rainfall in Gujarat: વરસાદની સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં (rainfall in Gujarat) વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં 206 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતો (Gujarat farmer) અને સામાન્ય જનતાએ રાહતનો શ્વાસ લીધો છે. સૌથી વધુ ગીર-સોમનાથના સુત્રાપાડામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વેરાવળમાં 5.8 ઈંચ, ગોંડલમાં 5.6 ઈંચ, માણાવદર અને બાબરામાં 5.2 ઈંચ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સોથી વધુ સુત્રાપાડામાં 9 ઈંચ વરસાદ
ગુજરાતમાં સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. વરસેલા વરસાદના આંકડાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ગીર-સોમનાથના સુત્રાપાડામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વેરાવળમાં 5.8 ઈંચ, ગોંડલમાં 5.6 ઈંચ, માણાવદર અને બાબરામાં 5.2 ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે જૂનાગઢના માળિયામાં 5 ઈંચ, વિસાવદરમાં 4.4 ઈંચ, ખાંભામાં 4.4 ઈંચ, કેશોદ અને વંથલીમાં 4 ઈંચ વરસાદ, તાલાલા, વલ્ભીપુર અને લોધિકામાં 3.4 ઈંચ વરસાદ, ભેસાણ અને ધારીમાં 3.3 ઈંચ, કોડીનારમાં 3.2 ઈંચ નોંધાયો છે.
જૂનાગઢના પ્રસિદ્ધ યાત્રાધામ ગિરનારમાં મેઘ રાજા મનમુકીને વરસ્યા છે. ગિરનાર પર્વત પર પાંચ ઈંચ જેટલો વરસાદ પડતા તળેટીના નદી નાળા છલકાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. દામોદર કુંડમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગિરનાર પર્વત પર અનરાધાર વરસાદને પગલે ઠેર ઠેરથી ઝરણા વહેવા લાગ્યા. મેઘરાજાના ભવ્ય આગમનને લઈ ગાઢ ધુમ્મસ ઓઢીને બેઠેલો ગીરનાર સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.
જૂનાગઢમાં ભારે વરસાદને પગલે બાંટવાનો ખારો ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા ડેમના બે દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા છે. દરવાજા ખોલતા નીચાણવાળા કોડવાવ, એકલેરા, સમેગા, થાપલા સહિતના આઠ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. બીજી બાજુ ભેંસાણમાં પણ બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે ઉબેણ નદીમાં પુર આવ્યું છે. નદી બે કાંઠે થતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ છે.
ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટ
ઝોન પ્રમાણે વરસાદના આંકડા તપાસીએ તો કચ્છમાં અત્યાર સુધીમાં 249 મિમી એટલે 56.18 ટકા, ઉત્તર ગુજરાતમાં 325 મિમી એટલે 44.93 ટકા, મધ્ય ગુજરાતમાં 388 મિમી એટલે 48.12 ટકા, સૌરાષ્ટ્રમાં 426 મિમી એટલે 60.87 ટકા, દક્ષિણ ગુજરાતમાં 443.31 મિમી એટલે 52.78 ટકા વરસાદ નોંધાયો છે.
સમગ્ર રાજ્યમાં અત્યારસુધી સીઝનમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ થયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં હજી વરસાદની ઘટ જોવા મળી રહી છે. રાજ્યમાં સીઝનનો કુલ 474.68 મિમી એટલે 56.51 ટકા વરસાદ નોંધાયો છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર