ભાવનગર : બાળકોને રહેંસી નાખનાર કૉન્સ્ટેબલે શુક્રવારે જ મોટા પુત્રનો જન્મદિન ઉજવ્યો હતો

મર્ડર કરનાર કૉન્સ્ટેબલ સુખરામ શિયાળ અને મૃતક બાળકોની ફાઇલ તસવીર

ભાવનગરની ચકચારી ઘટનામાં નિષ્ઠુર પિતાએ પત્ની સાથેના ઝઘડામાં પુત્રોને રહેંસી નાખતાં પહેલાં પત્નીને રૂમમાં પુરી દીધી હતી.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : ભાવનગરમાં ત્રણ પુત્રોને રહેંસી નાખનાર પોલીસ કૉન્સ્ટેબલ સુખરામ શિયાળનો પત્ની સાથે લાંબા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો. પત્ની સાથેના કંકાસથી કંટાળેલા કૉન્સ્ટેબલે પત્નીને સબક શીખવાડવા માટે ક્રોધમાં પોતાના જ પુત્રઓને રહેંસી નાખ્યા. રવિવારે સાંજે સુખરામે ત્રણ પુત્રોને રહેંસી અને કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. સુખરામે પોલીસને ફોન કરી કહ્યું,'હેબ, મેં મારા છોકરાને મારી નાખ્યા છે, પોલીસ મોકલો' પ્રાપ્ત અહેવાલો મુજબ મૃતક બાળકોમાંના ખુશાલ શિયાળનો શુક્રવારે જ જન્મદિન હતો. શુક્રવારે પરિવાર સાથે સુખરામ જન્મદિન ઉજવ્યો હતો. ઘરમાં રંગબેરંગી ફૂગ્ગા બાંધી કેક કાપી જન્મદિન ઉજવ્યો હતો. રવિવારે સુખરામ શિયાળ પત્ની અને બાળકો સાથે વરસાદમાં બહાર નહાવા માટે ગયો હતો. બહારથી ઘરે આવ્યા બાદ પત્ની સાથે નજીવી બાબતે ઝઘડો થતાં સુખરામે પુત્રોને એક પછી એક રહેંસી નાખ્યાં હતા.

  સુખરામ શિયાળને સંતાનોમાં ત્રણ પુત્ર ખુશાલ (ઉ.વ. 7) ઉદ્ધવ (ઉ.વ. 5) અને મનમીત (ઉ.વ. 3) હતા. પત્ની જીજ્ઞા સાથે ચાલી રહેલા કંકાસથી કંટાળેલા સુખરામે રવિવારે દાંતરડાથી ત્રણ પુત્રોના ગળાં કાપી નાખ્યાં હતા. આ ઘટના બાદ પોલીસે સુખરામની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

  જન્મદિન માટે ઘરમાં ફૂગ્ગાનું ડેકોરેશન કર્યુ હતું
  સુખરામ શિયાળે શુક્રવારે જ મોટા પુત્ર ખુશાલનો જન્મદિન ઉજવ્યો હતો.પુત્રના જન્મદિન માટે ઘરમાં ફૂગ્ગા શણગારી ડેકોરેશન પણ કરાયું હતું. એ માસૂમને સ્વપ્ને પણ કલ્પના નહોતી કે જે પિતા તેના માટે ફૂગ્ગા શણગારી કેક લાવ્યા છે તે જ પિતા તેને રહેંસી નાખશે.

  પત્નીનો વિલાપ 'હે ભગવાન મને પણ કેમ ન મારી નાખી'
  કૉન્સ્ટેબલ સુખરામ શિયાળે પત્ની જીજ્ઞાને રૂમમાં પુરી અને બાળકોને રહેંસી નાખ્યાં હતા. પુત્રોની હત્યા કર્યા બાદ જીજ્ઞાને રૂમમાંથી બહાર કાઢી અને લાશ બતાવી હતી. પોતાના વ્હાલસોયાઓની લોહીથી ખદબદતી લાશ જોઈ 'હે ભગવાન મને પણ કેમ ન મારી નાખી' વલોપાત કરતા ઢળી પડી હતી.
  Published by:Jay Mishra
  First published: