અતુલ જોશી, મોરબી : મોરબીમાં (Morbi)ગત તા. 31માર્ચના રોજ સવારે 7 30 વાગ્યાની આસપાસ મનીષ વિરજીભાઈ પટેલ નામના વ્યક્તિ વાપીથી આવેલ રૂપિયા 1.20 કરોડનું પાર્સલ લેવા આવ્યા હતા. ત્યારે દલવાડી સર્કલ નજીક જ પહેલાંથી જ વોચ ગોઠવીને બેઠેલા ચાર બુકાની ધારીઓએ સફેદ કલરની હ્યુન્ડાઇ વેન્યુ કારમા આવી પાર્સલ લેવા આવેલા ફરિયાદી મનીષ પટેલને ધમકાવી સ્વીફ્ટ ડિઝાઇર કારને આંતરીને રોકડ રકમનું પાર્સલ લઈને (Robbery)ભાગી ગયા હતા.
આ ઘટનાની જાણ થતાં એસપી સુબોધ ઓડેદરાએ ત્વરિત નિર્ણય લઈને તમામ જીલ્લાઓમાં નાકાબંધી કરાવી જુદી જુદી ટીમો બનાવી અને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાડીની તપાસ કરતા કરતા પોલીસની ટીમોએ સર્ચ હાથ ધર્યું હતું .જેમાં 31 માર્ચ બાદ 1 એપ્રિલના રોજ એલસીબીને (LCB)સફળતા મળી હતી અને એક શંકાસ્પદ ઇમરાન નામના ઈસમની અટકાયત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આરોપીઓ હળવદ બાજુ ગયા હોવાની પોલીસને મળી હતી માહિતી
આ લૂંટની ચકચારી ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ હળવદ બાજુ ગ્રામ્ય વિસ્તારોના રસ્તે ગયા હોવાની માહિતી મળતા એલસીબી એસઓજી ટેકનિકલ સેલની ટીમોને દિશા મળી ગઈ હતી. પોલીસે હળવદના સુન્દરગઢ ગામની આજુબાજુ સર્ચ કર્યું હતું પરંતુ આરોપીઓ પોલીસને ચકમો આપવામાં કામયાબ રહ્યા હતા. જોકે પોલીસ આરોપીઓથી એક પગલું જ દૂર હતી જેનાથી લૂંટારાઓ અજાણ હતા.
આ ઘટના બાદ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ ઘટનાની શરૂઆતથી લઈને તપાસમાં એસપી સુબોધ ઓડેદરા માહિતી મેળવી રહ્યા હતા. આવા સમયે પોલીસની તપાસ ટીમોને એક આશાનું કિરણ દેખાયું હતું અને એક શંકાસ્પદ આરોપી ઇમરાનની શોધખોળ હાથ ધરી હતી. જેમાં આરોપીઓ વીંછીયા તાલુકાના હોવાનું જાણવા મળ્યું હતું અને રાજકોટના ઈસમે ટિપ્સ આપી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે વાત આટલેથી પુરી થતી ન હતી હજુ ઘણા રહસ્યો અને પુરાવાઓ એકત્રિત કરવા જરૂરી હતા. આ માટે તમામ માહિતી ખાનગી રાખવામાં આવી અને મીડિયાને પણ આ માહિતીથી દૂર રાખવામાં આવ્યું હતું.
રેન્જ આઈજી સંદીપ સિંહ દ્વારા પણ આ ઘટનાની માહિતી મેળવવવામાં આવતી હતી. આ સમયે પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓએ લૂંટ કરતા પહેલા મોરબીના સીસીટીવી અને ફોનના ઉપયોગ પર ખાસ ધ્યાન રાખ્યું હતું. કોઈ પણ સીસીટીવી કે સીડીઆર ડિટેલ્સમાં પણ આરોપીઓ ટ્રેસ થતા ન હતા. આ સમય દરમ્યાન પોલીસને ખાનગી રીતે એક ઈસમની માહિતી મળી હતી. આ ઇસમ એક ખાનગી બસનો ક્લીનર હતો જે આ રૂપિયાની લેવડ દેવડથી લઈને તમામ પ્રક્રિયા જાણતો હતો.
તેને આરોપીઓને ટિપ્સ આપી હોવાનું પોલીસને માહિતી મળતા પોલીસે આ શકમંદ ઇમરાન પર એક એપ્રિલથી નજર રાખી રહી હતી. જુદી જુદી 10 ટીમો આ લૂંટારુઓનું પગેરૂ મેળવવા કામે લાગી હતી. જેમાં એક ઇસમ પરથી આખી લૂંટનો પર્દાફાશ થયો હતો. જેમાં આરોપીઓ લૂંટની ઘટનાને અંજામ આપી અજમેર નાસી ગયા હતા જ્યાંથી પરત આવતી વખતે મોરબી પોલીસે આરોપીઓને પકડી પાડ્યાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે અને લૂંટનો મુદામાલ રિકવર કરવાની કામગીરી હાથ ધરી છે. લૂંટાયેલ મુદામાલ રિકવર બાદ સતાવાર રીતે આ લૂંટના ભેદની મોડ્સ ઓપરેન્ડરી જાહેર પોલીસ દ્વારા કરવામાં આવશે તેવું આધારભૂત સૂત્રો માંથી જાણવા મળ્યું છે.
લૂંટારુઓએ આ લૂંટને અંજામ આપતી વખતે સીસીટીવી અને ટેકનિકલ કારણોનું ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યું હોવાનું મનાય છે. કેમ કે પોલીસનું સૌથી ઝડપી ગુના ઉકેલવા માટે ગણાતું શસ્ત્ર ટેકનિકલ સિસ્ટમ છે પરંતુ આ લૂંટારુઓએ સીસીટીવીમાં કે ફોન ટ્રેસમાં પણ ક્યાંય ટ્રેસ થવાની ભૂલ કરી ન હતી. આથી આરોપીઓ સુધી પહોંચવા મોરબી પોલીસની ટીમોને વધુ સમય લાગી ગયો હતો જો કે દરેક આરોપી એક તો પુરાવો છોડી અને એક ભૂલ કરી જ જાય છે એ જ રીતે આ લૂંટમાં પણ આરોપીઓ એક ભૂલ કરી ગયા જેનો મોરબી પોલીસની ટીમોએ પૂરો લાભ લઈ લૂંટારુઓ સુધી પહોચવામાં સફળ રહી હતી.
જોકે લૂંટનો મુદામાલ આવે એ પહેલાં જ એસપી સુબોધ ઓડેદરાની બદલી સીઆઇડી ક્રાઇમમાં એસપી તરીકે થઈ હતી અને તેઓ મીડિયામાં જાહેર કરવા પર રાહ જુઓ નીતિ અપનાવી હતી. કેમ કે મીડિયામાં જાહેર થવાથી લૂંટની તપાસને નુકશાન થાય તેવું તેઓ માનતા હતા અને તેઓ નહોતા ઈચ્છતા કે આવું બને. આથી પૂર્ણ મુદ્દામાલ સાથે જ પ્રેસ કોન્ફરન્સ કરવાનું વિચાર્યું હતું. હવે મોરબી જીલ્લાના નવા એસપી રાહુલ ત્રિપાઠી આજથી ચાર્જ સાંભળશે જે આ લૂંટનો આગળની તપાસનો દોર આગળ ધપાવશે તેવું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. હાલ આ ઘટનાને પાંચથી છ આરોપીઓએ કઈ રીતે અંજામ આપ્યો? શુ અગાઉ રેકી કરી હતી કે કેમ ? આરોપીઓ મોરબીના વ્યક્તિના સંપર્કમાં હતા કે કેમ? શું આરોપીઓએ અન્ય કોઈ શહેરમાં આવી ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ ? આવા અનેક સવાલોના જવાબ ટૂંક સમયમાં જ બહાર આવે તેવી પ્રબળ શકયતાઓ સેવાઇ રહી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર