Saurashtra Rainfall: સોરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ખસેડી લેવામાં આવ્યા છે. આ સાથે અનેક ફસાયેલા લોકોને એરફોર્સ, SDRF, કોસ્ટગાર્ડ, ફાયરબ્રિગેડની ટીમો સલામત સ્થળે ખસેડી રહી છે. વણાકબારા પાસે દરિયામાં ફસાયેલા 7 માછીમારોનું કોસ્ટગાર્ડે દિલધડક રેસ્ક્યુ કર્યું જેનો વીડિયો સામે આવ્યો છે. નોંધનીય છે કે, જામનગર જિલ્લાના કાલાવાડ અને જામનગર તાલુકામાં રવિવારની રાત્રિએ વરસેલા સાંબેલાધાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે તે વિસ્તારોમાં પણ અનેક લોકોનું રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
રેસ્ક્યૂ કરીને માછીમારોને બચાવ્યા
મળતી માહિતી પ્રમાણે, હવામાન ખરાબ હોવા છતાં પણ કોસ્ટ ગાર્ડની ટીમ પોરબંદરથી વણાકબારા ગઇ હતી. આ ટીમ દ્વારા સાત માછીમારોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. દિલધડક આ રેસ્ક્યૂના દ્રશ્યો સામે આવ્યા છે. જાણકારી મળતા જ કોઇપણ જાતનો વિચાર કર્યા વગર કોસ્ટ ગાર્ડની ટીમ માછીમારોને બચાવવા માટે પહોંચી હતી.
નોંધનીય છે કે, કાલાવડ તાલુકામાં ધોધમાર વરસાદને કારણે સોમવારે નદીઓ ગાંડીતૂર બનતાં અલિયાબાડા ગામમાં પૂરના પાણી ઘૂસ્યાં હતાં. અલિયાબાડા ગામમાં ઘરનાં એક-એક માળ પાણીમાં ગરકાવ થતાં લોકો જીવ બચાવવા ઘરની છત પર ચઢી ગયા છે. નદીકાંઠા નજીકમાં કેટલાક લોકો ફસાયા હોય અને પાણીનો સ્તર વધી રહ્યો હોઈ, સ્થાનિક લોકો અને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા 25 લોકોનું દિલધડક રેસ્ક્યૂ-ઓપરેશન કરાયું હતું. જવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકી લોકોના જીવ બચાવ્યા હતા. ખોડિયાર મંદિરની છત પર પણ ફસાયા હતા લોકો
નાગેશ્વર નદીના કાંઠા પર જ ખોડિયાર મંદિર આવેલું છે. રાત્રિના સમયે નાગમતી-રંગમતી નદીમાં ઘોડાપૂર આવતાં મંદિર આસપાસ પૂરનાં પાણી ફરી વળ્યા છે. મંદિર પણ અડધું પાણીમાં ડૂબી ચૂક્યું હતુ. અહીં પણ સોમવારે પાંચથી છ જેટલા લોકો છત પર ફસાયેલા હતા. જેઓ દ્વારા વીડિયો વાઈરલ કરી મદદની માગ કરી હતી અને તેમનું પણ રેસ્ક્યૂ કરવામાં આવ્યુ હતુ.