ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી 2019 માટે જાહેર કરાયેલી 16 બેઠકોમાંથી બે બેઠકોને બાદ કરતા તમામ બેઠક પર ભાજપે રિપિટ થિયરીનો અમલ કર્યો છે. જેમાની બેઠક સુરેન્દ્રનગર કે જ્યાંથી દેવજી ફેતપરા સાંસદ થયાં હતા, તેમનું નામ કાપીને તેમના સ્થાને નવા ઉમેદવાર ડો. મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપવામાં આવી છે. સુરેન્દ્રનગર બેઠક પરથી પત્તુ કટ થતાં જ દેવજી ફતેપરાનો આક્રોશ ચરમસિમાએ પહોંચી ગયો છે. સીટિંગ સાંસદ ફતેપરાના સ્થાને નવા ચહેરા તરીકે જેમની પસંદગી કરવામાં આવી છે તે ડો. મહેન્દ્ર મુંજપરા અંગે અમે જણાવી રહ્યાં છીએ.
ડો. મહેન્દ્ર મુંજપરાનો જન્મ 1968માં સુરેન્દ્રનગરના વઢવાણમાં થયો છે, તેઓ ચુવાળિયા કોળી ઠાકોર સમાજમાંથી આવે છે. તેમણે અમદાવાદ સ્થિત એનએચએલ મેડિકલ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. તેમજ અમદાવાદમાં પીએચએસ સાબરમતી, એલજી હોસ્પિટલ, વીએસ હોસ્પિટલમાંથી તેમજ સુરેન્દ્રનગરની સીયુ શાહ સેન્ટરમાં ઇન્ટર્નશિપ કરેલી છે. એક રીતે જોવા જઇએ તો આખો મુંજપરા પરિવાર મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલો છે. તેમના પત્ની પણ BAMS આયુર્વેદિક ડોક્ટર છે અને તેમના બન્ને સંતાનો દિકરો અને દિકરી પણ મેડિકલનો અભ્યાસ કરે છે.
મુંજપરા એમડી(મેડિસિન) છે અને મેડિકલ ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં લેક્ચર આપે છે. પોતાના પ્રોફેશન ઉપરાંત તેઓ ચુવાળિયા કોળી યુવા સમાજના પ્રમુખ છે અને શ્રી સમસ્ત ચુવાળિયા ઠાકોર કોળી વેલનાથ પ્રગતિ મંડળના ટ્રસ્ટી પણ છે. તેમણે અત્યારસુધીમાં અંદાજે 8 લાખ કરતા વધારે દર્દીઓની સારવાર કરવામાં આવી છે.
ડો. મુંજપરાની રાજકિય કારકિર્દી અંગે વાત કરવામાં આવે તો તે ઘણા લાંબા સમય સુધી સંઘ સાથે એક કાર્યકર્તા તરીકે જોડાયેલા હતા. તેઓ 2009થી ભાજપમાં એક કાર્યકર તરીકે સક્રિય થયા છે. 2017માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન ડો. મહેન્દ્ર મુંજપરાનું નામ ધ્રાંગધ્રા બેઠક માટે ઘણું ચર્ચામાં આવ્યું હતું, પરંતુ એ સમયે તેમને ટિકિટ આપવામાં આવી ન હતી. ત્યારે આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા સેન્સ લેવામાં આવ્યા બાદ ડો. મહેન્દ્ર મુંજપરાને સીધી લોકસભાની ટિકિટ સુરેન્દ્રનગર બેઠક પરથી આપવામાં આવતા અનેક તર્ક વિતર્કો લગાવવામાં આવી રહ્યાં છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર