મેહુલ માળી, કચ્છઃ કચ્છમાં મેઘમહેરથી ખેડૂતોથી લઇને સામાન્ય લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે કચ્છ આસપાસના વિસ્તારોમાં 12 મહિના દુષ્કાળની સ્થિતિ જોવા મળતી હોય છે. અહીં અન્ય જિલ્લાઓ કરતાં સૌથી ઓછો વરસાદ નોંધાય છે, પરંતુ આ વર્ષે જાણે મેઘરાજાની નજર કચ્છ પર વધુ હોય તેમ લાગી રહ્યું છે. વાયુ વાવાઝોડા વખતે કચ્છના અનેક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો, ત્યારબાદ ફરી મેઘસવારી આવી પહોંચતા લોકો ખુશ થઇ ગયા હતા.
કચ્છમાં મંગળવારે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો, અહીં નખત્રાણા અને મુન્દ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી, આ સિવાય યાત્રાધામ અંબાજીમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી, દિવસભર ગરમીના ઉકળાટ બાદ સાંજે વરસાદ શરૂ થયો, આ સિવાય ભારે પવન અને ગાજવીજ પણ થઇ રહી છે. તો ખાવડાના કાલોડુંગર, દીનારા અને કુરન વિસ્તારમાં ઘોધમાર વરસાદથી સ્થાનિક તળાવ અને નાળામાં નવા નીર આવ્યા હતા.
અહીં ક્લિક કરી વાંચોઃ શિક્ષણ બોર્ડે રાજપીપળાની સ્કૂલની માન્યતા રદ્દ કરી, 400 વિદ્યાર્થી રઝળ્યાં
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ૫૪ મી.મી., ભાવનગર તાલુકામાં ૫૨ મી.મી., ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં ૪૮ મી.મી., મોરબીના વાંકાનેર અને ભરૂચના નેત્રાંગ તાલુકામાં ૪૦ મી.મી., તાપી જિલ્લાના વાલોદ તાલુકામાં ૩૪ મી.મી. નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં ૩૩ મી.મી, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ૩૦ મી.મી., વડોદરાના કરજણમાં ૨૯ મી.મી., છોટાઉદેપુરના જિલ્લાના કવાંટ તાલુકામાં ૨૯ મી.મી. આણંદમાં ૨૬ મી.મી, સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં ૨૬ મી.મી. અને ભરૂચના જંબુસર તાલુકામાં ૨૫ મી.મી. વરસાદ વરસ્યો છે. તેમજ રાજ્યના ૨૩ તાલુકાઓમાં એક ઇંચથી અડધો ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. જ્યારે ૭૩ તાલુકાઓમાં અડધા ઇંચથી ઓછો વરસાદ વરસ્યો છે.