ભાવનગર: ગુજરાતના ભાવનગરમાં (Gujarat, Bhavnagar) આવતી કાલે એટલે 13 ઓગસ્ટનાં રોજ વાહન સ્ક્રેપિંગ (first vehicle scrapping facility) સુવિધા ઉભી કરવા માટેનાં એમઓયુ થવાના છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) આવી રહ્યાં છે. તેઓ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ઉપસ્થિત રહેશે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજરી આપશે. ભારત સરકારનાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈ-વે વિભાગ દ્વારા વ્હીકલ સ્ક્રેપીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત ઇન્વેસ્ટર સમીટ તા.13 ઓગસ્ટને શુક્રવારનાં રોજ સવારે 10.30 કલાકે મેઈન કન્વેન્શન હોલ, મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાનાર છે. આ આયોજન થકી ભારતની વાહન સ્ક્રેપિંગ નીતિને દેશના 300 જેટલા ઓટોમોબાઇલ ડીલરો અને રોકાણકારો સામે પ્રસ્તુત કરવામાં આવશે.
ગુજરાતમાં પહેલીવાર સ્ક્રેપિંગ સુવિધા થશે
ગુજરાતમાં ભાવનગરના અલંગમાં મોટાપાયે જહાજને તોડવાના તેમજ રિસાઇકલિંગ કરવાનો વ્યવસાય ચાલે છે. ત્યાં પહેલીવાર સ્ક્રેપિંગ સુવિધા અલંગ પાસે જ પ્રસ્થાપિત થઇ શકે છે. આ આયોજન એટલા માટે મહત્વપૂર્ણ છે કે, ભારત 15થી 20 વર્ષ જૂનાં વાહનોને ફરજીયાત ફિટનેસ યોજના બનાવી રહ્યું છે. આ પરિક્ષણમાં વિફળ થનારા વાહનોને સ્ક્રેપિંગમાં લઇ જવાશે. આ નીતિ દેશમાં એપ્રિલ 2022થી લાગુ થવાની છે.:
ગુજરાતમાં ઇવેન્ટ દરમિયાન રોકાણકારોની હેન્ડબુકનું અનાવરણ પણ કરવામાં આવશે. ભારત 15-20 વર્ષ જૂનાં વાહનોનું ફરજિયાત ફિટનેસ પરીક્ષણ કરવાની યોજના ધરાવે છે, જે કારણે આ ઇવેન્ટને મહત્વની માનવામાં આવી રહી છે. આ ઇન્વેસ્ટર સમિટમાં ભાવનગરનાં ઘણાં ઉદ્યોગકારો પ્રત્યક્ષ હાજરી આપનાર છે, પરંતુ આ સમિટમાં ભાગ લેવા માટે ગાંધીનગર જઈ શકે તેમ ન હોય તેવા વ્યક્તિઓ માટે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે આ સમિટનાં લાઈવ પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
મહત્તવનું છે કે, દેશમાં પ્રદૂષણ વધારી રહેલા અંદાજે બે કરોડ જેટલા જૂના વાહનોને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર સ્ક્રેપ પોલિસી બનાવી રહી છે ત્યારે ગુજરાતમાં આ સ્ક્રેપ વાહનો માટેનો અલાયદો પાર્ક અલંગમાં બની રહ્યો છે. આ જગ્યાએ સ્ક્રેપ પાર્ક પણ બનાવવામાં આવતાં સ્થાનિક લોકોને મોટાપાયે રોજગારી મળી રહેશે. દેશભરમાં સ્ક્રેપ થયેલા વાહનો ગુજરાતમાં આવશે તેથી રાજ્યમાં નવા ઉદ્યોગ-ધંધાને મોટી તક મળશે. સ્ક્રેપ પાર્ક માટે જે સુવિધા જોઇએ છે તે દરિયાકિનારાના આ વિસ્તારમાં ઉપલબ્ધ છે. કેવા વાહનો સ્ક્રેપ થશે?
નવા નિયમો પ્રમાણે 2005 પહેલાંના વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે. ગુજરાતમાં 2004-05 સુધીમાં નોંધાયેલા ટ્રાન્સપોર્ટ વાહનોની સંખ્યા 10.16 લાખ અને નોન ટ્રાન્સપોર્ટ વાહનોની સંખ્યા 68.01 લાખ છે. ભારતની પોલિસી 1લી ઓક્ટોબર 2021થી લાગુ થશે. નવી સ્ક્રેપ પોલિસીમાં ડીઝલ અને પેટ્રોલના વાહનો માટે 20 વર્ષ સુધી ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. 20 વર્ષથી જૂનાં વાહનો જો ઓટોમેટેડ ફિટનેસ ટેસ્ટમાં પાસ નહીં થાય અને રજીસ્ટ્રેશન રિન્યુ નહીં થાય તો 1લી જૂન 2024થી જે તે વાહનનું રજીસ્ટ્રેશન આપોઆપ રદ્દ થઇ જશે.