Home /News /gujarat /Sucess Story: ગીરનો આ ખેડૂત પ્રાકૃતિક ખેતી કરીને એક વીઘે મેળવે છે 80થી 90 હજાર જેટલો નફો

Sucess Story: ગીરનો આ ખેડૂત પ્રાકૃતિક ખેતી કરીને એક વીઘે મેળવે છે 80થી 90 હજાર જેટલો નફો

ખેડૂતની તસવીર

બજાર ભાવ કરતાં ત્રીસથી ચાલીસ ટકા અમોને વધુ ભાવ મળે છે.અને ખેતી ખર્ચ નજીવો આવે છે.તેઓ દ્રઢપણે માને છે કે, 'ખેતી મોંઘી નથી,જો ખેતી કરતા આવડે તો..'

  દિનેશ સોલંકી, ગીર સોમનાથ: ગીરના રોણાજ ગામનાં પ્રગતિશીલ ખેડૂતે હાથ ધર્યું અનોખું અભિયાન. પ્રાચીન પરંપરા અને આધુનિક ટેક્નોલોજીનો સમન્વય કરી વિપુલ માત્રામાં ઉત્પાદન મેળવ્યું છે. રાસાયણિક ખાતરોને તિલાંજલિ આપીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી શેરડી, મગફળી,ઘઉં,બાજરી સહિતનાં પાકોનું વાવેતર કરીને ઉત્તમ પ્રકારનું અનાજ મેળવી અન્ય ખેડૂતો માટે પણ દિશાસૂચક બન્યા છે.

  પ્રાકૃતિક ખેતી અંગેનુું અભિયાન

  ગીર સોમનાથ જિલ્લાનાં જે વિસ્તારને લીલી નાઘેર તરીકે ઓળખવામાં આવે છે તે વિસ્તાર એટલે કોડીનારનો વિસ્તાર અને આ ભૂમિ પર દુષ્કાળ આજે પણ જોજનો દૂર રહ્યો છે. આ ભૂમિનાં કેટલાક ધરતીપુત્રો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરીને કરી રહ્યા છે. ગાય આધારિત ખેતીનાં પ્રણેતા સુભાષ પાલેકરજીએ પ્રાકૃતિક ખેતી અંગે જે અભિયાન શરૂ કર્યું છે. તેને બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને શિક્ષિત યુવા ખેડૂતો તેનું અમલીકરણ તરત કરી રહ્યા છે.

  આ રીતે બનાવેલું ખાતર બગડતું નથી

  કોડીનાર તાલુકાનાં રોણાજ ગામનાં શિક્ષિત યુવાને છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી ઉમદા પ્રકારનું અનાજ મેળવી સારી એવી કમાણી કરી છે. આ યુવાન છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છે. જેમાં ગાયનું છાણ સુકવી તેનો પાઉડર બનાવી તેમાં ગૌમૂત્ર સાથે અન્ય વનસ્પતિનો ઉપયોગ કરી તેને મિશ્ર કરી છાયડે સુકવી અને દેશી ખાતર બનાવે છે. આ તૈયાર થયેલા ખાતરની બોરી ભરી આખું વર્ષ સાચવી રાખે છે. આ રીતે બનાવેલું ખાતર બગડતું નથી. વર્ષમાં જરૂરિયાત મુજબ પાકમાં તેનો ઉપયોગ કરે છે.

  ખેડૂતની તસવીર


  શક્તિવર્ધક અનાજ ઉત્પન્ન થાય

  આ પ્રકારે બનેલા ખાતરને ઘન જીવામૃત કહેવામાં આવે છે. આને કારણે ઘઉં,બાજરી અને અન્ય ધાન્ય પાકોનું સારૂ એવું ઉત્પાદન થાય છે.આ પ્રકારે તૈયાર થયેલા અનાજમાં ક્યારેય પણ જંતુનાશક દવાઓ કે, રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવતો નથી. જેથી જમીનમાં નુકશાન થતું નથી અને શક્તિવર્ધક અનાજ ઉત્પન્ન થાય છે. જે માનવમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. સામે પૌષ્ટિક પણ છે.

  વૈજ્ઞાનિક અને વૈદિક રીતે કરે છે ખેતી

  કોડીનારનાં રોણાજ ગામનાં સ્નાતક અને જન્મથી ખેડૂત એવા યુવાન છેલ્લા 5 વર્ષથી ખેતી કરી રહ્યા છે. આ પહેલા તેમના પિતા ખેતીનાં વ્યવસાય સાથે સંકળાયેલા હતા. એક ખેડૂતનો જીવ અને સ્નાતક યુવા ખેડૂત આજે તેમના ખેતરમાં વૈદિક પરંપરા અનુસાર ખેતી કરી રહ્યા છે. પોતાનાં ખેતરમાં જે કઈ પણ પાકો વાવ્યા હોય તેમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળવો જોઈએ તેવું આધુનિક ખેતી દ્વારા જાણવા મળ્યું. જમીનમાં પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન હોય અને ઉપરથી યોગ્ય માત્રામાં ઓક્સિજન મળી રહે તો પાકની માવજત ઓછી કરવી પડે છે.  બદલામાં સારા ઉતારા મળતા વધુ સારું આર્થિક હૂંડિયામણ પણ મળી શકે છે.જેને લઈને આ યુવા ખેડૂત દ્વારા ધાન્ય પાકોનું સફળ વાવેતર કરીને છોડમાં દેશી ગીર ગાયનાં છાણ અને ગૌમુત્ર તેમજ ગોળ,રાફડાની માટી,કઠોળ અને પાણીનું મિશ્રણ કરી જીવામૃત બનાવી તેનો ખાતર તરીકે ઉપયોગ કરે છે.

  આ રીતે બનાવે છે જીવામૃત

  સાથે શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નિમાસ્ત્ર, અગ્નિઆસ્ત્ર અને દશપરણીનો પણ ઉપયોગ કરી જીવામૃત બનાવે છે. તેનો ઉપયોગ પોતાના ખેતરમાં રહેલા પાકોમાં કરી આ ખેડૂત શુદ્ધ તથા આરોગ્યપ્રદ ઘઉં,બાજરી, મગફળી અને શેરડી જેવા પાકોનું મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે. તેઓ પ્રાકૃતિક ખેતી કરી તેના દ્વારા ધાન્ય પાકોમાં પોષણ વ્યવસ્થા અને કીટ  નિયંત્રણ કરે છે. આ યુવા ખેડૂત પોતાના ખેતરમાં ઉત્પાદિત પ્રાકૃતિક અનાજનું પ્રોસેસિંગ અને ગ્રેડિંગ કરી સોશ્યલ મીડિયાના માધ્યમથી પોતાના પાકનો પ્રચાર કરે છે કે, જહેર મુક્ત ખેતી દ્વારા ઉત્પાદિત થયેલું અનાજ ' જેને સારો એવો પ્રતિસાદ સાપંડે છે.અમારા કાયમી ગ્રાહકો બંધાય છે.બજાર ભાવ કરતાં ત્રીસથી ચાલીસ ટકા અમોને વધુ ભાવ મળે છે.અને ખેતી ખર્ચ નજીવો આવે છે.તેઓ દ્રઢપણે માને છે કે, 'ખેતી મોંઘી નથી,જો ખેતી કરતા આવડે તો..'

  ખેડૂત 1 વિઘા જમીન માંથી 80 થી 90 હજાર રૂપિયા જેટલો નફો રળે છે

  સરકાર દ્વારા ખેડૂતોને આધુનિક ખેતી કરવા પ્રોત્સાહિત કરવા માટે ખેડૂત લક્ષી વિવિધ યોજનાઓ,કાર્યશાળાઓ અને તાલીમ આપવામાં આવે છે.જે દરેકમાં વિજયભાઈ હોંશભેર ભાગ લે છે.સરકારી યોજનાઓ જેવીકે કોઈ ખેડૂત પ્રાકૃતિક ખેતી કરવા માગતો હોય તો તેને ગાયનાં નિભાવ ખર્ચ માટે સરકાર દ્વારા  મહિને 900 રૂપિયા એટલેકે વર્ષના 10 હજારથી વધુની રકમ સરકાર દ્વારા ખેડૂતના ખાતામાં પ્રોત્સાહન રૂપે જમા કરવામાં આવે છે.ખેડૂતે માત્ર આઇ પોર્ટલ પર જઈ અરજી કરવાની રહે છે.એટલું જ નહિ પરંતુ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે સરકારે ફાર્મર પ્રોડયુસર ઓર્ગેનાઇઝેશન (FPO) નામનું સંગઠન પણ બનાવ્યું છે.જેમાં 11 સભ્યો અને 289 સભાસદો હોય છે.જેનાથી ખેડૂતોના માલનું ખેડૂતો જ પ્રોસેસિંગ કરી પોતાનો માલ બજારમાં વહેંચી શકે છે.જેથી નાના ખેડૂતોને પણ પણ ખૂબ મોટો ફાયદો થાય છે.આ શિક્ષિત યુવા ખેડૂતે પોતાની જમીનમાં પ્રાકૃતિક ખેતી વડે વિવિધ પાકોનું વાવેતર કરી અઢળક કમાણી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણા રૂપ બન્યા છે. આ પ્રગતિશીલ ખેડૂત 1 વિઘા જમીન માંથી 80 થી 90 હજાર રૂપિયા જેટલો નફો રળે છે.

  આ પણ વાંચો - ગુજરાતમાં ઠંડી વધશે અને કમોસમી વરસાદ દિવાળી બગાડશે? જાણો શું કહે છે આગાહી

  માનવ જીવન માટે આ ઉત્પાદન હાનિકારક બનતું નથી

  એક સર્વે અનુસાર સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં 70 થી 80 ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરી સારી કમાણી કરી રહ્યા છે.એક સમય એવો આવશે કે પોતાની જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા તમામ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે.પ્રાકૃતિક ખેતી કરવાથી જમીન સારી રહે છે.તદ્દ ઉપરાંત ખેતી ખર્ચ બચે છે.લોકોમાં જાગૃતતા આવી છે.આથી પ્રાકૃતિક ઉત્પાદનોનો સારો ભાવ પણ મળે છે. રસાયણોનો ઉપયોગ ન થતો હોવાને કારણે માનવ જીવન માટે આ ઉત્પાદન હાનિકારક બનતું નથી.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gir-somnath, Good story, Inspirational, ખેડૂત, ગુજરાત

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन