Home /News /gujarat /

કોંગ્રેસે પેટા ચૂંટણી માટે સૌરાષ્ટ્રની 3 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા

કોંગ્રેસે પેટા ચૂંટણી માટે સૌરાષ્ટ્રની 3 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા

તસવીરમાં ડાબેથી દિનેશ પટેલ (ધ્રાગધ્રા), અરવિંદ લાડાણી (માણાવદર) જયંતિ સભાયા ( જામનગર ગ્રામ્ય)ના ઉમેદવાર

કોંગ્રેસે માણાવદર, ધ્રાંગધ્રા, જામનગર ગ્રામ્ય બેઠક માટે પેટા ચૂંટણીના ઉમેદવારોની પસંદગી કરી

  ન્યૂઝ 18 ગુજરાતી : લોકસભાની ચૂંટણી સાથે યોજાનારી વિધાનસભાની પેટા ચૂંટમી માટે કોંગ્રેસે સૌરાષ્ટ્રની 3 બેઠકો માટેના ઉમેદાવારો જાહેર કરી દીધા છે. કોંગ્રેસે ગઈકાલે માણાવદર, જામનગર ગ્રામ્ય અને ધ્રાંગધ્રા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા આ બેઠકો પર અગાઉથી જ ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે.

  કોંગ્રેસે માણવાદર બેઠક પર અરવિંદ લાડાણી, જામનગર ગ્રામ્ય બેઠક માટે જયંતિ સભાયા અને ધ્રાંગધ્રા બેઠક પર દિનેશ પટેલ પર પસંદગી ઉતારી છે. આ ત્રણ બેઠકોના ધારાસભ્ય કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા તેથી આ બેઠકો પર પેટા ચૂંટણી જાહેર થઈ છે.

  આ પેટા ચૂંટણીમાં સૌથી વધુ જેની ચર્ચા છે, તે માણાવદર બેઠક પર ભાજપમાંથી કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ચૂંટણી લડશે, જ્યારે તેમની સામે કોંગ્રેસે લાડાણીને ઉતાર્યા છે, ધ્રાંગધ્રા બેઠક પર ભાજપે કોંગ્રેસમાંથી આવેલા પરષોત્તમ સાબરિયાને જ ટિકિટ આપી છે, જ્યારે તેની સામે કોગ્રેસે દિનેશ પટેલને મેદાને ઉતાર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ જામનગર ગ્રામ્ય બેઠક પર રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ છોડી આવેલા અને વિધાનસભામાં હારેલા ઉમેદવાર રાઘવજી પટેલને ફરી મેદાને ઉતાર્યા છે, હવે તેમની જંગ જયંતિ સભાયા સાથે થશે.

  આ પણ વાંચો: ખેડા : કોંગ્રેસના ઉમેદવારનો બિમલ શાહનો વિરોધ, કપડવંજના ધારાસભ્યનું રાજીનામું

  ગીર સોમનાથ જિલ્લાની તાલાળા બેઠક પર યોજાનારી પેટા ચૂંટણી પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકયો હોવાથી આ બેઠક પર હાલમાં ચૂંટમી નહીં યોજાય. આ બેઠક પર ભાજપે પૂર્વ મંત્રી જશા બારડની પસંદગી કરી હતી. ખનિજ ચોરીના કેસમાં સસ્પેન્ડ થયેલા ધારાસભ્ય ભગવાન બારડ આ બેઠક પરથી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયા હતા.

  ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉંઝા વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય આશા પટેલ આ બેઠકમાં ભાજપના પ્રબળ ઉમેદવાર માનવામાં આવે છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Candidates, Gujarat Loksabha Elections 2019, કોંગ્રેસ

  આગામી સમાચાર