Home /News /gujarat /ચૂંટણી પહેલા ભાંગેલી, તૂટેલી, વિખરાયેલી કોંગ્રેસને વધુ એક ફટકો, સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં પણ ખાડો

ચૂંટણી પહેલા ભાંગેલી, તૂટેલી, વિખરાયેલી કોંગ્રેસને વધુ એક ફટકો, સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં પણ ખાડો

રીબડિયાએ કોંગ્રેસ છોડી એ જ સાંજે પ્રતાપ દૂધાત ભાજપના નેતા પાસેથી સહકાર માગતા દેખાયા હતા.

Gujarat Politics: મોસમ ચૂંટણીની છે અને હવા કોંગ્રેસમાંથી ભાજપ તરફથી છે. બરાબર એવા જ સમયે પ્રતાપ દૂધાત ભાજપના સુરેશ પાનસુરિયા સાથે ન માત્ર દેખાયા પરંતુ અપીલ કરી કે પાર્ટી ગમે તે હોય 5 વર્ષ આ વિસ્તાર માટે કામ કર્યું છે સહકાર આપજો.

    ચૂંટણી નજીક આવે એટલે પક્ષપલટો અને રાજીનામાની મૌસમ ખીલી ઊઠે છે. આ પરંપરા ગુજરાતમાં તો વર્ષોથી કોંગ્રેસ નિભાવી રહી છે. હવે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિસાવદર બેઠકના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. આમ 2017ની ચૂંટણી પછી કોંગ્રેસના 17મા ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. હર્ષદ રિબડિયાએ વિધાનસભા અધ્યક્ષ ડો.નિમાબેન આચાર્યને રાજીનામું આપ્યું હતું. આ સાથે જ તેમની ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસથી નારાજ કેટલાક ધારાસભ્યો ભાજપનો કેસરિયો ધારણ કરશે તેવી લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. ત્યારે 2022ની ચૂંટણીના ગણતરીના મહિના પહેલા જ સૌરાષ્ટ્રમાંથી રીબડિયાએ શરૂઆત કરી દીધી છે. જો કે રીબડિયાએ રાજીનામું ન્હોતું આપ્યું તેના 2થી 3 મહિના પહેલા પુછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ કે સિંહ છું ભાઈ ખડનો ખાઉં....

    જો કે હર્ષદ રિબડિયાએ રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા કહી દીધું કે ચૂંટણી ગુજરાતમાં છે અને રાહુલ ગાંધી ઉત્તર ભારતમાં આંટાફેરા મારે છે. તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ પણ રીબડિયા પર આકરા પ્રહાર કરતા કહી દીધું કે રીબડિયાના જવાથી કોઈ અસર નહીં થાય. અને આગમી સમયમાં કેટલા જવાના છે તે પણ અમને ખબર છે.



    હર્ષદ રીબડિયાના રાજીનામા બાદ જૂનાગઢ જિલ્લા સંગઠનમાંથી પણ અનેક દિગ્ગજો સરકી રહ્યા છે. એટલે જ કોંગ્રેસ પાણી પહેલા પાળ બાંધી રહી છે. સાથે જ કોંગ્રેસ છોડનાર હર્ષદ રીબડિયા સામે જૂનાગઢ કોંગ્રેસમાં ઉગ્ર રોષ પણ જોવા મળ્યો છે. જિલ્લા કાર્યાલય પર કોંગ્રેસના ધારાસભ્ય તરીકે હર્ષદ રીબડિયાનું નામ લખાયેલું હતું તે કાઢી નાખી તેની જગ્યાએ ગદ્દાર હર્ષદ રીબડિયા લખી દેવાયું. કોંગ્રેસ કાર્યકરોએ આરોપ લગાવ્યો કે હર્ષદ રીબડિયાએ ભરોસો તોડ્યો છે. જો કે આ અંગે રીબડિયાનું કહેવું છે કે મેં ગદ્દારી નથી કરી.

    આ પણ વાંચો- ખેડા પથ્થરમારા મામલે હર્ષ સંઘવીની આકરી ચેતવણી, કાયદામાં રહેશે એ જ ફાયદામાં રહેશે

    આખરે અટકળોનો અંત આવ્યો અને વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયા ભાજપમાં જ જોડાશે એ નિશ્ચિત થયું. તેમની સાથે સંગઠનમાંથી પણ મોટી સંખ્યામાં હોદ્દેદારોએ બિનસત્તાવાર રીતે કોંગ્રેસ છોડી છે. જેની સત્તાવાર જાહેરાત થાય એ પહેલાં જ કોંગ્રેસે તાત્કાલિક બેઠક બોલાવી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે નટુભાઈ પોકિયાના સ્થાને ભરત અમીપરાની નિમણૂક કરાઈ છે. જ્યારે ભેસાણ તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે વજુભાઈ મોવાલિયાની જગ્યાએ નીતિન રાણપરિયાની વરણી કરાઈ છે. રીબડિયાના સમર્થનમાં તાલુકા પંચાયતના સભ્ય, ભેસાણના ડેલિગેટ મનસુખ વઘાસિયા, રાજેશ ભુવા, જગદીશ રામાણી તથા ભેસાણ APMCના 3 ડિરેક્ટર પણ કોંગ્રેસ છોડી રહ્યાના અહેવાલ વહેતા થયા છે.

    આ પણ વાંચો- રાજકોટમાં પરોઠા ઓછા પડતા પત્ની અને પાટલા સાસુને માર માર્યા બાદ પતિએ ખાધો ગળાફાંસો

    તો બીજી તરફ રીબડિયાએ કોંગ્રેસ છોડી એ જ સાંજે પ્રતાપ દૂધાત ભાજપના નેતા પાસેથી સહકાર માગતા દેખાયા હતા. જેથી ફરી પક્ષપલટાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. સાવરકુંડલાની બજારમાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત નીકળે એ કોઈ નવાઈની વાત નથી. પરંતુ જ્યારે અમરેલી ભાજપના ઉપાધ્યક્ષ સાથે જોવા મળે તો ચર્ચા સ્વાભાવિક છે. કારણ કે મોસમ ચૂંટણીની છે અને હવા કોંગ્રેસમાંથી ભાજપ તરફથી છે. બરાબર એવા જ સમયે પ્રતાપ દૂધાત ભાજપના સુરેશ પાનસુરિયા સાથે ન માત્ર દેખાયા પરંતુ અપીલ કરી કે પાર્ટી ગમે તે હોય 5 વર્ષ આ વિસ્તાર માટે કામ કર્યું છે સહકાર આપજો.

    ખડખડાટ હાસ્ય સાથે બંને નેતાઓ ઓતપ્રોત જોવા મળતાં અમરેલી પંથકમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. દૂધાત 2017માં સાવરકુંડલાથી ચૂંટાયા હતા. તેમના ભાજપમાં જોડાવાને લઈને પણ અગાઉ અટકળો થઈ હતી. જોકે, દૂધાત એ વાતને હંમેશા નકારતા રહ્યા છે. જો કે હજુ સુધી ગુજરાતની ચૂંટણી જાહેર થઈ નથી તેવામાં હજુ સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસના કેટલા ધારાસભ્યોનો મોહ ભંગ થાય છે તેતો જોવું રહ્યું.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Assembly elections, Assembly elections 2022, Congress Gujarat

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन