Home /News /gujarat /

રાજકોટ : હાર્દિક પટેલના આગોતરા રાજીનામા પાછળ માસ્ટર માઈન્ડ કોણ? એક તીરે કેટલા નિશાન તાકવામાં આવ્યા? 

રાજકોટ : હાર્દિક પટેલના આગોતરા રાજીનામા પાછળ માસ્ટર માઈન્ડ કોણ? એક તીરે કેટલા નિશાન તાકવામાં આવ્યા? 

નરેશ પટેલ અને હાર્દિક પટેલની ફાઇલ તસવીર

Hardik Patel resigns: ખોડલધામમાં રવિવારના રોજ હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણીયા અને નરેશ પટેલ વચ્ચે બેઠક થઇ હતી. બેઠક પૂર્ણ થયા બાદ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું હતું કે, હાલ હાર્દિક જ્યાં છે તે જ પક્ષમાં રહેશે.

રાજકોટ : કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર (Patidar) અગ્રણી હાર્દિક પટેલે  કોંગ્રેસમાંથી રાજીનામું (Hardik Patel resigns) આપી દીધું છે. ત્યારે હાર્દિક પટેલે આપેલા રાજીનામાથી અનેક પ્રશ્નોની હારમાળા સર્જાઇ છે. આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌરાષ્ટ્ર અને ગુજરાત પ્રવાસ પૂર્વે હાર્દિક પટેલે કોના કહેવાથી રાજીનામું આપી દીધું છે. હાર્દિક પટેલના રાજીનામાંથી આખરે કોને પહોંચવાનો છે ફાયદો અને કોને પહોંચશે નુકસાન.

ખોડલધામમાં રવિવારના રોજ હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણીયા અને નરેશ પટેલ વચ્ચે બેઠક થઇ હતી. બેઠક પૂર્ણ થયા બાદ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું હતું કે, હાલ હાર્દિક જ્યાં છે તે જ પક્ષમાં રહેશે. તો બીજી તરફ હાર્દિક પટેલે મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે હું નારાજ છું કોંગ્રેસથી મેં અનેક વખત મારી વાત મીડિયાના માધ્યમથી પણ રજૂ કરી છે. બીજી તરફ બંને પાટીદાર નેતાઓએ એક વાત પણ કરી હતી કે આગામી પાંચથી દસ દિવસમાં ખોડલધામ અથવા તો રાજકોટ ખાતે એક બેઠક મળશે. જે બેઠકમાં હાર્દિક પટેલ અને નરેશ પટેલની રાજકીય કારકિર્દીને લઈ નિર્ણય પણ લેવામાં આવશે.

પરંતુ ખોડલધામ કે રાજકોટ ખાતે પાટીદારોની બેઠક મળે તે પૂર્વે જ હાર્દિક પટેલે રાજીનામું ધરી દેતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. આખરે શા માટે પાટીદારોની બેઠક મળે તે પૂર્વે જ હાર્દિક પટેલે રાજીનામું આપી દીધું. આખરે શા માટે ખોડલધામમાં રવિવારે મળેલી બેઠકની 72 કલાકમાં જ હાર્દિક પટેલે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું. હાર્દિક પટેલના આગોતરા રાજીનામાથી કોને પહોંચી શકે છે નુકસાન. હાર્દિક પટેલના આગોતરા રાજીનામા પાછળ માસ્ટરમાઇન્ડ કોણ છે.

આ પણ વાંચો: 'હાર્દિક બેઇમાન, તે કોઇ રાજકીય પક્ષમાં ચાલી ન શકે'

રાજકીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાય સમયથી ખોડલધામ ચેરમેન નરેશ પટેલ તમામ પક્ષો સાથે વાટાઘાટો કરી રહ્યા છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ભારતીય જનતા પાર્ટી પાસે કેટલીક માગણી પણ રજૂ કરી હતી. જે માગણીમાં લેઉવા પાટીદાર સમાજ જે વિધાનસભા સીટ પર મતદાતા તરીકે પ્રભુત્વ ધરાવતો હોય તેમને ટિકિટ આપવી જોઈએ. તેમજ રાજકીય કિન્નાખોરી રાખી લેઉવા પાટીદાર સમાજના બે યુવાનો પર ગુજસીટોક સહિતના કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. તે કિન્નાખોરી દૂર કરી તેમને મુક્તિ અપાવવા સહિતના પગલાં લેવામાં આવે. પરંતુ નરેશ પટેલની તમામ માગણીઓ ભાજપ માટે સ્વીકારવી અશક્ય હતી.

કારણ કે, જો ભાજપ નરેશ પટેલની તમામ માગણીઓ હાલના તબક્કે સ્વીકારી લે તો પોતાના પક્ષમાં પણ આંતરિક વિખવાદ ઊભો થાય તેવી ભાજપને પણ ભીતિ હતી. જેના કારણે જો નરેશ પટેલ કોંગ્રેસમાં જાય તો તેની સામે પાટીદાર આગેવાનોનું બેલેન્સ કરવા માટે હાર્દિક સહિતના નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થાય તે પ્રકારની રણનીતિ ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો: 'હાર્દિક તેમને સોંપાયેલી જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યા'

જે અંતર્ગત કોંગ્રેસમાં રહેલા ધારાસભ્યોને કોંગ્રેસમાંથી ટાટા બાય બાય કરાવી ભાજપનો ખેસ પહેરાવી તેમને પોતાની પ્રવર્તમાન સીટ પર ટિકિટ આપી જીતાડવા સહિતના વચનો આપવામાં આવ્યા છે. જોકે તેમાં મંત્રીપદ ને લગતા કોઈપણ જાતના વચન આપવામાં આવ્યા નથી. ત્યારે હાર્દિક પટેલે રાજીનામું આપતા યુથ કોંગ્રેસના પણ મોટાભાગના હોદ્દેદારો કે જેવો હાર્દિક પટેલ સમર્થિત છે. તેઓ પણ આગામી સમયમાં રાજીનામું આપી શકે છે.  પરંતુ હાર્દિક સાથે તેઓ જે કોઇ પણ પક્ષમાં જોડાશે તેમાં તેમની રાજકીય કારકિર્દીનો ગ્રાફ ઊંચો જશે કે કેમ તે પણ જોવું અતિ મહત્વનો બની રહેશે.

રાજકીય સૂત્રોનું માનીએ તો નરેશ પટેલ કોંગ્રેસ અથવા તો આપમાં જોડાવાની જાહેરાત આગામી ચારથી પાંચ દિવસમાં કરવાના હતા. તેમજ આગામી 28મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે નરેશ પટેલના કોંગ્રેસ અથવા તો આપમાં જોડાવાની જાહેરાત કરે તે પૂર્વે જ તેમના વિચારોને બ્રેક લગાવવા માટે હાર્દિક પટેલનું રાજીનામું આપવામાં આવ્યું છે. આમ હાર્દિક પટેલની પાછળ રહેલા માસ્ટરમાઈન્ડ દ્વારા નરેશ પટેલ અને તેમની ટીમને એક સ્પષ્ટપણે સંદેશો આપી દેવામાં આવ્યો છે કે, જો આગામી દિવસોમાં નરેશ પટેલ જોડાશે તો તેઓએ હારનો સામનો કરવો પડશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ગુપ્ત સંદેશો પણ આપી દેવામાં આવ્યો છે કે, હાર્દિક પટેલની માફક આગામી સમયમાં સૌરાષ્ટ્રના કેટલાક પાટીદાર ધારાસભ્યો પણ કોંગ્રેસનો સાથ છોડી શકે છે. નરેશ પટેલે યુદ્ધમાં ઉતરવું હોય તો તેઓ ભલે ઉતરે પરંતુ તેમની સાથે તેમની સમર્થિત સેનાપતિઓની સંખ્યા ઓછી હશે.

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા હતા. મીડિયાના માધ્યમથી હાર્દિક પટેલે અનેક વખત પોતાની નારાજગી કોંગ્રેસના નેતાઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન પણ કર્યો હતો. બીજી તરફ કોંગ્રેસના નેતાઓ પણ સતત મીડિયામાં નિવેદન આપી રહ્યા હતા કે, હાર્દિક પટેલ મીડિયામાં નિવેદનો આપવા કરતા પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરી પોતાની સમસ્યાનો ઉકેલ લાવે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Politics, ગુજરાત, ગુજરાત કોંગ્રેસ, હાર્દિક પટેલ

આગામી સમાચાર