રાજકોટ: જામનગરના (Jamnagar crime) મોટી ખાવડી ગામે વર્ષ 2017માં મોટાભાઈની હત્યા (murder mystery) કરી તેની લાશને દાટી દેનાર શખ્સને દોષિત ઠેરવવામાં ત્રણ વર્ષના બાળકની જુબાનીએ મહત્વની ભૂમિકા ભજવી છે.
જામનગરના એડિશનલ સેશન્સ જજ તેજસ આર દેસાઈએ મંગળવારે આરોપી શિવનાથ રમાકાંત (30)ને આજીવન કેદની સજા ફટકારી હતી. બાળકના માતા-પિતા સાથે કેન્ટીનના ફૂડ બિલ બાબતે અણબનાવ થતાં બાળક અમરજીતનું મોત નિપજાવવાના કેસમાં કોર્ટે રૂ. 17,000નો દંડ પણ ફટકાર્યો હતો.
એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર હેમેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે, અમરજીતના નાના ભાઈ સત્યમના નિવેદને આ કેસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સત્યમ જ પોલીસને તેના ભાઈના હત્યારા સુધી લઈ ગયો હતો. સત્યમ તે સમયે ત્રણ વર્ષનો હતો. હવે 8 વર્ષનો છે.
હેમેન્દ્ર મહેતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સુનાવણી દરમિયાન ન્યાયાધીશ દેસાઈએ સત્યમને ડરના લાગે તે માટે તેની બાજુમાં બેસી નિવેદન નોંધ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે, પીડિતના મૃતદેહને જ્યાં દફનાવવામાં આવ્યો હતો, ત્યાંથી માટીનું મેચિંગ કરીને આરોપી પર મળી આવેલા કાદવ, અન્ય પુરાવાઓ અને પરિવારના સભ્યોના નિવેદનોથી એ સાબિત કરવામાં મદદ મળી હતી કે શિવનાથ જ હત્યારો હતો. કોર્ટે શિવનાથને અપહરણ અને પુરાવાના નાશ માટે પણ દોષી ઠેરવ્યો હતો.
આ કેસની વિગતો મુજબ, શિવનાથ અને મૃતક બાળકના પિતા મનોજકુમાર સખલદેવ (મૂળ બિહારના) મોટી ખાવડીની એક ખાનગી કંપનીમાં મજૂરી કામ કરતા હતા અને કારખાના પાસે આવેલી એક જ લેબર કોલોનીમાં રહેતા હતા. મનોજની પત્ની સુશીલા કેન્ટીન ચલાવતી હતી અને શિવનાથ ત્યાં જમતો હતો. શિવનાથે બે મહિનાથી ભોજનના પૈસા ચૂકવ્યા ન હોવાથી સુશીલાએ તેને બાકી નીકળતી રકમની માંગવાનું શરૂ કર્યું હતું. બાકી બિલની ચુકવણીની સતત માંગથી શિવનાથ ચિડાઈ ગયો હતો.
આ દરમિયાન 31 મે, 2017ના રોજ મનોજના પુત્રો પાંચ વર્ષનો અમરજીત અને 3 વર્ષનો સત્યમ તેમના ઘરની બહાર રમી રહ્યા હતા, ત્યારે શિવનાથે તેમને આઈસ્ક્રીમ ખવડાવવાની લાલચ આપીને પોતાની સાથે લઈ ગયો હતો. બાદમાં શિવનાથ સત્યમને છોડીને અમરજીતને પોતાની સાથે લઈ ગયો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, શિવનાથે પહેલા અમરજીતના મોઢે ડૂચો દઈ મોત નિપજાવ્યું હતું અને ત્યારબાદ તેને વોકળામાં ખાડો કરી દફનાવી દીધો હતો.
ત્યારબાદ અમરજીત ન મળી આવતા તેના માતા-પિતાએ સાંજે મેઘપર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સત્યમને તેના મોટા ભાઈ વિશે પૂછ્યું તો તેણે પોલીસને શિવલાલ તેમને આઈસ્ક્રીમ માટે લઈ ગયા બાદ અમરજીતને ક્યાંક લઈ ગયો હોવાનું કહ્યું હતું. જેથી પોલીસે શિવનાથની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે અમરજીતની હત્યા કરી લાશને દાટી દીધી હોવાની કબૂલાત આપી હતી. શિવનાથ પર અપહરણ, હત્યા અને પુરાવાના નાશનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર