રાજકોટ : રાજકોટ (Rajkot)શહેરના કાલાવડ રોડ પર આવેલા વેજાગામમાં ભાડાની રૂમમાં બે વર્ષથી દવાખાનુ ધમધમાવતી 10 ચોપડી ભણેલી રાજકોટની મહિલાને યુનિવર્સિટી પોલીસની (University Police)ટીમે પકડી છે. પોલીસની નજરથી બચવા આ મહિલા સવારે અને સાંજે માત્ર એક એક કલાક જ દવાખાનુ (hospital)ખોલતી હતી અને માત્ર ગામના હોય તેવા લોકોને જ દવા આપી સારવાર કરતી હતી. લોકોની સુવિધા ખાતર ફીના પૈસા બાકી રાખીને પણ સારવાર કરી આપતી હતી. નર્સિંગનો પંદર વર્ષનો અનુભવ હોઇ તેના આધારે તે ડોકટર (Fake female doctor)બની ગયાનું તેણીએ કબુલ્યું હતું.
યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ એ. બી. જાડેજાએ આ અંગે જણાવ્યું હતું કે રાજકોટ ગંગોત્રી મેઇન રોડ પર રાધેક્રિષ્ના સોસાયટીમાં રહેતી મહિલાએ કોઈ પણ મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ડોકટરનું રૂપ ધારણ કરી દવાખાનુ ખોલ્યું હતું. બીમાર લોકોને તપાસી એલોપેથિક દવા આપી લોકોના સ્વાસ્થ્ય સાથે બેદરકારીભર્યુ કૃત્ય કરવા અંગે ગુનો નોંધી દવા, મેડિકલના સાધનો, મોબાઇલ ફોન, રોકડ મળી રૂ. 20712 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે કાલાવડ રોડ પરના વેજાગામમાં એક મકાનમાં આગળના ભાગે આવેલી રૂમમાં એક દવાખાનુ ખુલ્યું છે અને તેમાં ડોકટર તરીકે બેસતી મહિલા પાસે કોઇપણ જાતની ડિગ્રી નથી. આ માહિતીને આધારે પોલીસની ટીમ પંચોને લઇને પહોંચી હતી. મકાનના આગળના ભાગનો નળીયાવાળો રૂમ ખુલ્લો હોઇ અંદર જઇ જોતાં ખુરશી પર એક મહિલા બેસેલી જોવા મળતાં તેને પોલીસની ઓળખ આપી હતી. ટેબલ પર અલગ અલગ દવાઓ હતી.
મહિલાને પુછતાં પોતે ડોકટર હોવાનું કહેતાં પોલીસે તેની પાસે ડિગ્રી-સર્ટિફિકેટ માંગતા તેમજ હોમીયોપેથીક કે આયુર્વેદિકનું કોઇપણ સર્ટિફિકેટ હોય તો એ બતાવવા કહેતાં તેણીએ ગલ્લા તલ્લા કર્યા હતાં. વિશેષ પુછતાછ થતાં પોતે માત્ર 10 ચોપડી સુધી ભણી હોવાનું અને ઉપલેટામાં નર્સિંગનો કોર્ષ કર્યો હોઇ પોતાની પાસે પંદર વર્ષનો નર્સિંગનો અનુભવ હોઇ જેથી દવાખાનુ ખોલીને બેસી ગયાનું અને દર્દીઓને તપાસી એલોપેથીક દવાઓ તથા ઇન્જેકશનો આપતી હોવાનું કબુલ્યું હતું.