ન્યૂઝ 18 ગુજરાતી : આર.ટી.આઈ કાર્યકર્તા અમિત જેઠવાની હત્યા કેસમાં સાત આરોપીઓને આજીવન કેદની સજા મળી છે. જેમાં જૂનાગઢનાં પૂર્વ સાંસદ દિનુ સોલંકીનો પણ સમાવેશ થાય છે. કોડીનાર પાસેનાં દેવળી ગામનાં વતની અને કોડીનાર વિધાનસભા બેઠકનાં ત્રણ વખત ભાજપનાં ધારાસભ્ય રહેલા દિનુ સોલંકીની કહાની જાણવા જેવી છે.
તેમણે પોતાની કારકિર્દી કોડીનગર પાલિકાથી કરી હતી અને 2009માં જૂનાગઢનાં સાંસદ બન્યા. આ સમય ગાળો માત્ર કોડીનાર માટે નહીં પણ ગુજરાતનાં રાજકારણ માટે મહત્વનો રહ્યો. કોણ છે દિનુ સોંલકી અને કોડીનારનાં સ્થાનિક રાજકારણમાં તેમની કેવી ભૂમિકા રહી છે ? વિગતો રસપ્રદ છે.
કારડીયા સમાજનો હિરો
દિનુ સોલંકીનો ઉદય કોડીનારનાં જ્ઞાતિગત રાજકારણ સાથે થયો હતો.વર્ષ 1995માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોડીનાર વિધાનસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ લક્ષ્મણ પરમારને ટિકિટ આપી અને તેમનો વિજય થયો. પરમાર શંકરસિંહ વાઘેલાની સરકારમાં પાણી પુરવઠા મંત્રી બન્યા અને કોડિનારના રાજકારણમાં કારિડયા સમાજનું વર્ચસ્વ ઊભું થયું. અગાઉ કોડિનારમાં મતનાં રાજકારણમાં કોળી સમાજ અગ્રેસર હતો અને તેથી કોળી ધારાસભ્ય અપેક્ષિત હતા. જોકે, કોંગ્રેસને અગાઉ ધીરસિંહ બારડના સ્વરૂપમાં એક કારડિયા ધારાસભ્ય મળી ચુક્યા હતા.
એક તરફ દિનુ સોલંકી પોતાનું વ્યાવસાયિક સામ્રાજ્ય જમાવી રહ્યા હતા અને રાજમોતીના પેઢીના નામથી અનેક કારોબારોમાં ઝંપલાવી રહ્યા હતા ત્યારે લક્ષ્મણસિંહ પરમારે શંકરસિંહ સાથે રાજપામાં કૂદકો મારતા કોડીનાર પંથકનાં રાજકારણમાં ભાજપને કારડિયા આગેવાનની શોધ હતી. દિનુ સોલંકી રાજ્યના પૂર્વ નાણા મંત્રી અને હાલના કર્ણાટકના ગવર્નર વજુવાળા સાથે ઘરોબો હતો. અને બંને કૌટુમ્બિક રીતે પણ જોડાયેલા હોવાના કારણે ભાજપને વિકલ્પ મળ્યો.
આ પણ વાંચો : 10 વર્ષ મારા પરિવારે યાતના ભોગવી, 20 વર્ષ એમનો પરિવાર ભોગવે : ભીખા જેઠવા
2007માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ દિનુ સોલંકીનો વિજય થયો અને 3 ટર્મના ધારાસભ્યે જૂનાગઢ લોકસભા તરફ નજર દોડાવી. તત્કાલીન ગૃહમંત્રી શાહ અને મુખ્યમંત્રી મોદીએ તેમને કોંગ્રેસના વર્તમાન સાંસદ જશુ ધાના બારડ સામે ટિકીટ આપી અને જશુ ધાના બારડને હરાવ્યા અને સાસંદ બન્યા.
વ્યાવસાયિક સામ્રાજ્ય
કોડીનાર અને ગીર-સોમનાથના સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ દિનુ સોલંકીનું વ્યાવસાયિક સામ્રાજ્ય એક ઇન્ડસ્ટ્રી જેવું હતું. કોડીનારમાં લગભગ તમામ નાના-મોટા ધંધામાં સીધી અને આડકતરી રીતે તેમની ભાગીદારી છે. ટ્રાન્સપોર્ટથી લઈને અંબુજા સિમેન્ટ કંપનીમાં પાવર બ્રોકિંગ સુધી દિનુ સોંલકીના નામે સમગ્ર પંથકમાં સિક્કા પડે છે. રાજમોતી ગૃપ એક ઇન્ડસ્ટ્રી સમાન હતું. ટ્રેક્ટર, ટ્રાન્સપોર્ટ, પેટ્રોલ પમ્પ, મોબાઇલ, કેબલ સહિતના અનેક વ્યવસાયોમાં રાજમોતી પરિવારનું જ વર્ચસ્વ રહ્યું.
રાજકારણમાં આવ્યા પછી કોડીનારમાં બાહુબલી નેતા તરીકે તેમની ઇમેજ બની. સ્થાનિક વિસ્તારમાં તેમની ધાક ઉભી કરી. અમિત જેઠવાએ દીનુ સોલંકી વિરુદ્ધ ગેરકાયદેસર ખનનની ફરિયાદો કરી અને અનેક આર.ટી.આઈ અરજીઓ કરી હતી જેના કારણે ગીર સોમનાથના હરમડિયા પંથકમાં કાર્યરત ચુનાના પથ્થરની અનેક ખાણો બંધ કરવાની ફરજ પડી હતી. સત્તા અને લખલુટ સંપત્તિ તેમજ મસલ્સ પાવરની વચ્ચે દિનુ સોલંકીને આંખના કણાની જેમ ખટકતા જેઠવાનું કાસળ કાઢવા તેની સોપારી આપી અમિત જેઠવાની હત્યા કરાવી.
જેઠવાની હત્યા અને ધરપકડ
વર્ષ 2010માં અમિત જેઠવાની અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટ સામે જ હત્યા થઈ. આ કેસમાં દિનું સોલંકીના ભત્રીજા શિવાની રાજકોટ એરપોર્ટ ખાતેથી ધરપકડ થઈ, આ કેસમાં વર્ષ 2012 સુધી ક્રાઇમ બ્રાન્ચ અને ‘સીટ’ની તપાસ થઈ. જેમાં દિનુ સોલંકીને ક્લિન ચીટ મળી પરંતુ વર્ષ 2013માં આ કેસમાં સી.બી.આઈ એન્ટર થઈ અને સી.બી.આઈની એન્ટ્રી થતા દિનુ સોલંકીની ધરપકડ કરવામાં આવી.
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણી વખતે કોડીનાર બેઠક એસ.સી અનામત થઇ. આ બેઠક અનામત થતા, દિનુ સોલંકીના નજીકના અને તાલુકા પંચાયતના પ્રમુખ જેઠા સોલંકીને ટિકિટ આપવામાં આવી, જેઠા સોલંકીએ કોંગ્રેસના મોહન વાળાને 30 હજાર જેટલા મતથી પરાજય આપ્યો. પરંતુ સમય જતા દિનુ સોલંકી અને જેઠા સોલંકી વચ્ચે સંબંધો વણસ્યા. દેશમાં સરકાર બદલાઈ. ગુજરાતમાં આનંદીબેન મુખ્યમંત્રી બન્યા અને જેઠા સોલંકીને સંસદીય સચિવનું પદ મળ્યું.
આ ઘટના કોડીનાર પંથકના રાજકીય ઇતિહાસ માટે પરિવર્તન સમાન થઈ. સત્તાની હરિફાઇમાં જેઠા સોલંકીએ કાઠુ કાઢ્યું અને બંને જુથો વચ્ચે ટકરાવ શરૂ થયો. જો કે,અંતે 2017ની વિધાનસભા ચૂંટણીમાં જેઠા સોલંકીની ટિકિટ કપાઈ અને ભાજપે દિનુ સોલંકીના સમર્થક ડૉ. રામ વાઢેરને ટિકીટ આપી. વાઢેર આ બેઠક પરથી હાર્યા અને તેમનો મોહન વાળા સામે પરાજય થયો.
આ પણ વાંચો : અમરેલીઃ ગામડાની આ શાળામાં શહેરના વિદ્યાર્થીઓ ભણવા આવે છે
જેઠા સોલંકીને ફરીથી પુનરાગમનની આશા દેખાઈ શકે છે. પોતાની ટિકિટ કપાઈ ત્યારે તેમણે ખુલ્લેઆમ દીનુ સોલંકી પર આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે કોડીનારના રાક્ષસે મારી ટિકિટ કપાવી છે. જેઠા સોલંકી, સાંસદ રાજેશ ચુડાસમા, જુનાગઢ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતીના પૂર્વ ચેરમેન સુરસિંહ મોરી સહીતના લોકોનો ચોકો દિનુ સોલંકી વિરુદ્ધ ખુલ્લેઆમ નીકળી શકે છે. બીજી તરફ, કારડિયા રાજપૂત સમાજ રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા મથામણ કરશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: CBI Court, History, Murder case, Sentence