ભાવનગર: રાજ્યમાં અનેકવાર રખડતા ઢોરના કારણે કેટલાયના જીવ ગયા છે તો કેટલાય લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. ત્યારે ભાવનગરમાં (Bhavnagar CCTV) ફરીથી રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. જે સીસીટીવીમાં કેદ થયો છે. હાલ ઢોરના મારથી ઇજાગ્રસ્ત વ્યક્તિ સારવાર હેઢળ છે. હાલ આ આતંકને કારણે ભાવનગરના લોકોમાં ડરનો માહોલ છવાયો છે.
ઢોર વ્યક્તિની રાહ જોતો હોય તેમ લાગે છે
આ સીસીટીવીમાં તમે એકદમ સ્પષ્ટ જોઇ શકો છો કે, રખડતા ઢોર કઇ હદ સુધી આતંક મચાવી શકે છે. આ સીસીટીવીમાં જોઇ શકાય છે કે, ઢોર વ્યક્તિને શિંગડામાં ભેરવીને ઢસડી રહ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે આ આતંક ચોથી ડિસેમ્બરનો છે. સવારના સવા અગિયારની આસપાસ એક રસ્તા પર ઢોર ઉભું છે. પહેલા તો તે એકદમ શાંત દેખાય છે. ત્યાંથી આવતા જતા વાહનોને તે નુકસાન પહોંચાડતું નથી.
પરંતુ આ દરમિયાન એક ઘરમાંથી વ્યક્તિ બહાર પોતાનું વાહન લેવા જાય છે ત્યારે જ આ ઢોર તેને શિંગડામાં નાંખીને ચગદી જાય છે. આ આતંક થોડી જ સેકન્ડોનો છે પરંતુ આમાં વ્યક્તિની હાલત બિસ્માર થઇ જાય છે. જે બાદ તે વ્યક્તિને બચાવવા માટે અન્ય લોકો આવે છે પરંતુ ઢોર આ લોકોને પણ અડફેટે લેવાનો પ્રયત્ન કરતા તે બધા ત્યાંથી જતા રહે છે. જે બાદ અંતમાં એક બે લોકો લાકડી લઇને ઢોરને મારવા જાય છે તે જોઇને ઢોર ત્યાંથી ભાગી જાય છે.
જામનગરમાં પણ થોડા સમય પહેલા આવો એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક યુવાન ઇજાગ્રસ્ત થયો હતો. જામનગર શહેરની ભાગોળે આવેલા હાપા (Hapa) આ વિસ્તારની સોસાયટીમાં ગરમીના બફારામાં સોસાયટીમાં હવા ખાવા નીકળેલા સ્થાનિક લોકો વચ્ચે બેસેલા ટુ વ્હીલર પર બેસેલા એક યુવાનને ઢોરે ઢીંક મારી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જામનગરના હાપા વિસ્તારની સોસાયટીમાં રખડતાં ઢોરની ઢીકે અડફેટે ચડેલા કરણ સુખલાલભાઈ પરમાર નામના યુવાનને હાથના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને તેને સારવાર માટે ખસેડ્યો પડ્યો હતો.