આપ સૌએ અમદાવાદ અને જગન્નાથપુરીની રથયાત્રા વિશે તો સાંભળ્યું જ હશે, એવી જ રીતે નવરાત્રી ઉપર જૂનાગઢના નાગરવાડામાં બિરાજતા આરાસુરી માતાની રવાળી નીકળે છે, જેની સાથે ચાલતાં આરાસુરી માતા શેરીએ શેરીએ જઈને ભાવિકોને દર્શન આપે છે, ત્યારે ભાવિકો પોતાના ઘરની બહાર નીકળીને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
જૂનાગઢ શહેરમાં આવેલ નાગરવાડા વિસ્તારમાં વર્ષોથી એક પરંપરા ચાલી આવે છે, છેલ્લાં 40 કરતાં પણ વધારે વર્ષોથી ચાલતાં પથુભાઈ ગરબા મંડળ દ્વારા આ પરંપરા જાળવી રાખવામાં આવી છે. જેમાં નવરાત્રી દરમિયાન બીજા નોરતે એટલે કે આસો સુદ બીજના દિવસે આરાસુરી માતાની રવાળી નીકળે છે. આ રવાળીમાં માતા આરાસુરીને પાલખીમાં બેસાડીને નગરચર્યા કરાવવામાં આવે છે. આરાસુરી માતાની રવાળીમાં અનેક માઈ ભક્તો આસ્થાપૂર્વક જોડાય છે અને ભાવભેર અને વાજતેગાજતે માતાજીના ગરબા ગાઈને જગદંબાને રીઝવવા તેમના ગુણગાન કરે છે.
\"બોલ માડી અંબે, જય જય અંબે\" ના નારા, પ્રાચીન ગરબા, ઢોલક-ઝાંઝ અને તાળીઓના નાદ સાથે નાગરવાડા વિસ્તારની તમામ શેરીઓ ગુંજી ઉઠે છે. આ રવાળીમાં દરેક જ્ઞાતિના ભાવિકો ભાવપૂર્વક જોડાયને જગદંબાના ગુણગાન કરે છે. મહિનામાં આવતી બે ચૌદશ અને વર્ષ દરમિયાન આવતી ચાર નવરાત્રી દરમિયાન બેઠાં ગરબાનું આયોજન કરીને માઇ ભક્તો માનાં ગુણલા ગાય છે, જ્યારે નવરાત્રીના બીજા નોરતે નીકળતી રવાળીમાં સૌ ભાવિકો શ્રદ્ધાપૂર્વક જોડાય છે. રવાળીમાં નીકળતી પાલખીમાં બિરાજમાન આરાસુરી માતા જુના નાગરવાડાની શેરીઓમાં પરિભ્રમણ કરીને સૌ ભાવિકોને ઘેરઘેર દર્શન આપવા માટે જાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર