અષાઢી બીજના દિવસે સમગ્ર દેશ સાથે કચ્છમાં પણ ઉત્સાહપૂર્વક જગન્નાથ ભગવાનની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે માટે બે રથ બનાવવાની કામગીરી પણ શરૂ કરાઇ છે
Dhairya Gajara, Kutch: કોરોના મહામારીના (Corona Pandemic) કારણે છેલ્લા બે વર્ષથી કચ્છી નવું વર્ષ અષાઢી બીજની (Kutchi New Year) સાદાઈ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તો સાથે જ છેલ્લા 10 વર્ષથી યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા (Jagannath Rathyatra 2022) પણ ફક્ત મંદિર પરિસર પૂરતી સીમિત રહી હતી. આ વર્ષે ફરી એક વખત ભુજ સ્વામિનારાયણ મંદીર (Bhuj Swaminarayan Temple) દ્વારા અષાઢી બીજના રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
અષાઢી બીજ કચ્છમાં બે ગણો ધાર્મિક મહત્વ ધરાવે છે. એક તો સર્વત્ર યોજાતી જગન્નાથ ભગવાનની રથયાત્રા અને ઉપરથી કચ્છી સમાજોનું નવું વર્ષ. તો આ પ્રસંગે છેલ્લા એક દાયકા જેટલા સમયથી ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા શહેરમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ફરી એક વખત ભુજ મંદિર દ્વારા રથયાત્રાના આયોજનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
તારીખ 1 જુલાઈના યોજાનાર આ રથયાત્રા ભુજના હૃદય સમા હમીરસર તળાવની શરુ થઇ જૂના બસ સ્ટેશન, ત્યારબાદ કચ્છમિત્ર સર્કલ, જ્યુબિલિ સર્કલ અને નરનારાયણ દેવ સર્કલ થઈને સ્વામિનારાયણ મંદિર ખાતે વિરામ પામશે. સાંજે ચાર વાગ્યે શરૂ થનારી આ રથયાત્રામાં કચ્છભરના ભક્તો જોડાશે તેમજ ભુજ મંદિર સાથે સંકળાયેલી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ પણ રથયાત્રામાં જોડાશે અને સાડા ત્રણ કલાક શહેરમાં ભ્રમણ કરતા બાદ સાંજે સાત વાગ્યે ભુજ મંદિર ખાતે વિરામ પામશે.
ત્યારે રથયાત્રા માટે માધાપર ખાતે રથ બનાવવાનો કાર્ય શરૂ કરવામાં આવ્યુંછે. માધાપર સ્વામિનારાયણ મંદિર, માધાપર યુવક મંડળ, જ્યોતિ મંડળની બહેનો દ્વારા 32 ફૂટ ઉંચાઈનો મુખ્ય અને 15 ફૂટની ઉંચાઈનો માહિલાઓ તેમજ સાંખ્ય યોગી બહેનો માટે વિશેષ રથ બનાવવામાં આવી રહ્યો છે. રથ બનાવવા માટે 700 મીટર વેલવેટ કાપડ અને જરદોશીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. માધાપર ગામની 35 થી 40 મહિલાઓ તેમજ 40 જેટલા પુરુષો રથ બનાવવાનું કામ કરી રહ્યા છે.