળતી આવી છે. નવી ટ્રેનની વાત તો દુર રહી પણ જે ટ્રેનો અગાઉ ભુજથી દોડતી હતી તે પણ હજુ બંધ છે. જે તે સમયે કોરોના મહામારીના કારણે સરકાર દ્વારા ટ્રેન પરિવહન બંધ કરવામાં આવ્યું હતું પણ આજે 25 મહિના બાદ પણ આ ટ્રેનો શરૂ થઈ શકી નથી. મહત્વની બાબત એ છે કે ઉત્તર ગુજરાતને સાંકળતી ગાડીઓ શરૂ ન થવાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

    હાલમાં ભુજ - શાલીમાર (22829), ભુજ - પાલનપુર (19152) અને ભુજ - દાદર વાયા પાલનપુર (12959) ટ્રેન હજુ શરૂ થઈ શકી નથી. હાલમાં જ્યારે કોવિડ ઓસરી જતા ચારધામની યાત્રા માટેનો પ્રવાહ વધ્યો છે તેવામાં શાલીમાર ટ્રેઇન હજુ પણ બંધ હોવાથી ઉજ્જૈન સહિતના સ્થળોએ જવા માટે કોઈ ડાયરેકટ વ્યવસ્થા જ નથી. તો બીજી તરફ પૂર્વ કચ્છના ગાંધીધામ સ્ટેશનથી ઉપડતી ગાંધીધામ - પાલનપુર (59425) અને ગાંધીધામ - ઇન્દોર (19335) ટ્રેન પણ હજુ શરૂ કરવામાં આવી નથી.

    કચ્છમાં મજૂરીકામ તેમજ સરકારી નોકરી માટે હજારો લોકો ઉત્તર ગુજરાતથી આવતા હોય છે પણ બસની જોઈએ તેટલી વ્યવસ્થા નથી તેવામાં પાલનપુર અને દાદરની ટ્રેન કે જે પાલનપુર થઈને દોડતી હતી તે પણ બંધ હોવાથી ઉત્તર ગુજરાતના લોકોને મુશ્કેલી વેઠવી પડતી હોય છે. હાલમાં વેકેશનના સમયગાળામાં મુંબઈથી કચ્છ આવવા માટે પ્રવાસીઓનો પ્રવાહ સતત વધી રહ્યો છે, ધાર્મિક પ્રસંગો અને વેકેશન હોવાથી મોટી સંખ્યામાં કચ્છીઓ વતનમાં આવી રહ્યા છે. જેથી કચ્છ એક્સપ્રેસ અને સયાજીનગરી ટ્રેનમાં હાલ મહિના સુધી વેઇટિંગ ચાલી રહ્યું છે, જેના કારણે જો દાદર વાળી ટ્રેન શરૂ થઈ જાય તો ટ્રાફિક થોડો હળવો કરી શકાય.

    આ પણ વાંચો: Kutch News: એકમાત્ર દરિયાઈ શાકાહારી જીવના કચ્છના અખાતમાં પ્રથમવખત ફોટોગ્રાફીક પુરાવા મળ્યા

    ઉલ્લેખનીય છે કે એક બાજુ રેલવે વિભાગ અને રાજકારણીઓ દ્વારા નવી ટ્રેનો શરૂ કરવાની જાહેરાતો કરવામાં આવે છે. અને સ્ટેશનના ડેવલપમેન્ટની વાતો થાય છે પણ હાલમાં નવી ગાડીઓ તો ઠીક જૂની સેવા શરૂ કરવામાં પણ રેલવે-રાજકારણીઓ નબળા પુરવાર સાબિત થયા છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch City, કચ્છ

    આગામી સમાચાર