રવિ બુદ્ધદેવ, જામનગર: જામનગર લોકસભાની સાથે જામનગર ગ્રામ્યની વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે. તે માટે 15 યોદ્ધાઓ એટલે કે 15 ઉમેદવારો મેદાનમાં છે. આમ તો મુખ્ય જંગ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જ છે. પરંતુ બંને પક્ષના ઉમેદવારો માટે પક્ષમાં ઉકળતો ચરું હોવાથી હાલત કફોડી છે. તો બીજી તરફ મતદારોએ પણ તેમનું મન કળવા દેતા ન હોવાથી રાજકીય પક્ષો પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે.
જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકનો જંગ જીતવા માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે. તપતી ગરમીમાં પ્રચાર માટે પસીનો વહાવી રહ્યા છે. પરંતુ તેમને મતદાતાઓ તરફથી જેટલો આવકાર મળવો જોઈએ તેટલો મળી રહ્યો નથી. તેનું કારણ એ છે કે એક બાજુ ભાજપના રાઘવજી પટેલ છે કે જેમની છબી પક્ષપલટું નેતાની છે. તો બીજી તરફ આ વિસ્તારથી અપરિચિત કહેવાતા આયાતી ઉમેદવાર જયંતિ સભાયાને કોંગ્રેસે ઠોકી બેસાડ્યા છે, તેના કારણે સ્થાનિક કાર્યકરો અને પ્રજામાં અસંતોષ છે. જે મુદ્દાઓ લઈને આ ઉમેદવારો મતદારો સમક્ષ જઈ રહ્યા છે તેમાં સ્થાનિક મુદ્દાઓનો અભાવ હોવાથી મતદાતાઓ અવઢવમાં છે કે મત કોને આપવો.
કોંગ્રેસની હાલત પણ કફોડી છે. કારણ કે કોંગ્રેસે સ્થાનિક ૩૫ જેટલા દાવેદારોની વચ્ચે સુરત સ્થાયી થયેલા અને આયાતી ઉમેદવાર એવા જયંતિ સભાયાને અખાડામાં ઉતાર્યા છે. સ્થાનિક કોંગ્રેસના મજબૂત આગેવાનોની અવગણના અને નારાજગી વચ્ચે જયંતિ સભાયા માટે અનેક પડકારો મોં ફાડીને ઉભા છે. સુરતમાં સ્થાયી થયા હોવાથી સ્થાનિકો તેમને ઓળખતા નથી. ત્યારે આવા ઉમેદવારને કેવી રીતે પોતાના સેવક બનાવવા તેને લઈને મતદારો મુંઝાયા છે.
આમ ભાજપે પક્ષના કાર્યકરોની અવગણના કરીને પાંચ વખત પક્ષપલટો કરનાર રાઘવજી પટેલને ફરીથી મેદાનના ઉતાર્યા છે..તો સામે પેરાશૂટ ઉમેદવારના આગમનથી કોંગ્રેસનું ઘર ભળકે બળી રહ્યું છે ત્યારે ક્યાં ઉમેદવાર તરફી મતદારોનો ઝોક રહેશે તે જોવું રહ્યું..
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર