જામનગર: શહેરમાં (Jamnagar news) એક ચોંકાવનારી ઘટના બની છે. જામનગરના ગોકુલ વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ નિમાવત પરિવારના પાંચ સભ્યો ગુમ થયા છે. આ અંગે જાણ થતા જામનગર પોલીસ (Jamnagar police) દ્વારા પરિવાર ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે, આ પરિવાર કયા કારણોસર લાપતા બન્યો છે અને ક્યાં ગયો છે. જામનગર સીટીસી ડિવિઝનમાં પરિવાર ગુમ થયો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.
11મી માર્ચના ઘરેથી નીકળી ગયા છે
આ પરિવારના અરવિંદ નિમાવત (ઉ.વ.-52) , તેમના પત્ની શિલ્પા નિમાવત (ઉ.વ.-45), દીકરી કિરણ નિમાવત (ઉ.વ.-26), રણજીત નિમાવત (ઉ.વ.24) અને કરણ નિમાવત (ઉ.વ.-22) રહે ગોકુલનગર રડાર રોડ નવા નગર શેરી નં 5 મોબાઇલ પાન વાળી શેરી પ્રફુલભાઇ સવાણીના મકાનમાં, રહેતા હતા. જે ગત 11મી માર્ચ 2022ના રોજ પોતાના ઘરેથી નીકળી ગયા હતા. અરવિંદ નિમાવત હોટલના ધંધા સાથે સંકળાયેલા હતા. જોકે રહસ્યમય રીતે આખો પરિવાર ગુમ થતાં પોલીસે આ અંગેની તપાસ આદરી છે.
મળતી માહિતી મુજબ, આ પરિવાર છેલ્લા બે વર્ષથી ગોકુલ નગર વિસ્તારના જકાતનાકા પાસે જ બજરંગ રેસ્ટોરન્ટ ભાડે રાખી ચલાવતો હતો. જ્યાં 11 તારીખે તેઓ નિત્યક્રમ મુજબ રેસ્ટોરન્ટમાં લોકોને જમાડી નીકળ્યા બાદ 12 તારીખે રેસ્ટોરન્ટે પહોંચ્યા જ ન હતા. આ પરિવારના પાડોશીઓને પણ તેઓ ક્યાં ગયા છે તે અંગેની કોઇ જાણ નથી. ચર્ચા એવી પણ ચાલી રહી છે કે, ગુમ થયેલો પરિવાર વ્યાજખોરોના ચૂંગાલમાં ફસાયો હોવાના કારણે ઘર છોડીને ચાલ્યા ગયા છે.
જૂનાગઢમાં એક આધેડે વ્યાજખોરોના ત્રાસથી કર્યો આપઘાત
જૂનાગઢમાં વ્યાજખોરોના ત્રાસથી એક આધેડે ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, જૂનાગઢના મધુરમ કામનાથનગર વિસ્તારમાં રહેતાં કશ્યપભાઈ મોહનભાઈ ભટ્ટે નોંધાવેલી ફરિયાદ મુજબ,નિલેશભાઈ મોહનભાઇ ભટ્ટ(ઉ.વ 52) વાળાએ ધંધા માટે ધવલ કિશોરભાઈ મહેતાં પાસેથી 10 ટકા લેખે 95 હજાર વ્યાજે લીધા હતા. જે વ્યાજ સહિત ચૂકવવા માટે સુરેશ ભગુભાઈ વાંદા પાસેથી 10 ટકા લેખે રૂ.3,50,000 લીધા હતા જે ધવલ ને આપી દીધા હતા છતાં ધવલે વધુ વ્યાજના રૂ.3,80,000ની માંગણી કરી હતી.
નિલેશભાઈએ ઝેરી દવા પી લીધી હતી અને પરિવારજનોએ સારવાર માટે ખસેડયા હતા. જોકે, સારવાર દરમિયાન મોત થતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.