મુકુંદ મોકરિયા, દેવભૂમિ દ્વારકા : દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka)જિલ્લાના ભાટીયાની પોસ્ટઓફિસમાં (Post Office)ઈન્ચાર્જ સબ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવી ગયેલા એક અધિકારીએ દોઢ વર્ષમાં જુદા જુદા 16 ગામના 110 ખાતાઓમાં ચેડા કરી દોઢ કરોડ રૂપિયા ઉપરાંતની રકમની ઉચાપત (Fraud)કર્યાની પોલીસમાં ફરીયાદ કરાઈ છે. આ અધિકારીને હાલમાં ફરજમોકૂફ કરવામાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામમાં આવેલી સબ પોસ્ટઓફિસમાં વર્ષ 2019થી એક વર્ષ સુધીના સમયમાં ભાટીયાના તારક હેમતભાઈ જાદવ નામના વ્યક્તિએ પોસ્ટલ આસિસ્ટન્ટ અને ઈન્ચાર્જ સબ પોસ્ટમાસ્તર તરીકે ફરજ બજાવી હતી. આ કર્મચારીના ફરજના કાળ-તા. 10-6-2019 થી તા. 19-12-2020 દરમ્યાન આ વિસ્તારની જુદી જુદી 16 બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં સમયાંતરે 110 વખત ટ્રાન્જેક્શન કરવામાં આવ્યા હતા. જેમાં તારક જાદવે ખોટા રેકર્ડના આધારે આર્થિક વ્યવહારો કરી તેની નોંધ કોમ્પ્યુટરના એસએપી સોફ્ટવેરમાં તે અંગેના ખોટા હિસાબો બતાવી ગેરરીતિ આચર્યાની આશંકા ઉભી થતા તપાસ કરાઈ હતી.
આ ટ્રાન્જેક્શન મારફતે 1,55,75,000 રૂપિયાની રકમની ઉચાપત થઈ ગયાનું બહાર આવતા અને ભારતીય ટપાલ વિભાગના જ જુદા જુદા ખાતાઓમાં 1,44,36,477ની રોકડ રકમ પણ ટ્રાન્સફર કરાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. ત્યારપછી જામનગર સ્થિત પોસ્ટ વિભાગની કચેરીએ સવિસ્તૃત વિગતો મેળવવા કરેલી તજવીજના અંતે જામનગર પોસ્ટલ ડિવિઝનના સહાયક અધિક્ષક (મુખ્યાલય) તરીકે ફરજ બજાવતા પીનાકીન પ્રવીણચંદ્ર શાહએ કલ્યાણપુર પોલીસ મથકમાં તારક હેમતભાઈ જાદવ સામે વિધિવત ફરિયાદ નોંધાવી છે.
પોલીસે આઈપીસી 409 હેઠળ ગુન્હો નોંધી તપાસ આદરી છે. આ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.આ સમગ્ર પ્રકરણમાં આરોપીએ 1 કરોડ 44 લાખ પરત જમા કર્યા હોવાની વિગતો સામે આવી રહી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર