રાજકોટ : કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં તમામ ખાનગી હોસ્પિટલોમાં પણ બેડ ખાલી નથી. ત્યારે સિવિલ હોસ્પિટલની સ્થિતિ પણ ખુબ ગંભીર છે. જો કોરોના પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલ અને બેડ મળી રહે છે તો પણ ઓક્સિજનની અપૂરતી વ્યવસ્થાને કારણે પણ ઘણા દર્દીઓના મોત પણ થઈ જાય છે. આવા કિસ્સાઓને ધ્યાને લઈ રાજકોટમાં અનોખો સેવાયજ્ઞ શરૂ થયો છે.
રાજકોટના બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શાપર વેરાવળ એસોસિએશનના સહયોગથી શહેરમાં અનોખો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. રાજકોટમાં કોવિડ હોસ્પિટલોમાં જગ્યા ન હોવાથી ઘણા બધા દર્દીઓ ઘરે સારવાર લઇ રહ્યા છે. ઘરે સારવાર લેતા દર્દીઓને ઓક્સિજનની પણ જરૂર પડી રહી છે ત્યારે આવા દર્દીઓ માટે ઓક્સિજનના સિલિન્ડર પૂરા પાડવામાં આવી રહ્યા છે. દર્દીઓને ઓક્સિજનની જરૂર હોવાથી તેમના પરિવારજનો અહીં ઓક્સિજન સિલિન્ડર લેવા આવે છે ત્યારે પરિવારજનોને નિશુલ્ક સિલિન્ડર આપવામાં આવે છે.
બોલબાલા ટ્રસ્ટ દ્વારા ફક્ત નજીવી ડિપોઝીટ લઈ સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે. આ સિલિન્ડરનો કોઈ દુરપયોગ ન કરે અને વધુ પ્રમાણમાં દર્દીઓને જરૂરિયાત હોવાથી સિલિન્ડર માટે ડિપોઝીટ રાખવામાં આવી છે. આ ઉપરાંત ત્રણ દિવસમાં ખાલી સિલિન્ડર પરત કરવાનો પણ નિયમ રાખવામાં આવ્યો છે જેથી કરીને વહેલી તકે અન્ય દર્દીઓને પણ આ સિલિન્ડર મળી શકે.
મહત્વનું છે કે કોરોનાના વધતા કેસ અનેકના શ્વાસ થંભાવી દીધા છે. હોસ્પિટલમાં બેડ નથી, દર્દીઓ માટે ઇન્જેક્શન નથી એટલું જ નહીં દર્દીઓની સંખ્યા વધતા હવે ઓક્સિજનની પણ અછત છે. પૈસા દેતા પણ સિલિન્ડર મળતા નથી ત્યારે રાજકોટની સેવાભાવી સંસ્થા બોલબાલા ફરી એક વખત મદદ આવી છે. આજથી રાજકોટમાં 24 કલાક માટે લોકોને નિઃશુલ્ક ઓક્સિજન સિલિન્ડર આપવાનો સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.
શાપરના 4 ઓક્સિજન પ્લાન્ટની મદદ અને દાતાઓના સહયોગ સાથે ઓક્સિજનની જરૂર ધરાવતા દર્દીઓને ઓક્સિજનના બાટલા આપવામાં આવી રહ્યા છે એ પણ માત્ર ડિપોઝીટ લઈને. આ સેવાયજ્ઞમાં શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનો પણ સહયોગ મળ્યો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર