જામનગર: રાજ્યમાં કોરોના વાયરસના ખૂબ ઘાતક માનવામાં આવતા ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant)ની એન્ટ્રી થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકા (South Africa)થી આવેલા જામનગરના 72 વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona positive) આવ્યો છે. હાલ જામનગરની ગુરુ ગોવિંદસિંહ હૉસ્પિટલ (G.G. Hosptial Jamnagar) ખાતે સારવાર ચાલી રહી છે. એક અંદાજ પ્રમાણે વિશ્વમાં 29 કરતા વધારે દેશોમાં ઓમિક્રોન ફેલાઈ ગયો છે. હવે ભારતમાં પણ તેની એન્ટ્રી થઈ ગઈ છે. આ વેરિઅન્ટને ખૂબ જ ઘાતક માનવામાં આવે છે. કારણ કે આ વાયરસ ડેલ્ટા કરતા પાંચ ગણો વધારે ઝડપે ફેલાતો હોવાનું વૈજ્ઞાનિકોનું તારણ છે. મળતી માહિતી પ્રમાણે આ વ્યક્તિએ કોરોનાના વેક્સીનના બંને ડોઝ લઈ લીધા છે. હાલ તેની તબિયત સ્થિર હોવાનું જામનગર કલેક્ટરે જણાવ્યું છે.
વૃદ્ધ સારવાર હેઠળ
ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકાનો ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા જામનગરના મોરકડા ગામના 72 વર્ષીય વૃદ્ધે ગળામાં ખરોચની ફરિયાદ કરી હતી. જે બાદમાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વૃદ્ધ હાઈસિસ્કવાળા દેશમાંથી આવ્યા હોવાથી તેમનું સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું હતું. વૃદ્ધને સારવાર માટે જી.જી.હૉસ્પિટલના અલગ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે વૃદ્ધનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવતા જામનગરમાં ફફડાટ ફેલાયો છે.
પરિવારના સભ્યોનો રિપોર્ટ નેગેટિવ
વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હેલ્થ ખાતાએ તાબડતોડ તેમના પરિવારના અન્ય સભ્યોનો કોરોના રિપોર્ટ કર્યો હતો. જોકે, સદનસિબે તમામ લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જોકે, કોવિડ માર્ગદર્શિકા પ્રમાણે તેમને પણ ક્વૉરન્ટિન કરવામાં આવ્યા છે. તાજેતરમાં મળેલા સમાચાર પ્રમાણે વૃદ્ધ જે વિસ્તારમાં રહે છે તેને માઇક્રોકન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરી દેવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે જામનગરના આ વૃદ્ધ આફ્રિકન દેશ ઝિમ્બાબ્વેમાં વર્ષોથી સ્થાયી થયા છે. ગત 28 નવેમ્બરના રોજ તેઓ તેમના સસરાને મળવા માટે જામનગર આવ્યા હતા. અહીં આવ્યા બાદ તેમને સતત તાવ રહેતો હતો. જે બાદમાં ડૉક્ટરે આરટી-પીસીઆર ટેસ્ટ કરવાની સલાહ આપી હતી. જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદમાં વૃદ્ધને જી.જી. હૉસ્પિટલ ખાતે આઈસોલેટ વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. સાથે જ હેલ્થ વિભાગે દર્દીના સંપર્કમાં આવેલા અન્ય લોકોની શોધખોળ ચાલુ કરી હતી અને તેમના રિપોર્ટ કરવાની કાર્યવાહી આરંભી હતી. ઉલ્લેખનીય છે કે કર્ણાટક રાજ્યમાં પણ બે વ્યક્તિઓના ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
UKથી અમદાવાદ આવેલી ફ્લાઇટમાં એક પ્રવાસી કોરોના પોઝિટિવ આવ્યો
દેશમાં કોરોનાના કેસ હાલમાં ઓછા થયા છે. જોકે, આ દરમિયાન દક્ષિણ આફ્રિકા (South Africa)માં કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ સામે આવતા ફરીથી ડર ફેલાયો છે. આ દરમિયાન ગઈકાલે શુક્રવારે યુકેથી અમદાવાદ (UK-Ahmedabad flight) આવેલા એક પ્રવાસીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (RT-PCR Report) આવતા તંત્રની ચિંતા વધી છે. હાલ આ પ્રવાસીને ક્વૉરન્ટીન કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ તેની આસપાસમાં બેઠેલા મુસાફરોને પણ કેન્દ્ર સરકારની ગાઇડલાઈન પ્રમાણે તમામ નિયમો પાળવાની સૂચના આપી દેવામાં આવી છે. ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant)ને લઈને હાલ અમદાવાદ તંત્ર સજ્જ બન્યું છે. એરપોર્ટ પર આંતરાષ્ટ્રીય ફલાઈટ (Ahmedabad International Airport)માં આવતા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. હાઇરિસ્ક વાળા 11 દેશમાંથી આવતા લોકોના ફરજીયાત ટેસ્ટિંગ થઈ રહ્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર