જામનગર: જયેશ પટેલના વિરોધી પર થયુ ફાયરિંગ, જિલ્લામાં ચારેબાજુ સઘન નાકાબંધી

જામનગર: જયેશ પટેલના વિરોધી પર થયુ ફાયરિંગ, જિલ્લામાં ચારેબાજુ સઘન નાકાબંધી
ફાયરિંગ સવારે થયુ.

જામનગર જીલ્લામાં ચારેય બાજુ નાકાબંધી કરી ફાયરિંગ કરનારાઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

 • Share this:
  કિંજલ કારસરીયા,જામનગર : શહેરના ઈવા પાર્કમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ભૂમાફિયા જયેશ પટેલના વિરોધી માનતા યુવાન પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ફાયરિંગની ઘટનાને પગલે SP દીપેન ભદ્રન સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.અને જામનગર જીલ્લામાં ચારેય બાજુ નાકાબંધી કરી ફાયરિંગ કરનારાઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

  જામનગર શહેરમાં ઇવા પાર્ક વિસ્તારમાં આજે વહેલી સવારે ફાયરિંગની ઘટનાથી ભારે સનસનાટી મચી ગઈ છે. ડબલ સવારી બાઈક પર આવેલા ચાર શખ્સોએ એક પાટીદાર યુવાનના મોઢા પર ફાયરિંગ કરી હત્યા નિપજાવવાનો પ્રયાસ કર્યાનું સામે આવ્યું છે. પાટીદાર યુવાનોના મોઢાના ભાગે ગોળી વાગી હોવાથી તેને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, અને તેના પર શસ્ત્ર ક્રિયા ચાલી રહી છે. ઉપરાંત પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગયું છે, અને શાર્પ શૂટરોને પકડવા માટે ચોતરફ નાકાબંધી કરી છે.  ઇજાગ્રસ્ત યુવાનને  ભૂ-માફિયા જયેશ પટેલ સાથે વાંધો ચાલતો હોવાથી જયેશ પટેલના સાગરિતો દ્વારા ફાયરિંગ કરાયું હોવાનું અનુમાન લગાવી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.  જામનગરના ASP, નિતેષ પાંડેયના જણાવ્યા પ્રમાણે, જામનગર શહેરમાં આવેલા ઈવા પાર્ક વિસ્તારમાં રહેતા જયસુખ દેવરાજ ભાઈ પેઢડીયા ઉર્ફે ટીનો પેઢડીયા (ઉંમર વર્ષ 40) કે આજે સવારે પોણા નવ વાગ્યા આસપાસ પોતાના મકાન પાસે ઉભા રહીને મકાનનું બાંધકામ કરાવી રહ્યો હતો. જે દરમિયાન ડબલ સવારી બાઇકમાં ચાર શખ્સો પોતાના મોઢા પર રૂમાલ બાંધીને આવ્યા હતા, અને ટીનો પેઢડીયા પર રિવોલ્વર તાકીને ફાયરિંગ કર્યું હતું. આ સમયે જયસુખ પેઢડિયાએ પોતાના નેફામાં રહેલી રિવોલ્વર કાઢવાનો પ્રયત્ન કરે તે પહેલાં જ ચાર શખ્સો પૈકીના એક શાર્પ શૂટરે પોતાના હાથમાં રહેલી રિવોલ્વરમાંથી ફાયરિંગ કરી દેતાં જયસુખને હોઠ અને મોઢાના ભાગે ગોળી વાગી હતી. જે ગોળી તેના મોઢામાં ખૂંચી ગઈ હતી. અને પ્રતિકાર કરે તે પહેલાં ચારેય શખ્સો પોતાના બાઈકમાં ભાગી છૂટયા હતા.

  જયસુખ દેવરાજ ભાઈ પેઢડીયા ઉર્ફે ટીનો પેઢડીયા


  આ ઘટનાની જાણ થતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઇજાગ્રસ્તના કુટુંબી ભત્રીજા પ્રશાંત ચાંગાણીએ તરત જ જયસુખભાઇને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. આ ઘટનાની જાણ થવાથી પોલીસ કાફલો હરકતમાં આવી ગયો હતો, જામનગરના SP દીપેન ભદ્રન પણ ઘટના સ્થળે દોડી ગયા હતા ત્યારે શહેરના એએસપી નીતીશ પાંડેની આગેવાની હેઠળ સીટી-એ ડિવિઝન ઉપરાંત એલસીબી અને એસ.ઓ.જી.નો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો,આ  ઉપરાંત સમગ્ર જિલ્લાભરમાં નાકાબંધી કરાવી હતી. જોકે ફાયરિંગ કરીને ભાગી છૂટેલા ચારેય શખ્સો હવામાં ઓગળી ગયા હતા. જેઓને પકડી પાડવા માટે સીસીટીવી કેમેરાઓની મદદ લેવામાં આવી રહી છે.

  CCTV Video: વલસાડમાં ગૌ તસ્કરો બન્યા બેફામ, પકડવા આવતી પોલીસ પર ટ્રક ચઢાવવાનો કર્યો પ્રયત્ન

  ફાયરિંગની ઘટનામાં ઇજાગ્રસ્ત પાટીદાર યુવાન જયસુખ પેઢડીયાને સારવાર માટે જી.જી હોસ્પિટલમાં ખસેડાયા પછી તેના મોઢાના ભાગનો એક્સ-રે લેવામાં આવ્યો હતો. જેમાં તેના જડબામાં ગોળી નજરે પડી હતી. જેથી તાત્કાલિક અસરથી તેનું ઓપરેશન હાથ ધરી ગોળી બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં જયસુખ પેઢડિયાના ભાઈ હસુ પેઢડીયા કે જે અગાઉ જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે પણ હતો અને જયેશ પટેલ સાથે તેને તથા તેના ભાઈ જયસુખ ને અગાઉ વાંધા હતા, અને ફાયરિંગ સહિતની ફરિયાદ પણ જયેશ પટેલ સામે નોંધાવી છે. ઉપરાંત આ હુમલો પણ જયેશ પટેલના સાગરિતો દ્વારા કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

  Gold Price Today: આજે ફરી સસ્તું થયું સોનું-ચાંદી, ખરીદતા પહેલા જાણી લો ભાવ

  ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ જયેશ પટેલનો ધમકીભર્યો ઓડિયો વાયરલ થયો હતો જેમાં ઇજાગ્રસ્ત યુવાન જયસુખ પેઢડિયાને જ જયેશ પટેલે ધમકી આપી હતી. દરમિયાન આજે હુમલાની ઘટનાને અંજામ અપાયો હોવાથી પોલીસ તંત્ર ફરીથી હરકતમાં આવી ગયું છે અને હુમલો કરનારાઓને શોધવાની તેમજ ફાયરિંગ અંગેનો ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને લઇને જામનગર શહેરમાં ભારે સનસનાટી મચી જવા પામી છે.
  Published by:Kaushal Pancholi
  First published:January 28, 2021, 14:57 pm

  ટૉપ ન્યૂઝ