ભાવનગર: પાલિતાણા એસટી ડેપોમાં (Palitana ST Depot) મહિલા ઉત્પીડનની ઘટનાનો એક વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. જેમા પ્રેમી યુવક મહિલા કન્ડક્ટરના વાળ પકડીને માર મારતો દેખાય છે. તે દરમિયાન કચેરીમાં બેઠેલા અિકારીઓ પણ આ અંગે યુવકને કાંઇ કહેતા નથી. આ યુવક મહિલાને અપશબ્દો પણ બોલી રહ્યો છે.
એસટી ડેપોની કચેરીમાં બની આખી ઘટના
આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, પાલિતાણાના એસટી ડેપોમાં એક મહિલા કંન્ડક્ટર તરીકેની ફરજ બજાવે છે. આ મહિલા પોતાની ફરજ દરમિયાન કચેરીમાં બેઠી હતી. ત્યારે એક યુવક ત્યાં આવીને મહિલાને ખૂબ જ અપશબ્દો બોલ્યા હતા. આ દરમિયાન કચેરીમાં અન્ય અધિકારીઓ પણ હાજર હતા. થોડી વાર બાદ મહિલા કંઈ કહેવા માટે ઊભી થઇ તો યુવકે મહિલા પર હુમલો કર્યો હતો અને વાળ પકડી મહિલા પાસે રહેલી બેગ તેના માથામાં મારી હતી. ત્યાર બાદ તેણે મહિલાને લાફા માર્યા હતા.
સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો
અધિકારીઓની નજર સામે જ ઘટના ઘટી રહી હોવા છતાં તેમણે મહિલાને બચાવવા માટે કાંઇ જ કર્યું ન હતુ. જોકે, આ આખી ઘટનાનો વીડિયો ત્યાં આવેલા એક મુલાકાતીએ ઉતારી લીધો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.
બંને વચ્ચે સમાધાનની વાત આવી સામે
આ અંગે પાલિતાણાના એસટી ડેપોના કાર્યવાહક ડાંગરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, મહિલા કન્ડકટર અને હુમલો કરનાર યુવક તેનો પ્રેમી છે. તેમની વચ્ચે કોઇ બાબત અંગે ઝઘડો થયો હતો તેમજ મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવવાનો ઈનકાર કર્યો હતો. જેથી કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નહોતી પરંતુ બંને વચ્ચે સમાધાન થઇ ગયુ છે.
દાહોદ જિલ્લામાં પણ મહિલા પર અત્યાચારની ઘટના સામે આવી હતી
થોડા દિવસો પહેલા પણ દાહોદ જિલ્લામાં આવી જ આઘાતજનક ઘટના ઘટી હતી. દાહોદ જિલ્લા ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે કુટુંબની સ્ત્રીઓ જોડે કેમ બોલાચાલી રાખી છે એમ કહી મહિલા પર અત્યાચાર ગુજાર્યો હતો. પોતાના જ પરિવારના 4 જેટલા ઈસમોએ એકસંપ થઈ મહિલાને પકડી જાહેરમાં લાકડીઓ વડે તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો તેમજ રોડ પર ઢસડી મારી નાખવાની ધમકીઓ આપી હતી. એ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળી રહ્યું છે. ત્યારે બીજી તરફ આ મામલે અત્યાચારનો ભોગ બનેલી પરિણીતા દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.