જુનાગઢ: રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (Gujarat CM Vijay Rupani clarification on Oxygen) દાવો કર્યો છે કે, ગુજરાતમાં કોરોના કાળ (Coronavirus Pandemic) દરમિયાન ઓક્સિજનની અછતના કારણે એકપણ દર્દીનું મોત નથી થયું. આ સાથે એ પણ જણાવ્યું કે, હજુ કોરોના ગયો નથી અને ત્રીજી લહેરની સંભાવના છે. ત્યારે આગામી મહિનાઓમાં આવતા તહેવારોમાં યોજાતા મેળાને કદાચ મંજૂરી ન પણ મળી શકે. આ સાથે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા માટે તેમણે જણાવ્યું કે, પ્રાથમિક શિક્ષણ ઓફલાઈન શરૂ કરવું કે નહીં તે અંગે પણ આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે.
'વિપક્ષ લોકોને ભ્રમિત કરે છે'
સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાતમાં ઓક્સિજન ના પહોંચ્યો હોય અને દર્દીઓ મૃત્યુ પામ્યા હોય તેવો એકપણ બનાવ બન્યો નથી. વિપક્ષ લોકોને ભ્રમિત કરવા ખોટી વાતો ફેલાવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, સરકારે પૂરતી વ્યવસ્થા કરી હતી. કોરોનાની ત્રીજી લહેર આપણે ઇચ્છીયે કે આવે નહીં તે જોતા ભીડ એકત્ર ના થાય તે બાબત સરકારની પ્રાથમિકતા છે. આ સાથે સીએમ રૂપાણીએ જૂનાગઢની મુલાકાત લઇને જૂનાગઢના જાણીતા સ્થળોને સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ટૂરિઝમ વિકાસ અને સર્કિટને જોડવા અને પર્યટકો માટે સુવિધા વધારવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.
'કેન્દ્ર સરાકરે રાજ્યો દ્વારા જે ડેટા આપવામાં આવ્યા તે રજૂ કર્યા છે '
ઓક્સિજનનાં કારણે કોરોનામાં એકપણ મોત નથી આ નિવેદન બાદ રાજકારણ ભારે ગરમાયું છે. વિરોધ પક્ષો આ નિવેદન પર અનેક પલટવાર કરી રહ્યાં છે. ત્યારે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ હતુ કે, સરકાર તરફથી સંસદમાં જે ઉત્તર આપવામાં આવ્યો છે તેમાં ત્રણ વાત સ્પષ્ટ છે. સ્વાસ્થ્ય એ રાજ્યોનો વિષય છે. કેન્દ્ર સરાકરે રાજ્યો દ્વારા જે ડેટા આપવામાં આવ્યા તે જ રજૂ કર્યા છે અને કોઈ પણ રાજ્યે ઓક્સિજનની કમીથી મોત થયુ હોવાનુ કહ્યુ ન હતુ.
તેમણે વધુમાં એ પણ કહ્યુ હતુ કે, રાહુલ ગાંધી માત્ર ટ્વિટર ટ્રોલની જેમ કામ કરી રહ્યા છે અને લોકો વચ્ચે ભ્રમ ફેલાવી રહ્યા છે. જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે તેમણે પણ ઓક્સિજનથી કોઈ મોત નહીં થયુ હોવાનુ કહ્યુ છે. નોંધનીય છે કે, કોરોનાની બીજી લહેર પ્રચંડ હતી ત્યારે આખા દેશમાં સૌથી મોટુ સંકટ ઓક્સિજનનુ અને હોસ્પિટલ બેડની અછતનુ હતુ.
લોકોની ઓક્સિજન માટે મારામારી આખા દેશમાં જોવા મળી હતી અને સુપ્રીમ કોર્ટે પણ દરમિયાનગીરી કરવી પડી હતી. અનેક લોકો સોશિયલ મીડિયામાં પણ ઓક્સિજન માટે મદદ માંગી રહ્યાં હતા.