હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના (Gujarat Local Body Election 2021) પરિણામોમા ત્રણેય મોરચે બીજેપી (BJP) આગળ ચાલી રહી છે. ત્યારે કેબિનેટમંત્રી કુંવરજી બાવળિયાના (Kunvarji Bavadiya) ગઢમાં ગાબડું પડ્યું છે.
જસદણ વિંછીયા વિસ્તારની જીલ્લા પંચાયતની 8 પૈકી 5 સીટ પર કૉંગ્રેસે કબજો કર્યો છે. જસદણ અને વિંછીયા તાલુકા પંચાયત કોંગ્રેસે કબજે કરી છે. જસદણ તાલુકા પંચાયતમાં કૉંગ્રેસને 10 જ્યારે ભાજપને 6 બેઠક પર જીત મળી છે. જ્યારે વીંછીયા તાલુકા પંચાયતમાં કૉંગ્રેસને 14 અને ભાજપને 4 બેઠક પર જીત મળી છે. કૉંગ્રેસનાં સમર્થકોમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે.
12 વાગ્યા સુધીની મતગણતરી
12 વાગ્યા સુધીમાં મતદાન ગણતરીની વાત કરીએ તો જિલ્લા પંચાયતમાં બીજેપી 240, કૉંગ્રેસ 67 અને અન્યના ઉમેદવારોએ 3 બેઠકો પર જીત મેળવી છે. તાલુકા પંચાયતમાં બીજેપીને 680, કૉંગ્રેસને 201 અને અન્યને 25 બેઠકો પર જીત મળી છે. ત્યારે નગરપાલિકામાં બીજેપીને 880, કૉંગ્રેસને 300 અને અન્યએ 24 બેઠકો પર જીત મેળવી છે.
2015માં થયેલી ચૂંટણીની વાત કરવામાં આવે તો પાટીદાર આંદોલન વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયતોમાંથી 23થી વધુ જિલ્લા પંચાયતો કોંગ્રેસના ફાળે ગઈ હતી. 231 તાલુકા પંચાયતમાંથી 165 તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ હતી. જ્યારે 51 નગરપાલિકામાંથી 38 પાલિકા ભાજપ જીત્યું હતું. આ વખતે કોણ બાજી મારશે તેને આવતીકાલે ખબર પડી જશે.