અંકિત પટેલ, જસદણઃ રાજકોટ જિલ્લાનાં જસદણના કનેસરા ગામનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં મત માગવા આવેલા રાજ્યના પાણી-પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને ભરત બોઘરાને ગામની મહિલાઓએ પાણી પ્રશ્ને ઉઘડા લીધા હતા. ત્યાર બાદ બાવળિયા અને બોઘરાએ લોકોને સમજાવવા પ્રયત્ન કર્યો હતો. બાવળિયાએ લોકોને સમજાવતા કહ્યું કે તમારા ગામની ખટપટના કારણે વિકાસ નથી. મને મત આપ્યો હોત તો વિકાસ થાત.પરંતુ પ્રયત્ન નિષ્ફળ રહેતા બંને ત્યાંથી નીકળી ગયા હતા.
બાવળિયાએ દેખાડ્યો સત્તાનો રોફ
વીડિયોમાં કુંવરજીભાઈ દાદાગીરી કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. કુંવરજીભાઈએ લોકોને કહ્યું કે ગઈ વખતે તમે મને 45થી 55 ટકા જ મત આપ્યા હતા. ત્યારે કેમ બધા ભેગા થઈને ન આવ્યા. હું પાણી પુરવઠાનો માણસ છું. કરોડો રૂપિયા ગામમાં પાણી માટે આપું એમ છું. ત્યારે ભરત બોઘરાએ પણ લોકોને સમજવવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે તમે સમજતા નથી. આખા રાજ્યમાંથી લોકો બાવળિયા સાહેબને મળવા માટે આવે છે અને લાઈનો લાગે છે. તમે સમજો. ત્યારે બાવળિયાએ પણ કહ્યું કે હા મને મળવા માટે લાઈનો લાગે છે. કદર જ નથી. તેમ કહીને ગાડીમાં બેસી ગયા હતા અને ત્યાંથી નીકળી ગયા હતા.
મહિલાઓમાં આક્રોશ:કુંવરજી બાવળિયા ગયા પછી પણ ગામની મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. મહિલાઓના કહેવા પ્રમાણે નેતાઓ ચૂંટણી ટાણે વોટ માંગવા નીકળી જાય છે. પણ ચૂંટણી પછી કોઈ સામે પણ જોતું નથી. તેમ કહી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર