રાજકોટ : તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે હતા. ત્યારે આ મુલાકાતને ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીલક્ષી ગણવામાં નહોતી આવી. પરંતુ જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના કાર્યક્રમો રહ્યા હતા. જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સતત બે દિવસ સુધી રોડ શો કરવામાં આવ્યા હતા. તે જોઈ તેમની મુલાકાત અને તેમના કાર્યક્રમો ચોક્કસ આગામી ચૂંટણીની તૈયારીના ભાગરૂપે હોય તેવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે. એક તરફથી ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી યોજાઈ તેના મહિનાઓ પૂર્વે થી જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આગેવાનો કાર્યકર્તાઓમાં રણશીંગુ ફૂંકી દીધું હોય તે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય ગુજરાતની મુલાકાત રહી છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ નરેશ પટેલના સહારે 2022ની ચૂંટણી લડવા માંગતી હોય તે પ્રકારના એક બાદ એક નિવેદન તેમજ ટ્વીટ સામે આવી રહ્યા છે.
ગુજરાત કોંગ્રેસના 25 ધારાસભ્યો દ્વારા લખવામાં આવ્યો રાહુલ ગાંધીને પત્ર
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ સીટ સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાંથી મળી હતી. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની જોરશોરથી હવા ચાલી રહી હતી. પરંતુ આજે તે હવા નથી રહી આ વાત ખુદ કોંગ્રેસના મોરબી ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાએ કબૂલી છે.
મીડિયા સાથેની વાતચીતમાં મોરબી ટંકારા ધારાસભ્ય લલિત કગથરાએ જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસના 25 જેટલા ધારાસભ્યો દ્વારા રાહુલ ગાંધીને પત્ર લખવામાં આવ્યો છે. રાહુલ ગાંધી જ્યારે દ્વારકા આવ્યા હતા ત્યારે પણ અમે તેમને રૂબરૂ મળવાના હતા પરંતુ સંજોગો વસાત અમે તેમને મળી શક્યા નહોતા.
વર્ષ 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ કઈ રીતે ગુજરાતમાં જીતી શકે છે તે બાબત અંગે ચર્ચા કરવામાં આવી છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની હવા હતી જેથી કોંગ્રેસને સારી સીટ મળી હતી.
2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સૌથી વધુ સીટ સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાંથી મળી હતી. પરંતુ 2017માં જે પ્રમાણે કોંગ્રેસ માટે એક વાતાવરણ તૈયાર થયું હતું.
તે પ્રકારનું કોઈપણ વાતાવરણ હાલ આગામી વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જોવા નથી મળી રહ્યું. ત્યારે આગામી ચૂંટણીમાં કઈ રીતે લડવું કયા મુદ્દે લડવું તે બાબત અંગે રાહુલ ગાંધીને પત્ર લખવામાં આવ્યો છે.
નરેશ પટેલ રાજકોટના પૂર્વ રાજવી મનોહર સિંહ જાડેજાના વખતથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા
નરેશ પટેલ અંગે વાતચીત કરતા લલિત કગથરાએ જણાવ્યું છે કે, નરેશ પટેલને આવકારવા કોંગ્રેસ તૈયાર છે. નરેશભાઈ કોંગ્રેસ પક્ષમાં આવતા હોય તો તેનાથી વધુ બીજું સારું શું હોઈ શકે? રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહ જાડેજાના વખતથી નરેશ પટેલ અને તેમનો પરિવાર કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલો છે.
ઇશુદાન ગઢવી પણ નરેશ પટેલ ને આવકારવા થનગની રહ્યા છે
ઉલ્લેખનીય છે કે, શનિવારના રોજ આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી સહિતના નેતાઓ રાજકોટમાં હતા. રાજકોટમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી આ તકે મીડિયા સાથેની વાતચીતમાં આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી એ જણાવ્યું હતું કે, નરેશભાઇ પટેલે ન માત્ર લેઉવા પાટીદાર સમાજનું ઉત્થાનનું કાર્ય કર્યું છે. પરંતુ તમામ જ્ઞાતિ તમામ સમાજનું પણ ઉત્થાનનું કાર્ય નરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. નરેશભાઈ પટેલ જેવા પ્રામાણિક અને સ્વચ્છ છબી ધરાવનારા વ્યક્તિ માટે આમ આદમી પાર્ટી જ શ્રેષ્ઠ વિકલ્પ છે. ત્યારે નરેશભાઇ પટેલને આમ આદમી પાર્ટીમાં લેવા માટે અમે સૌ કોઈ આતુર છીએ.
સી.આર.પાટીલ બે વખત લઈ ચૂકયા છે નરેશ પટેલના ઘરે મુલાકાત
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પૂર્વે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. આ સમયે પણ તેઓએ નરેશભાઈ પટેલના ઘરે જઈ તેમની મુલાકાત કરી હતી. મુલાકાત આ અંગે મીડિયામાં અહેવાલ પણ પ્રસારિત થયા હતા. પરંતુ સી.આર.પાટીલની નરેશ પટેલ સાથે તેમના ઘરે આ બીજી મુલાકાત હોવાનું વિશ્વસનીય સૂત્રો પાસેથી માહિતી મળી છે. સી.આર.પાટીલ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ નરેશ પટેલના ઘરે આવ્યા હતા. ત્યારે નરેશ પટેલ સાથે તેમણે ભોજન પણ લીધું હતું તેમજ દોઢ કલાકથી વધુનો સમય પણ બંને સાથે વિતાવ્યો હોવાનું પણ વિશ્વસનીય સૂત્રો પાસેથી માહિતી મળી છે. આમ, ભાજપ કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી ત્રણેય નરેશ પટેલને પોતાની સાથે સમાવવા શક્ય તેટલા પ્રયત્નો કરી રહી છે.
શું ગુજરાત કોંગ્રેસને તાજેતરમાં પરિણામોથી ડર લાગ્યો છે?
2017ની વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં 2019માં લોકસભાની ચૂંટણી યોજાઈ. ત્યારબાદ વર્ષ 2020માં મહાનગરપાલિકા નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ યોજાઈ. ગ્રામ પંચાયતની ચૂંટણી ચોક્કસ પક્ષના સિમ્બોલ પર નથી લડાતી ત્યારે ગ્રામ પંચાયતની ચુંટણીને બાદ કરતાં તમામ ચૂંટણીમાં કોંગ્રેસની શરમજનક હાર થઈ છે. તેમજ તાજેતરમાં જ ગોવા, મણિપુર, ઉત્તરાખંડ, પંજાબ તેમજ ઉત્તર પ્રદેશના વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે. આ તમામ રાજ્યોમાં કોંગ્રેસની શરમજનક હાર થઈ છે. એક પણ રાજ્યમાં કોંગ્રેસ પોતાની સરકાર બનાવી શકે તેમ નથી. ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં કોંગ્રેસ વિપક્ષમાં પણ સ્થાન નથી પામી શકી.
" isDesktop="true" id="1188526" >
આ તમામ ચૂંટણીના પરિણામો ત્યારે આવ્યા કે, જ્યારે છેલ્લા બે વર્ષથી ભારતભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો હતો. મોંઘવારી કૂદકેને ભૂસકે વધતી જોવા મળી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ સો રૂપિયાની નજીક પહોંચ્યા હતાં. આ તમામ મોંઘવારીના મુદ્દા તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારમાં જનતા સમક્ષ મુક્યા હોવા છતાં પણ જનતાએ પાંચ રાજ્યો પૈકી 4 રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બને તે પ્રમાણે પોતાનું મતદાન કર્યું છે. ત્યારે આગામી ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં નરેશ પટેલ નામની નાવમાં સવાર થઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ચૂંટણી લડવી હોય તે પ્રકારનાં નિવેદનો જોવા મળી રહ્યા છે. ત્યારે આવનારો સમય જ બતાવશે કે, નરેશ પટેલ આખરે કોના?