Home /News /gujarat /

ગીર: કેસર કેરીના રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે ઉત્પાદન ઘટશે

ગીર: કેસર કેરીના રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે ઉત્પાદન ઘટશે

કેસર કેરીનું ઉત્પાદન ઘટશે

Gujarat News: છેલ્લા ઘણા વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની અસર અને કુદરતી આફતોને કારણે ગીરમાં કેસર કેરીના ઉત્પાદનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

  દિનેશ સોલંકી, ગીર: આ વર્ષે નહિ પાકે ઉતાવળે આંબા. ગીરમાં (Gir Kesar Keri) હજારો હેકટર જમીનમાં કેસર કેરીના (Kesar Keri) બગીચાઓ આવેલા છે.જેનાથી ગીરના ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની અસર અને તાઉતે વાવાઝોડા ની અસરનાં કારણે કેસર કેરીના ઉત્પાદકો ની માઠી દશા બેઠી છે.ચાલુ વર્ષે કેસર કેરીના રસિકોને પણ કેરી કડવી લાગશે.

  ગીર વિસ્તારનાં આંબાનાં બગીચાઓમાં હાલ વિચિત્રતા જોવા મળી રહી છે. એકજ આંબા પર મોર, નાની ખાખડી અને મોટી કેરી પણ જોવા મળી રહી છે.તો ભૂકીછારો અને મધિયાનો રોગ પણ ખેડૂતોને સતાવી રહ્યો છે. ગરમી વધવાને કારણે રોગ પર તો કુદરતી કાબુ આવી રહ્યો છે. પરંતુ આ વર્ષ કેસર કેરીનું ઉત્પાદન ઘટશે તે વાત નક્કી બની છે. આથી કેસર કેરીના ભાવ આસમાને આંબશે અને કેસર રસિયાઓ માટે કેસર કડવી બનશે તેવું દર્શાઈ રહ્યું છે.

  ગીર વિસ્તારનાં જ્યાં હાલ 35થી 40 ડિગ્રી તાપમાનનો પારો છે. જેમ જેમ તાપમાન વધે તેમ કેસર કેરીના બગીચાઓમાં વૃદ્ધિ થતી હોય છે. પણ ગત વર્ષે તૌકતે વાવાઝોડાએ ગીરનાં આંબાવાડિયા ઓને ખેદાન-મેદાન કરી નાખ્યા હતા. આંબાનાં મૂળ હલી ગયા હોય મોટાભાગના બગીચાઓમાં આવરણ ઓછું આવ્યું હતું.

  વાતાવરણની વિષમતાને કારણે હજુ પણ એકજ આંબામાં હજુ મોર પણ છે નાની ખાખડી પણ છે અને મોટી કેરી પણ જોવા મળી રહી છે.આથી આ વર્ષ પેલી કહેવતની જેમ 'ઉતાવળે આંબા નહિ પાકે.' આથી કેસર રસિયાઓ માટે માઠા સમાચાર છે. કેરીનું ઉત્પાદન ચોક્કસ ઘટશે અને ભાવો પણ ખૂબ ઊંચા રહેશે.

  કેસર કેરીનું ઉત્પાદન ઘટશે


  કેસર કેરીને લઈને ખેડૂતો ઈજારદાર અને વેપારી ઓ છેલ્લા કેટલાક વર્ષોથી દુઃખી છે. પેલી કહેવત વર્તમાન સમયમાં સાર્થક થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે...'ગોળ,કેરી અને કાંદા,તેના વેપારી કાયમ માંદા..' દર વર્ષ તાલાળા મેંગો માર્કેટમાં સરેરાશ 8 થી 10 લાખ કેસરનાં બોક્સ આવે છે. જે આ વર્ષ માત્ર 4 થી 5 લાખ બોક્સ આવવાની સંભાવના ખેડૂતો અને વ્યાપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. તો બીજી તરફ કેસર કેરીના બાગાયતી પાક પર નિર્ભર ખેડૂતો પાયમાલી તરફ ધકેલાયા છે અને પોતાનું ઘરનું ગુજરાન ચલાવું પણ મુશ્કેલ બન્યું છે.

  છેલ્લા ઘણા વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની અસર અને કુદરતી આફતોને કારણે ગીરમાં કેસર કેરીના ઉત્પાદનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જે ચિંતાનો વિષય છે. કેમ આંબાના ઝાડ માત્ર કેરી જ નથી આપતા પણ આજના પ્રદૂષિત વાતાવરણમાં પણ એટલો જ ભાગ ભજવી રહ્યા છે. કેમ કે, તે આખરે એક વ્રુક્ષ છે. અને આ વૃક્ષોની કિંમત આપણે કોરોનાકાળમાં ઘટતા ઑક્સિજન ની અસર સમયે બહુ સારી રીતે સમજાય ગઇ છે. ત્યારે જોઈએ છેલ્લા પાંચ વર્ષમાં તાલાળા મેંગો માર્કેટમાં કેસરનાં બોક્સની આવક.

  કેસર કેરીનું ઉત્પાદન ઘટશે


  ★વર્ષ 2016-17 માં 10,66,860 બોક્સની આવક સામે પ્રતિ બોક્સનો સરેરાશ ભાવ-283/-રૂપિયા. (એક બોક્સમાં 10 કિલો કેરી ભરવામાં આવે છે.)

  ★વર્ષ 2017-18 માં 10,67,755 બોક્સની આવક સામે પ્રતિ બોક્સનો સરેરાશ ભાવ -265/-રૂપિયા.

  ★વર્ષ 2018-19 માં 08,30,340 બોક્સની આવક સામે પ્રતિ બોક્સનો સરેરાશ ભાવ -310/-રૂપિયા.

  ★વર્ષ 2019-20 માં 07,75,395 બોક્સની આવક સામે પ્રતિ બોક્સનો સરેરાશ ભાવ -345/-રૂપિયા.

  ★વર્ષ 2020-21 માં 06,87,931 બોક્સની આવક સામે પ્રતિ બોક્સનો સરેરાશ ભાવ -375/-રૂપિયા રહ્યો હતો.

  આ પ્રમાણે જોવા જઈએ તો છેલ્લા પાંચ વર્ષમાં ગીર વિસ્તારમાં કેરીનું ઉત્પાદન ઘટતું ગયું છે.તેમ ભાવ થોડા વધ્યા પણ છે.

  ગીરમાં કેસર કેરીનાં આંબાઓમાં ગત વર્ષે ફૂંકાયેલા વાવાઝોડાની અસરથી ગીરમાં ઉના-ગીરગઢડા અને કોડીનાર તાલુકામાં વૃક્ષોમાં તારાજી સર્જાઈ હતી. વાવાઝોડાની અમર્યાદિત પવનની ઝડપમાં આંબાનાં મૂળ તૂટી જવા સાથે મુળિયામાં હલચલ થતા આંબાવાડીઓમાં દર વર્ષે ચાલતી ક્રિયાની કુદરતી સાઇકલ ખોરવાઇ ગઈ છે. જેના કારણે આંબામાં મોર ઓછા ફૂટતા અને જે મોર ફૂટ્યાં તે આખરી તબક્કામાં ફૂટ્યાં તો ખેડૂતોમાં બંધારણની ફરિયાદ હતી.

  નવેમ્બર માસથી આંબાઓમાં મોર ફુટવાની પ્રક્રિયા શરૂ થતાં ખેડુતોએ આંબામાં આવતાં રોગ મધિયો, ફૂગ, કથીરી જેવા રોગો સામે દવાનો છટકાવો કર્યા. જોકે હાલ ગીરમાં 35 થી 40 ડિગ્રી તાપમાનમાં રોગો તો દૂર થઈ રહ્યા છે. શરૂઆત ના પ્રથમ તબક્કાનું જે ફલાવરિંગ આંબા ઓમાં થયું હતું તેમ કેરી બંધાઈ ચુકી હતી પણ માવઠું થવાને કારણે તેમાં નુકશાન ગયું.હાલમાં ત્રણ તબક્કાનું ફલાવરિંગ આંબાઓમાં જોવા મળી રહ્યું છે. શરૂઆતની કેરી 20 થી 30 દિવસમાં પાકી જશે.જેનો શરૂઆતી ભાવ 1500 થી 2 હજાર રૂપિયા પ્રતિ બોક્સનો રહેશે.બીજા તબક્કાની કેસરનો ભાવ પણ ઉંચોજ રહેવા પામશે.જ્યારે ત્રીજા તબક્કાની કેરી જૂજ માત્રામાં બજારમાં આવશે ત્યારે ચોમાસું આંબી જવાની સંભાવના રહેલી છે.માટે ત્યારે પણ ભાવ ઊંચા રહેશે.જો ભાવ ઘટી જાય તોખેડૂતો ને મોટી નુકશાની જઈ શકે. ઓછા ઉત્પાદનને કારણે ભાવો તો જળવાઈ રહેશે. પણ ખર્ચના પ્રમાણમાં ખેડૂતો અને ઇજારદારની આવક ઘટી રહી છે.

  ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ 2019-20 માં 16 હજાર હેકટરમાં આંબાનાં બગીચા ઓ હતા. જેમાં તાઉતે વાવાઝોડાને કારણે 2200 હેકટરમાં આંબાઓનો નાશ થયો અને મોટાપાયે નુકશાની થઈ હતી. આથી હાલમાં 13800 હેકટર જમીનમાં આંબાનું વાવેતર ગીર વિસ્તારમાં છે. આ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષમાં વાવાઝોડું, માવઠાઓ,ઝાંકળ,કમૌસમી વરસાદ અને રોગ જીવાતને કારણે 150 થી 200 હેકટર જમીન માંથી આંબા કાપી અને ખેડૂતોએ પોતાની જમીનમાં બીજા પાકો વાવ્યા છે. વર્તમાન સમયમાં વાતાવરણની વિષમતાને કારણે ગીર વિસ્તારમાં કેસરનું ઉત્પાદન ઘટશે. સામે 10 કિલોનાં એક બોક્સનો ભાવ ન્યૂનતમ 1000 થી 1200 રૂપિયા રહેશે. આમ છતાં ખેડૂતોને પોતાના ઉત્પાદન ખર્ચની સામે યોગ્ય વળતર મળતું નથી.તેવું ખેડૂતો અને કૃષિ નિષ્ણાંતો જણાવી રહ્યા છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: ગીર સોમનાથ, ગુજરાત

  આગામી સમાચાર