અતુલ વ્યાસ, જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે છેતરપિંડીનો અનોખો મામલો સામે આવ્યો છે. ધવલભાઈ મનસુખભાઇ રિબડીયા પર દેવું થતા તેમને આરોપીઓએ ભવનાથ ગિરનારની ગુફામાં સેવાદાસ નામના મહાત્માને ઓળખાતો હોઈ, તાંત્રિક વિધિ કરી, કરોડો રૂપિયાનો વરસાદ કરાવી દેશે તેવી લાલચ આપી હતી. આ પછી આરોપી જયેશભાઇ કાંતિભાઈ ભાયાની ઉર્ફે દેવરાજસિંહ અજીતસિંહ જાડેજા તથા તેના બે અજાણ્યા મિત્રો ધવલભાઈના પત્ની શિલ્પાબેનના ઘરે આવીને બાવડું પકડી, બીભત્સ માંગણી તથા બીભત્સ ઇશારાઓ કરતા હતા. આથી શિલ્પાબેને વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ગુનાની ગંભીરતા ધ્યાને લઇ જૂનાગઢ જિલ્લાના જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપીઓને ધરપકડ કરી છે.
આરોપી જયેશભાઇ કાંતિલાલ ભાયાણી જાતે વાળંદ ઉર્ફે દેવરાજસિંહ અજીતસિંહ જાડેજા, પ્રહલાદસિંહ કાયમસિંહ પરમાર અને હિરેન ઉર્ફે કાકા મનુભાઈ ચંદેરશાને તાત્કાલિક રાઉન્ડ અપ કરી ફોર્ચ્યુનર કાર કિંમત રૂ. 3,00,000/- તથા મોબાઈલ ફોન નંગ 04 મળી, કુલ મુદ્દામાલ કિંમત રૂ. 3,15,000/- સાથે પકડી પાડ્યા છે.
પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરતા આરોપી જયેશ કાંતિલાલ ભાયાણી મૂખ્ય સૂત્રધાર છે અને મૂળ જેતપુર તાલુકાના દેરડી ગામનો રહેવાસી છે. તાજેતરમાં તેને એફિડેવિટ કરાવી, અમરેલીના અજીતસિંહ જાડેજાએ દત્તક લેતા, પોતાનું નામ દેવરાજસિંહ અજીતસિંહ જાડેજા રાખ્યું છે. અવાર નવાર વિસાવદર ખાતે આવતો હોવાથી તેને શિલ્પાબેનના પતિ ધવલભાઈરિબડીયા, કે જેઓ વિસાવદર ખાતે મિલન હોટલ નામની હોટલ અને રેસ્ટોરન્ટ ધરાવતા હોઇ, તેને મળતા ઓળખાણ થયેલ હતી. ઓળખાણ દરમિયાન આરોપી જયેશભાઇ ભાયાણીએ ધવલભાઈને કોઈને આર્થિક મુશ્કેલી હોય તો પોતે ભવનાથ ગિરનારની ગુફામાં સેવાદાસ નામના મહાત્માને ઓળખાતો હોઈ, તાંત્રિક વિધિ કરી, કરોડો રૂપિયાનો વરસાદ કરાવી દેશે. એના માટે વિધિ કરવાની થાય છે અને વિધિ માટે માત્ર 15 લાખનો ખર્ચ થાય છે તેવી વાત કરી હતી.
આ પણ વાંચો - રાજ્યમાં કોરોનાના નવા 1068 કેસ નોંધાયા, 24 કલાકમાં 26 દર્દીઓના મોત

આરોપી પાસેથી પકડાયેલ ફોર્ચ્યુનર લક્ઝૂરિયસ કાર કર્ણાટક પાસિંગની હોઈ તેની માલિકી અંગે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે
આ અંગે આરોપી દ્વારા રૂપિયાનો વરસાદ થતો હોય તેવા લોભામણા વીડિયો કોલિંગના જુદા જુદા રેકોર્ડિંગ પણ મોબાઈલમાં બતાવ્યા હતા. આરોપી દ્વારા આવી વાત કરતા અને વીડિયો બતાવતા, ધવલભાઈ રિબડીયાને આશરે દોઢ બે કરોડનું દેવું થઈ ગયેલ હોઈ, પોતે જ આ વિધિ કરાવવાની ઈચ્છા દર્શાવી અને એક માસ પહેલા રૂ. 1,50,000/- એડવાન્સ આપ્યા હતા અને વિધિ સમયે બાકીનું પેમેન્ટ આપવાની વાત કરી હતી. બે ત્રણ દિવસથી વિધિ કરતા હતા પણ ધવલભાઈથી બાકીના રૂપિયાની વ્યવસ્થા નહીં થતાં, પોતાના ભાઈ અને પિતા તથા સગા સંબંધીઓ પાસે રૂપિયાની વ્યવસ્થા કરવા જતાં, ધીરે ધીરે આ વાત પોલીસ સુધી પહોંચી હતી. પોલીસ દ્વારા ખાનગીમાં તપાસ આદરતા, આરોપી જયેશ કાંતિલાલ ભાયાણી, રૂપિયાના વરસાદ કરાવવાની લોભામણી વાતો કરી છેતરપિંડી કરવા જ આવ્યા હોવાની વિગતો ખુલવા પામેલ હતી.
બે ત્રણ દિવસથી વિધિ કરવા સમયે આરોપીઓ દ્વારા ધવલભાઈ રિબડીયાના પત્નીની છેડતી અને બીભત્સ માંગણી કરતા હોય, તેઓએ વિસાવદર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી. આરોપીનો રૂપિયાનો વરસાદ કરાવવાનું પ્રલોભન આપી, છેતરપિંડી કરવાની મોડસ ઓપરેન્ડી નો પણ ભેદ ખુલવા પામેલ હતો. વિસાવદર પોલીસ દ્વારા છેતરપિંડીની કલમનો ઉમેરો કર્યો છે. આરોપી પાસેથી પકડાયેલ ફોર્ચ્યુનર લક્ઝૂરિયસ કાર કર્ણાટક પાસિંગની હોઈ તેની માલિકી અંગે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.