Home /News /gujarat /ગુજરાત ATSને મળી મોટી સફળતા, દ્વારકામાંથી ઝડપાયું 24 કિલો હેરોઇન
ગુજરાત ATSને મળી મોટી સફળતા, દ્વારકામાંથી ઝડપાયું 24 કિલો હેરોઇન
ઝડપાયેલા આરોપીઓ
Drugs seized from Gujarat: આરોપીઓની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું કે, ભોલા શૂટર કે જે હાલમાં ફરીદકોટ જેલમાં હોઈ તે અંકિત જાખડ, અરવિંદ યાદવ તથા અન્ય માણસો મારફતે ડ્રગ્સ રેકેટ ચલાવે છે
દ્વારકા: ગુજરાત ATSને (Gujarat ATS) વધુ એક સફળતા મળી છે. બુધવારે, ગઇકાલે દેવ ભૂમિ દ્વારકામાંથી (heroin seized from Dwarka) વધુ 24 કિલો હેરોઇન સાથે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઝડપાયેલા હેરોઈનની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 120 કરોડ હોવાનું આંકવામાં આવી રહ્યુ છે. બુધવારે જામકલ્યાણપુરના નાવદ્રામાંથી (Navadra, Dwarka) અનવર ઉર્ફે અનુ મુસા પટેલીયાના રહેણાંક મકાનમાંથી અંદાજિત 24 કિલો ગેરકાયદે હેરોઈનનો જથ્થો ઝડપી લેવાયો છે. આ મામલે લોરેન્ઝ બિશ્નોઈ ગેંગના ભારત ભૂષણ શર્મા ઉર્ફે ભોલા શૂટર અને અંકિત જાખડની રાજસ્થાનથી, ઈશા રાવના પુત્ર હુસેન રાવની જામનગરના જોડિયાથી અટકાયત કરવામાં આવી છે.
રિમાન્ડમાં રાખેલા આરોપીની પૂછપરછમાં થયો ખુલાસો
14 નવેમ્બરના રોજ ગુજરાત એ.ટી.એસ.ની ટીમે ગુપ્ત બાતમી આધારે મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામે એક મકાનમાં રેડ કરી હતી. જેમાં અંદાજિત 120 કિલો હેરોઈનનો જપ્ત કર્યું હતું. જેમા ત્રણ આરોપીઓ મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બાર, સમસુદ્દીન સૈયદ, ગુલામ હુસૈન ઉમર ભગાડની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓના 12 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા જેમા પકડાયેલ આરોપી મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બાર જોડીયાની પૂછપરછ દરમ્યાન તેણે હેરોઈનનો જથ્થો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે છૂપાવેલ હોવાની કબૂલાત કરી હતી. જે બાદ તાત્કાલિક એ.ટી.એસ. ગુજરાતની એક ટીમે આરોપી મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બાર જોડીયાને સાથે રાખી તેણે બતાવેલ જગ્યાએ રેડ કરતા અનવર ઉર્ફે અનુ મુસા પટેલીયાના ઘરમાંથી અંદાજે 24 કિલો ગેરકાયદેસર હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
ઝીંઝુડામાંથી ઝડપાયેલા આરોપીઓ હાલ રિમાન્ડ પર છે.
આંતરરાજ્ય ડ્રગ્સ સ્મગલર્સની સંડોવણી ખૂલી
આ હેરોઈન કન્સાઈનમેન્ટની વધુ તપાસ તથા પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમ્યાન મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ સહિતના રાજ્યોમાં સક્રિય ડ્રગ્સ સ્મગલર્સની સંડોવણી ખૂલી હતી. આ હેરોઈન કન્સાઈનમેન્ટમાંથી 12 કિલો જેટલા હેરોઈનના જથ્થાની ડિલીવરી ઈકબાલ ઉર્ફે ઈકબાલ ડાડો ભંગારીયાએ રાજસ્થાન ખાતે કુખ્યાત ડ્રગ માફીયા ભોલા શૂટરના માણસો નામે અંકિત જાખડ અને અરવિંદ યાદવનાઓને કરી હતી. ત્યારબાદ બાકીના ડ્રગ્સની ડીલીવરી માટે આ ઈકબાલ ડાડો રાજસ્થાન ખાતે ભોલા શૂટરના માણસો અંકિત જાખડ તથા અરવિદ યાદવને મળવા જવાનો હોવાની માહિતી મળી હતી, જે આધારે એ.ટી.એસ. ગુજરાતની ટીમ રાજસ્થાન ખાતે વોચમાં હતી, જે દરમ્યાન બે આરોપીઓ ઈકબાલ ઉર્ફે ઈકબાલ ડાડો ભંગારીયો અને અરવિંદકુમાર ચુનીલાલ યાદવ ઉર્ફ બિંદુને શિરોહી, રાજસ્થાન નજીકથી પકડી પાડવામાં આવ્યા છે.
અંકિત જાખડ અને અરવિંદ યાદવ ડ્રગ્સની ડીલીવરી કરવાના હતા
ઉપરોક્ત પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું કે, ભોલા શૂટર કે જે હાલમાં ફરીદકોટ જેલમાં હોઈ તે અંકિત જાખડ, અરવિંદ યાદવ તથા અન્ય માણસો મારફતે ડ્રગ્સ રેકેટ ચલાવે છે તથા આ તમામ ડ્રગ્સની ડીલીવરી ભોલા શૂટરના માણસો અંકિત જાખડ તથા અરવિંદ યાદવે કરવાની હતી.
ભોલા શૂટર લોરેન્ઝ બિશ્નોઈનો ખાસ છે
ભારત ભૂષણ શર્મા, ઉર્ફે ભોલા શૂટર ઉપર રાજસ્થાન, પંજાબ તથા હરિયાણા સહિતના રાજ્યોમાં લૂંટ, હત્યા, ખંડણી વગેરે જેવા સંખ્યાબંધ ગુનાઓ નોંધાયેલ છે. અંકિત જાખડ તથા ભોલા શૂટર લોરેન્ઝ બિશ્નોઈ ગેંગના સક્રિય સભ્યો છે અને ભોલા શૂટર લોરેન્ઝ બિશ્નોઈનો ખાસ માણસ છે. આ ઉપરાંત ઉપરોક્ત ગુનામાં વોન્ટેડ આરોપી ઈશા રાવના પુત્ર હુસેન રાવ(જામનગર)નો પણ આ ગુનામાં સંડોવાયેલ હોવાથી તેની પણ જોડીયા ખાતેથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર