કિંજલ કારસરીયા, જામનગર : ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (જી.એસ.એફ.એ.) સૌ પ્રથમ વાર ગુજરાત રાજ્ય ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશિપ-2021નું આયોજન કરી રહ્યું છે. ભાવનગરમાં તા. 07 માર્ચથી 11 માર્ચ સુધી યોજાનારી આ ચેમ્પિયનશિપ ભાવનગરમાં સ્પોર્ટસ્ ઑથોરિટી ઑફ ગુજરાતના સંકુલમાં વુડન કોર્ટ પર રમાશે.
આ સાથે, ફૂટબોલનું આ નવતર સ્વરૂપ પ્રચલિત અને પ્રચારિત કરવાની પહેલ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બને છે. જી.એસ.એફ.એ.ના આયોજનકર્તાઓ એટલા માટે પણ વધુ ઉત્સાહી છે કે ભાવનગરની જ એક કંપની મેસર્સ એક્રિસિલ લિમિટેડ દ્વારા આ ચેમ્પિયનશિપ સ્પોન્સર કરવામાં આવી છે અને ભાવનગરની સ્પોર્ટસ્ ઑથોરિટીના સંકુલમાં તેનું આયોજન થઇ રહ્યું છે.
આ પાંચ દિવસીય ટૂર્નામેન્ટમાં અગિયાર ક્લબો ભાગ લઇ રહી છે. દરેક ટીમ ચાર મેચો રમશે. ઑલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એ.આઇ.એફ.) દ્વારા નિર્ધારિત માપદંડો મુજબ દરેક રાજ્યની આ ટુર્નામેન્ટમાં ઓછામાં ઓછી આઠ ક્લબોએ ભાગ લેવો જોઇએ, પ્રત્યેક ટીમે ત્રણ ત્રણ મેચો રમવી જોઇએ અને ચેમ્પિયનશિપ ઓછામાં ઓછી ચાર દિવસ તો ચાલવી જ જોઇએ.
આ પણ વાંચો - IND VS ENG: આ કારણે બેન સ્ટોક્સ સાથે ઝઘડી પડ્યો હતો વિરાટ કોહલી, સિરાજે કર્યો ખુલાસો
ફૂટસાલ સખત સપાટી (વુડન કોર્ટ) પર રમાતા ફૂટબોલનો એક પ્રકાર છે. ફૂટબોલ પીચ કરતાં તેના કોર્ટ નાનો હોય છે અને મુખ્યત્વે ઇન્ડોર રમાય છે. ફૂટસાલ પાંચ પાંચ ખેલાડીઓની બે ટીમ વચ્ચે રમાય છે, જેમાંથી એક ગોલકીપર હોય છે. મેચ દરમિયાન ખેલાડી જેટલી વાર બદલવા હોય તેટલી વાર બદલી શકાય છે. આ રમત તેની પિચ, બોલ તથા તેના નિયમો, બોલ પરના નિયંત્રણ અને થોડી જગ્યામાં બોલ પાસ કરવાની આવડત પર કેન્દ્રિત છે. તેમાં વારંવાર સુધાર કરવાની તથા સર્જનાત્મકતા અને ટેકનીક વધુ અગત્યની બની જાય છે.
કોવિડને લીધે મેદાની ફૂટબોલનો વિશ્રામ ચાલતો હતો. પરંતુ તે દરમિયાન જી.એસ.એફ.એ. સક્રિય રીતે એ.આઇ.એફ.એફ. સંચાલિત ફૂટબોલનાં વિભિન્ન પાસાંઓ, જેમાં અંગેના ઑનલાઇન સત્રોમાં ભાગ લીધો. ફૂટસાલ પણ તેમાં એક મુખ્ય પાસું હતું. કોચ અને રેફરીઓએ પણ ઑનલાઇન તાલીમ મેળવી હતી. તેના પરિપાકરૂપે તાજેતરમાં સ્ટેટ વીમેન લીગનું આયોજન થયું અને હવે આ ફૂટસાલ ચેમ્પિયનશિપ યોજાય છે. જી.એસ.એફ.એ.ની યાદીમાં આ પ્રકારના ઘણા પ્રસંગો આવવાના છે જેમાં છોકરા-છોકરીઓ માટે બેબી લીગ, સબજૂનિયર, જૂનિયર અને સીનિયર લીગ વગેરે સામેલ છે.